દીકરી તો ગાદીની વારસ કહેવાય…

અમદાવાદ: રાજકારણનો વારસો હવે માત્ર દીકરાઓને જ મળે, દીકરીઓ પણ એટલી જ સક્રિય અને સફળ રીતે આ વારસાને આગળ વધારી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024માં અગ્રણી રાજકારણીઓની પુત્રીઓ પણ સંસદમાં પહોંચવાની રેસમાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજથી લઈને બિહારના દિગ્ગજ નેતા લાલુપ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સુધી અનેક દીકરીઓ તેમના માતા-પિતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે હરીફોને સખત લડત આપી રહી છે.

 

બાંસુરી સ્વરાજ: ભાજપના દિગ્ગજ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી, બાંસુરી સ્વરાજ આ લોકસભા ચૂંટણીથી રાજકારણમાં પદાર્પણ કરી રહી છે. ભાજપે તેમને નવી દિલ્હી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાયે વકીલ બાંસુરી સ્વરાજે ભાજપના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનું સ્થાન લીધું છે.

 

સુપ્રિયા સુલે: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક શરદ પવારના પુત્રી આ વખતની ચૂંટણીમાં ચર્ચાના કેન્દ્રમાં છે. તેઓ બારામતી લોકસભા બેઠક પરથી ભાભી સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી રહ્યા છે. સુનેત્રા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની છે. બારામતી બેઠક પર ‘નણંદ વિરુદ્ધ ભાભી’ની ચૂંટણી લડાઈ હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.

 

રોહિણી આચાર્ય: બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીની આ પુત્રી બિહારની સારણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને રાજકારણમાં પદાર્પણ કરી રહી છે. જેઓ ભાજપના વર્તમાન સાંસદ રાજીવ પ્રતાપ રૂડી સામે સ્પર્ધા કરી રહ્યા છે. તે પોતાના પરિવારની પાર્ટી આર.જે.ડી.ની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.

 

 

 

મીસા ભારતીઃ આર.જે.ડી. ચીફ લાલુ પ્રસાદ યાદવની બીજી પુત્રી મીસા ભારતીને પાટલીપુત્ર સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી હતી. હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ છે.

 

 

 

શાંભવી ચૌધરી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના વિશ્વાસુ અશોક કુમાર ચૌધરીની પુત્રી છે શાંભવી ચૌધરી. તેઓ સમસ્તીપુરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

 

 

 

કદીયમ કાવ્યા: તેલંગાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કડિયમ શ્રીહરિના તેઓ પુત્રી છે. કડિયમ કાવ્યા વારંગલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે.

 

 

 

વાય. એસ. શર્મિલા: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રાજશેખર રેડ્ડીની તેઓ પુત્રી છે. હાલના YSRCP સુપ્રીમો અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના બહેન છે. વાય. એસ. શર્મિલા કડપા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે આંધ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ છે.

 

 

દગ્ગુબતી પુરંદેશ્વરીઃ એન.ટી.આર.ના પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રી દગ્ગુબતી પુરંદેશ્વરી, રાજમહેન્દ્રવરમ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આંધ્ર પ્રદેશ ભાજપ સાથે જોડાયેલા છે.

 

 

 

પંકજા મુંડેઃ મહારાષ્ટ્રના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની પુત્રી ભાજપની ટિકિટ પર બીડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

 

 

 

મહેબૂબા મુફ્તીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડીને દિલ્હી પહોંચવાની રેસમાં છે.

 

રાધિકા રાઓલ (અમદાવાદ)