વાંદરાને દારૂ પાવો |
આ જ મતલબની બીજી કહેવત છે – ‘વાંદરાને નિસરણી આપવી’. માંકડું અથવા વાંદરું સ્વભાવે ચંચળ હોય છે. એને એક જગ્યાએ બેસી રહેવું ફાવે નહીં. અહીંથી તહીં કૂદાકૂદ કર્યા કરે અને તક મળે તો અટકચાળું પણ કરી લે.
આની સાથે એક બીજી વાત પણ જોડાય છે. માણસ તોફાની અથવા પ્રમાણમાં જાડી બુદ્ધિનો હોય ત્યારે એના માટે એવી કહેવત પણ વપરાય છે કે ‘અમુક ભાઇનો છોકરો તો ભગવાન તોબા, વડના વાંદરા ઉતારે’. અર્થ થાય ખૂબ જ અટકચાળો અને તોફાની.
સંસ્કૃતમાં આ વાંદરાને નિસરણી આપવાથી અથવા સતામણી કરવાથી શું થાય તેને લાગતો એક શ્લોક નીચે મુજબ છે.
मर्कटस्य सुरापानं ततो वृश्चिकदंशनम्।
तन्मध्ये भूत संचारो यद्वा तद्वा भविष्यति॥
આનો અર્થ થાય કે એક તો વાંદરો હતો અને વળી પાછો દારૂ પીધો. આટલું ઓછું હતું તેમ વીંછીએ ડંખ માર્યો. એટલે દારૂના ઉન્માદમાં રાચતો વાંદરો વીંછીના ડંખની પીડાને કારણે બિલકુલ બેકાબુ બનીને કૂદાકૂદ કરવા લાગ્યો. આટલું ઓછું હોય તેમ ભૂત ભડકામણું થયું. વાંદરાને ભૂતનો ઓછાયો દેખાયો. પછી? આ બધું ભેગું થાય એટલે કે બધા જ અનિષ્ટોનો સમન્વય થાય તો પછી સર્વથા અનિષ્ટ થવામાં કાંઇ બાકી રહે ખરું?
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)