અમેરિકા ગજાવે છે મુઘલ-એ-આઝમ….

આજકાલ ન્યુ યૉર્કના ટાઈમ્સ સ્ક્વેરનો એક વિડિયો વાઈરલ થયો છે, જેમાં મ્યુઝિકલ પ્લે મુઘલ-એ-આઝમની અમુક અભિનેત્રી અનારકલી સૂટમાં ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ ગીત પર નૃત્ય કરી રહી છે. ઓયસ્સ, છ-છ એશિયન દેશોમાં 200થી વધુ શો બાદ રંગકર્મી ફિરોઝ અબ્બાસ ખાન મુઘલ-એ-આઝમ સાથે હાલ નૉર્થ અમેરિકાની ટૂર પર છે. દંતકથા સમી પ્રેમકથા, ભારતના ભવ્ય વારસા સમું કથક નૃત્ય અને શુદ્ધ શાસ્ત્રીય સંગીત રજૂ કરતું, દોઢસોથી વધુ કલાકારકસબીના કાફલાવાળું આ નાટક આજથી (2 જૂનથી) શરૂ થનારા વીકએન્ડમાં ન્યુ યૉર્કમાં અને છેક ઑગસ્ટ સુધી અમેરિકાનાં 13 જેટલાં શહેરમાં ભજવાશે.

(ન્યુ યૉર્કના થિએટરમાં જાહેરાત)

થોડા જ સમય પહેલાં મુંબઈમાં નવનિર્મિતિ, વિશ્વ કક્ષાના ઑડિટરિયમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ફિરોઝભાઈના ડિરેક્શનમાં તૈયાર થયેલા ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઇઝેશન ટુ નેશન’ના હાઉઝફુલ શો કર્યા. તે પછી અમેરિકાની દિશામાં ગગનગામી થઈ રહેલા વિમાનમાં બેસતાં પહેલાં ફિરોઝભાઈએ તાજા કલિંગરના રસની ચુસકી લેતાં ચિત્રલેખા સાથે ગોઠડી માંડી. પ્રસ્તુત છે એના અંશઃ

છ ઑક્ટોબર, ૧૯૫૮ના મુંબઈમાં જન્મેલા ફિરોઝભાઈને પહેલો સવાલઃ “ફિરોઝભાઈ, ફિરોઝભાઈ… ગુજરાતી સાથે તમારું ઓળખાણ કેવી રીતે થયું?”

(ફિરોઝ અબ્બાસ ખાન)

જવાબ આપતાં ફિરોઝભાઈ કહે છેઃ “મુંબઈમાં અમારા પડોશી હતા રાસબિહારી દેસાઈ. ગાયક બેલડી રાસબિહારી-વિભા દેસાઈ નહીં, પણ અવ્વલ દરજ્જાના બાંસુરીવાદક-સ્વરકાર રાસબિહારી દેસાઈ. એમની નાગર બોલીવાળી ગુજરાતી સતત મારા કાન પર ગુંજતી. ગુજરાતી ભાષા-સંગીતનો પરિચય કરાવ્યો રાસબિહારીભાઈએ.”

સ્કૂલિંગ બાદ રંગભૂમિનું કાશી ગણાતી મુંબઈની ‘નરસી મોનજી કૉલેજ’થી ફિરોઝભાઈની નાટચકારકિર્દી શરૂ થઈ. આમ તો એમણે ઍડ્મિશન લીધેલું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા, પણ તરત જ એમને નાટકનો ચેપ લાગી ગયો. અહીં એમને મળ્યા દિગ્દર્શક મહેન્દ્ર જોશી, પરેશ રાવલ, શફી ઈનામદાર તથા ચંદ્રકાંત (ચંદુ) શાહ, વગેરે. ૧૯૭૮માં ‘ઈપ્ટા’ના નેજા હેઠળ ભજવાયેલું ‘નૌશિલ મહેતા આત્મહત્યા કરતે હૈ’ એ એમનું પહેલું નાટક. આ જ નાટક પછી ગુજરાતીમાં ભજવાયું, ‘નૌશિલ મહેતા આત્મહત્યા કરે છે.’ નૌશિલ મહેતા લિખિત આ નાટક (હિંદી-ગુજરાતી)માં નૌશિલ મહેતા બનેલા ફિરોઝભાઈ. બન્નેના ડિરેક્ટર મહેન્દ્ર જોશી.

એ દિવસો યાદ કરતાં ફિરોઝભાઈ કહે છેઃ “નરસી મોનજી કૉલેજમાં મહેન્દ્ર જોશીને અને પૃથ્વી થિયેટર્સમાં શશી કપૂરનાં પત્ની જેનિફર કેન્ડલને મળ્યો એને મારા જીવનનો નાટ્યાત્મક વળાંક ગણું છું. આરંભનાં ઘણાં વર્ષ મેં ઍક્ટિંગ જ કરી. મહેન્દ્ર જોશી, મેં અને ચંદુ શાહ (બોસ્ટનવાળા)એ મળીને એક થિયેટરકંપની પણ શરૂ કરેલીઃ ‘અવાંતર,’ જેમાં ગીત-સંગીતના જશન જેવું ‘ખેલૈયા,’ ‘તોખાર’ અને હિંદીમાં ‘એકશફ,’ ‘નીલા કમરા,’ ‘આખરી બિસાત’ જેવાં નાટક કર્યાં. ૧૯૮૩માં જેનિફર કપૂર સાથે મળીને પૃથ્વી થિયેટર ફેસ્ટિવલનું આયોજન કર્યું એ અનુભવ મારા માટે યાદગાર રહ્યો.”

આ બધા વચ્ચે એમની મુલાકાત કુમુદ-અરવિંદ પટવાનાં પુત્રી, અભિનેત્રી સોનિયા સાથે થાય છે. સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતાં સોનિયા એ વખતે લાભશંકર ઠાકર લિખિત, કાંતિ મડિયા દિગ્દર્શિત ‘પીળું ગુલાબ અને હું નાટક’માં કામ કરતાં. મુલાકાત પ્રણયમાં પલટાઈ અને બન્ને પરણી ગયાં.

(ખેલૈયામાં પરેશ રાવલ-ફિરોઝ અબ્બાસ ખાન)

જેનિફર કેન્ડલના અવસાન બાદ પૃથ્વી થિયેટરનું સંચાલન કરનારા ફિરોઝભાઈએ ૧૯૯૦માં પૃથ્વી માટે પહેલું નાટયદિગ્દર્શન કર્યું- પીટર શેફરનું ‘ધ રૉયલ હન્ટ ઑફ ધ સન.’ એ પછી, ‘ઑલ ધ બેસ્ટ,’ ‘એવા મુંબઈમાં ચાલ જઈએ,’ ‘સાલ ગિરાહ,’ ફારુક શેખ-શબાના આઝમી અભિનિત ‘તુમ્હારી અમ્રિતા,’ ‘સેલ્સમૅન રામલાલ,’ ‘મહાત્મા વર્સિસ ગાંધી’ અને હાલ અમેરિકાની રંગભૂમિ ગજાવી રહેલું ‘મુઘલ-એ-આઝમ.’ ત્યાર બાદ આવું જ મ્યુઝિકલ ‘રૌનક ઔર જસ્સી’ ભજવ્યું.

આ દરમિયાન ફિરોઝભાઈએ ફિલ્મઅભિનેતા અનિલ કપૂરની નિર્માતા તરીકે પહેલી ફિલ્મ ‘ગાંધીઃ માય ફાધર’ (૨૦૦૭)નું લેખન-દિગ્દર્શન પણ કર્યું, જેમાં ગાંધીજીની ભૂમિકા ભજવનાર દર્શન જરીવાલાને નૅશનલ એવૉર્ડ મળેલો, જ્યારે બેસ્ટ ફિલ્મ તથા બેસ્ટ સ્ક્રીનપ્લે એમ બે નેશનલ એવૉર્ડ્સ ફિરોઝભાઈને મળ્યા. એ પછી એમણે સર્જી પોલિટિકલ સૅટાયર ફિલ્મ ‘દેખ તમાશા દેખ.’

(મુધલ-એ-આઝમમાં પ્રિયંકા બર્વે)

ફરી પાછા ‘મુઘલ-એ-આઝમ’ પર પાછા ફરીએ તો, નાટકનું નિર્માણ કર્યું છે શાપુરજી પાલનજીએ. ૧૯૬૦ના દશકમાં આવીને ઈતિહાસ સર્જી ગયેલી ફિલ્મના નિર્માતા પણ શાપુરજી પાલનજી જ હતા. બ્રૉડવે સ્ટાઈલના આ મ્યુઝિકલ સાથે કેવાં નામ જોડાયેલાં છે? મનીષ મલ્હોત્રાની વસ્રસજ્જા, કથક નૃત્યનાં સંયોજક મયૂરી ઉપાધ્યાય, લાઈટિંગ-પ્રોજેક્ટિંગ ડિઝાઈન કર્યાં છે ન્યુ યૉર્કના નીલ પટેલે. એમની સાથે જોડાયાઃ એવૉર્ડ-વિનિંગ ડેવિડ લેન્ડર તથા જોન નરુન. સોલી કાપડિયા, પીયૂષ કનોજિયા, વગેરે.

અમેરિકાના ભારતીય નાટ્યપ્રેમીઓ, જજો જોવા આ ઐતિહાસિક નાટક…. અને આશા રાખીએ કે મુંબઈ આવીને ફિરોઝભાઈ એ દોબારા ભજવે.