પાકિસ્તાનીઓ આટલા બધા હેપ્પી કેમ છે?

ભારતના લોકો કરતાં પાકિસ્તાની નાગરિકો વધારે હેપ્પી છે. એ તો છે જ એવા, આપણને દુઃખી જોઈને વધારે ખુશ થાય તેવા છે એવું પણ ભારતીયો કહી શકે એમ છે. કારણ કે ભારતના લોકો વધારે દુઃખી થયા છે. છેલ્લા બે વર્ષમાં ભારતના લોકોનું આનંદનું પ્રમાણ ઘટ્યું છે. તેમાં એક કારણ નોટબંધીનું હશે અને વાતવાતમાં આધાર કાર્ડ લિન્ક કરવાનું ટેન્શન પણ હશે – ટ્વીટર પર ઓલરેડી મજાક ચાલી રહી છે. કેમ કે સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ આવ્યો તેમાં ફરી એકવાર ભારતીયો વધારે દુઃખી જણાયા છે અને પાકિસ્તાનીઓ વધારે ખુશી જણાયા છે.ભારતીયોને વધારે ઉદાસ જોઈને પાકિસ્તાનીઓ ખુશ થયા છે તેવું આ રિપોર્ટે નથી કહ્યું. આ તો પેલા મજાકીય લોકો કહે છે, પણ આ મજાક કરનારા લોકોને આનંદીત લોકો ના કહેવાય? ના, માણસ નિરાશ અને દુઃખ થાય ત્યારે મજાકનો આશરો લેતો હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંગના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં બીજા ઘણા પરિબળોને ધ્યાનમાં રાખીને ધોરણ નક્કી કરાતું હોય છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ દર વર્ષે આવો અહેવાલ તૈયાર કરે છે. આ વખતે કુલ 156 દેશોમાં સર્વે કરાયો તેમાં ભારતનું સ્થાન 133મું છે. વિચારો ભારત કેટલો પાછળ છે. 2018ના વર્ષ માટેના રિપોર્ટમાં સાત ડગલાં ભારત પાછળ હટ્યું છે. 2017ના રિપોર્ટમાં 126મું સ્થાન હતું તે પણ કંઈ વખાણ કરવા લાયક નહોતું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક્સ દર વર્ષે આ રિપોર્ટ તૈયાર કરે છે. પ્રગતિની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોય છે. વિકાસના કાર્યોના કારણે નાગરિકો સુખી થાય છે કે કેમ તે પણ અગત્યનું છે. એક વિશાળ પરિયોજના તૈયાર થાય ત્યારે જીડીપીના આંકડાં વધે અને પ્રગતિ દેખાય, પણ જે વિસ્થાપિતો થયા હોય તેમનું જીવન ડામાડોળ થાય છે. ગામડાનો સુકો રોટલો પણ સારો લાગે, પણ શહેરમાં આવીને મજૂરી કરવી પડે અને ફૂટપાથ પર પડ્યા રહેવું પડે એ નિરાશાની સૌથી મોટી સ્થિતિ છે. ગામડે ઝૂંપટીએ પડ્યું રહેવું સુખ નથી એવું આપણને લાગે, પણ ઝૂંપડામાં જ જન્મેલી વ્યક્તિને તે ઘર પણ નિરાંત આપનારું લાગી શકે છે.

પાકિસ્તાન આ બાબતમાં વર્ષોથી ભારતથી આગળ છે. એટલે આમ આ કોઈ સમાચાર નથી, પણ છેલ્લા બે વર્ષથી પાકિસ્તાનીઓ વધારે આનંદિત થઈ રહ્યા છે અને ભારતીયો દુઃખી થઈ રહ્યા છે. આ વર્ષે પાકિસ્તાન પાંચ ડગલાં સુખ તરફ આગળ વધીને 75માં સ્થાને પહોંચ્યો છે.જોકે પાકિસ્તાન નાનો દેશ છે અને વસતિ પણ પ્રમાણમાં ઓછી છે. ભારતની ફાટફાટ થતી વસતિ અસુખનું એક કારણ છે. ઓછી વસતિ વચ્ચે ઓછી જરૂરિયાતોથી દેશનું કામ ચાલી જાય છે. આ વાત એ રીતે પણ સાબિત થાય છે કે ભારતના આસપાસના બધા જ પડોશી દેશો ભારત કરતાં સુખી છે. ભૂતાન આપણે જાણીએ છીએ તે પ્રમાણે જીડીપીમાં નથી માનતો પણ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં માને છે. બાંગલાદદેશ, નેપાળ અને શ્રીલંકા પણ ભારત કરતાં વધારે સુખી છે.
બીજી બાજુ વિશાળ વસતિ હોવા છતાં ચીનના લોકો ભારતીયો વધારે સુખી છે. આ વાત માન્યામાં ના આવે. ચીનમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સી મુખ્તપણે ડેટા એકઠાં કરી શક્યો હશે કે કેમ તે શંકા જાય. તેની સામે એ વાત પણ સાચી છે કે રોજગારીની બાબતમાં ચીન ખૂબ આગળ વધ્યું છે. ચીન દુનિયાનું કારખાનું બન્યું છે. આખી દુનિયાના સ્માર્ટફોન ચીનમાં બની રહ્યા છે. આખી દુનિયાના ટાયર ચીનમાં બની રહ્યા છે.ભારતમાં વિકાસ થયો છે, જીડીપીની રીતે તે દુનિયામાં સૌથી ઝડપી વિકસતો દેશ બન્યો છે, પણ અનેક નિષ્ણાતોએ વારંવાર કહ્યું છે કે ભારતમાં રોજગારી વધી રહી નથી. રોજગારી ના મળે તે હતાશાનું સૌથી મોટું કારણ હોય છે. ભારતમાં ધનિક અને ગરીબ વચ્ચેની ખાઈ વધી છે. ચીનમાં વિકાસ વધારે નાગરિકો વચ્ચે વહેંચાયો છે, ભારતમાં વિકાસ ઉદ્યોગપતિ અને વેપારી વર્ગનો જ થયો છે એવું તારણ પણ રિપોર્ટમાંથી નીકળી શકે છે.

ભારતમાં ઘરનું ઘર એ સૌથી મોટું સુખ ગણાય છે. આ બાબતમાં પણ સ્થિતિ સારી નથી. નાના શહેરોમાં પણ હવે વ્યક્તિએ ઘરનું ઘર લેવું હોય તો પરસેવો આવી જાય છે. મકાનો પુષ્કળ બને છે અને રિયલ એસ્ટેટમાં બિલ્ડરોને કાળી કમાણી છે, પણ ઘર ખરીદનારામાં મોટું પ્રમાણે રોકાણકારોનું છે. મકાનો ખરીદીને બંધ રાખવા અને મકાનોના ભાવો વધ્યા કરે તે સ્થિતિ ઉપરથી સંપત્તિનો વધારો દેખાડે છે, પણ સમાજમાં દુઃખનું કારણ છે તે આપણે સમજી શકીએ તેમ નથી.

ચીનમાં રાજકીય સ્વતંત્રતા ઓછી છે અને પાકિસ્તાન, બાંગલાદેશમાં સામાજિક સ્વતંત્રતા ઓછી છે. નેપાળ અને શ્રીલંકામાં મધ્યમ સ્થિતિ છે અને બંને હજી ટ્રેડિશનલ રાષ્ટ્રો છે. આમ છતાં આ બધા જ રાષ્ટ્રોના નાગરિકો વધારે સુખી છે. તેથી સ્વતંત્રતાની આધુનિક કલ્પના, લિબરલ મૂલ્યોથી સુખ આવે તેવું પણ નથી. રૂઢિના બંધનો આમ દુઃખની કરનારા હોય છે, પણ તેના વિકલ્પે વધારે સારું સુખ ના મળવાનું હોય ત્યારે માણસ રૂઢિમાં રહીને પરંપરાગત સુખની વ્યાખ્યામાં સંતોષ માની લેતો હશે? આવો સવાલ પણ સંયુક્ત રાષ્ટ્રસંઘના હેપ્પીનેસ ઇન્ડેક્સને કારણે ઊભો થાય છે ખરો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]