એક જ અઠવાડિયામાં એશિયામાં બે નેતા પોતપોતાના રાષ્ટ્રમાં જીત્યાં. બંને સામ્યવાદી દેશ, પણ એવી કોઈ સામ્યતા હવે તેમના વચ્ચે રહી નથી. જૂનો સામ્યવાદ રશિયામાં ખતમ થયો છે, પણ તેની જગ્યાએ દેખાવની લોકશાહી સાથેની સરખુખત્યારી આવી છે. ચીનમાં સામ્યવાદ ટકી ગયો છે, પણ માત્ર સત્તા ટકાવી રાખવા માટે. દેશનો કારોબાર મૂડીવાદી રીતે જ થાય છે. સામ્યવાદી પાર્ટી એકમાત્ર પાર્ટી ચીનમાં છે. તેથી તેના વડા હોય તેના હાથમાં સત્તા હોય. રશિયા જેટલી દેખાવની ચૂંટણી પણ અહીં થતી નથી. પક્ષનું અધિવેશન મળે તેમાં નિમણૂકો થાય.આ વખતે ચીનના શાસક પક્ષે ઠરાવ કર્યો કે પ્રમુખપદની મુદત બે વર્ષ પૂરતી મર્યાદિત છે તે રદ કરવી. આંતરિક લોકશાહી જાળવે તેવી આ જોગવાઈ હતી. માઓ ઝેદોંગ પછી બીજા કોઈ લાંબો સમય શાસન ન કરે તેવા હેતુથી તે નિયમ દાખલ કરાયો હતો. પરંતુ શી જિનપિંગે તે જોગવાઈ જ કઢાવી નાખી. એ જ રીતે રશિયામાં પણ પ્રમુખપદની બે વખતની જ મુદત હતી. તેમાંથી પુતીને રસ્તો એવા કાઢેલો કે આઠ વર્ષ પ્રમુખ રહ્યા પછી ચાર વર્ષ વડાપ્રધાન થઈ ગયા હતા. ફરીથી પ્રમુખ બન્યા અને આ વખતે પ્રમુખપદની મુદત ચારને બદલ છ વર્ષની કરી 2024 સુધીની સત્તા પાકી કરી છે. ત્યાં સુધીમાં તેમની ઉંમર 72 વર્ષની થઈ ગઈ હશે. હાલની તેમની તંદુરસ્તી જોતાં 72 પછીય શાસન કરી શકે તેવી સ્થિતિમાં તેઓ હશે. એટલે તે વખતે કેવો નિયમ લાવીને સત્તા લંબાવે છે તે જોવું રહ્યું.
પુતીન જેવી કોઈ ચિંતા શી જિનપિંગને નથી. કેમ કે તેમને આજીવન પ્રમુખ બનાવી દેવાયા છે. સંસદ જેવી નેશનલ પિપલ્સ કોંગ્રેસમાં પણ ઠરાવ પસાર કરીને જિનપિંગ હવે સર્વસત્તાધીશ બની ગયા છે. બંને નેતાઓએ એક બીજાને અભિનંદન આપ્યાં અને સાથે મળીને કામ કરવાના કોલ આપ્યાં છે. જોકે એક જમાનાની મહાસત્તા રશિયાને અત્યારે ચીનની વધારે ગરજ છે. ચીન આર્થિક રીતે બહુ આગળ નીકળી ગયું છે. ક્રૂડ ઓઇલની આવક હોવા છતાં રશિયા ખોડંગાતું રહ્યું છે અને હાલના વર્ષોમાં શસ્ત્રો પાછળ અઢળક ખર્ચો કર્યો છે, પણ ચીનમાં દોડે છે તેવી બૂલેટ ટ્રેનો રશિયામાં દોડતી થઈ નથી.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોડેમોડે પુતીનને અભિનંદન મોકલ્યા હતાં ખરા. ચીનના પ્રમુખને પણ આપવા ખાતરના અભિનંદન આપ્યાં અને સાથોસાથ મજાક પણ કરી કે અમેરિકામાં પણ પ્રમુખપદ બે જ મુદત માટે રાખી શકાય છે તેમાં ફેરફાર કરવાની જરૂર છે.પ્રમુખપદની મુદત બદલવા કરતાંય અમેરિકા અને યુરોપે પોતાની નીતિઓ બદલવી પડશે. એશિયામાં એક સાથે બે મજબૂત નેતાઓ ઉપસ્યા છે. આમ તો છેલ્લાં એક દાયકાથી ધીમે ધીમે બંને નેતા વિશ્વ મંચ પર મજબૂતીથી પકડ જમાવી રહ્યાં હતાં, પણ હવેનો તબક્કો વધારે મહત્ત્વનો છે. ખાસ શી જિનપિંગને, કેમ કે તેમની સામે નજીકના ભવિષ્યમાં સ્થાનિક ધોરણે કોઈ પડકાર ઊભો થાય તેમ લાગતું નથી. પુતીનને પણ આ વખતે 76.6 ટકા મતો મળ્યા તે અગાઉ કરતાં વધારે છે. અગાઉ તેમને 65 અને 71 ટકા, જ્યારે ચાર વર્ષ પહેલાં માત્ર 52 ટકા મતો મળ્યા હતા. આ વખતે પરાણે મતદાન કરાવાયાના અહેવાલો વચ્ચે તેમની સામે પક્ષમાંથી જ અને દેશમાંથી જ વિરોધ સાવ શમી ગયો નથી.
પુતિને સત્તા પર આવ્યા પછી 2001માં જ ચીન સાથે નવો સમજૂતિ કરાર કર્યો હતો. શી જિનપિંગ 2013માં સત્તા પર આવ્યા તે પછીય સંબંધો ટકી રહ્યા છે. જિનપિંગ આર્થિક મોરચે જે કરી શક્યા છે તે પુતિન કરી શક્યા નથી. તેથી આ વખતે તેમણે ચૂંટણી જીતવા માટે રશિયા કેટલું તાકાતવર છે તેનો પ્રચાર વધારે કર્યો હતો. ક્રીમિયાને પોતાનામાં ભેળવી દીધું અને અમેરિકાના વિરોધ છતાં સિરિયામાં જઈને રશિયન દળોએ કામગીરી કરી છે. જિનપિંગે હજી સુધી કોઈ લશ્કરી પગલું ભર્યું નથી, પણ તેમણે સંરક્ષણ બજેટ ત્રણગણું વધારી દીધું છે. ચીનની બૂલેટ ટ્રેનો જૂની થઈ ગઈ છે. ચીન હવે લેટેસ્ટ પ્રવાસી અને લશ્કરી બંને વિમાનો બનાવતું થયું છે અને સબમરીનના મોટા કાફલા સાથે વિશ્વમાં ઠેર ઠેર બંદરો પર ધામા નાખ્યા છે. પાકિસ્તાન અને શ્રીલંકા સહિત આફ્રિકાના દેશોમાં ચીન પોર્ટ ડેવલપ કરવાના બહાને પોતાની હાજરી પુરાવી રહ્યું છે.
રશિયા યુરોપ સાથે જમીનથી જોડાયેલું છે એટલે અમેરિકાની આગેવાનીમાં નાટો દેશોમાંથી જમીન માર્ગે હુમલો થઈ શકે. ચીન પર અમેરિકાએ કોઈક કારણસર હુમલો કરવાનો થાય તો દરિયાઇ માર્ગે જ થાય. તેથી ચીન દરિયાઇ તાકાત વધારી રહ્યું છે. તે દક્ષિણ ચીન સમુદ્રમાં સંપૂર્ણપણે કબજો જમાવી રહ્યું છે. નવા કૃત્રિમ ટાપુ બનાવીને ત્યાં હવાઇમથકો ઊબા કરી રહ્યું છે. દક્ષિણ ચીન સમુદ્રના મુદ્દે ચકમક ઝરે ત્યારે જ ચીનની અસલી લશ્કરી તાકાતનો અણસાર દુનિયાને અને અમેરિકાને મળવાનો છે.
કાગળ પર જોકે હજીય અમેરિકાની લશ્કરી તાકાત બેજોડ છે. આજે અમેરિકા એક જ એવો દેશ છે, જે દુનિયાના કોઈ પણ ખૂણે પોતાના દળો ઉતારીને કામગીરી કરે છે. અમેરિકાએ પણ પોતાનું સંરક્ષણ બજેટ વધારવું રહ્યું તેવો મત ડોનાલ્ડ ટ્રમ્પ વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે ટ્રમ્પ પછીના પ્રમુખ કોણ હશે તેના આધારે રશિયા અને ચીન સામેની અમેરિકાની સ્ટ્રેટેજી નક્કી થશે તેમ લાગે છે, કેમ કે ટ્રમ્પના મામલામાં એ શંકા હંમેશા રહેશે કે તેમણે ચૂંટણી વખતે રશિયાની આડકતરી મદદ લીધી હતી.ભારત પોતે વિશ્વગુરુ બનવાની વાતો કરે છે, પણ દુનિયામાં તેને કોઈ ગંભીરતાથી લેતું નથી. એક બહુ મોટું બજાર હોવાથી અને ફાસ્ટેસ્ટ ડેવલપિંગ જીડીપી હોવાથી ભારતની ચર્ચા થાય એ જુદી વાત છે, પણ દુનિયાના બળિયા દેશો વચ્ચે ઊભા રહેવા માટે ભારતે હજી ઘણીવાર છે. ચીનની જેમ ભારત રાતોરાત સંરક્ષણ બજેટ અનહદ વધારી શકે તેવી સ્થિતિમાં નથી. રશિયા અને ચીનથી વિપરિત ભારત લોકતાંત્રિક દેશ છે અને તેની 130 કરોડથી વધુ વસતિની સુખાગીરી એ પ્રાયોરિટી છે. રશિયા માટે વિશાળ જમીન અને ઓછી વસતિ છે એટલે ધારે તો ઝડપી પ્રગતિ કરી શકે છે. ચીને વસતિ નિયંત્રણના કડક પગલાં સાથે અત્યંત ઝડપી આર્થિક વિકાસના પગલાં લીધા તે સામ્યવાદ તો ઠીક મૂડીવાદને પણ શરમાવે તેવા ઝડપી રહ્યા છે. ટૂંકમાં આગામી દાયકામાં દુનિયામાં આ બે બળીયા એશિયન નેતાઓની જ ચર્ચા વધારે રહેવાની છે.