રશિયાની ચૂંટણીમાં અનોખી ગોલમાલ – વોટ આપવા દબાણ

શિયામાં રવિવારે મતદાન હતું ત્યારે એક ફરિયાદ સૌથી વધુ થઈ હતી. કર્મચારીઓ પર ઓફિસમાંથી દબાણ થયું હતું કે જઈને વોટ આપી આવો. રવિવારની અને મતદાનની રજા હતી, પણ મોટાભાગની ઓફિસના ઉપરીઓએ કોણે કોણે મતદાન કર્યું તેના પર નજર રાખવા આખો દિવસ કામ કર્યું હતું. મત કોને આપજો તે કહેવાની જરૂર નહોતી. વ્લાદિમીર પુતીન સામે કેટલાક ઉમેદવાર ઊભા છે ખરા, પણ કોનો વિજય થવાનો છે તે પહેલેથી જ નક્કી હતું. હવે પુતીનની જીત નક્કી જ હોય તો મત આપવા શું જવું તેમ પણ ઘણાએ વિચાર્યું હતું. પણ આ વખતે મતદાનથી દૂર રહેનારા પર દબાણ હતું, કેમ કે ક્રેમલીને ટાર્ગેટ આપી દીધો હતો. ઓછામાં ઓછું 60 ટકા મતદાન થવું જોઈએ. ભારે બહુમતીથી જીત મળે એ તો નક્કી જ હતું, પણ મતદાન જ ઓછું થાય તો ભારે બહુમતીનો કોઈ અર્થ ના રહે. વધારે મતદાન અને વધારે બહુમતી મળે તો દુનિયામાં વટ પડે. તો હવે, પુતીન જીતી ગયાં છે.પુતીનની આ ચોથી ટર્મ છે અને કદાચ છેલ્લી, સિવાય કે છ વર્ષ પછી તેમનો વિચાર બદલે અને તેઓ ફિટ હોય તો આગળ પણ આવી જ ચૂંટણી કરાવી શકે છે. ફિઝિકલ ફિટનેસની વાત આવે ત્યારે 65 વર્ષના પુતીન દુનિયામાં સૌથી તંદુરસ્ત નેતા છે. પરંતુ છ વર્ષ પછી ફરી એકવાર પ્રમુખ બનવા માટે તેમણે બંધારણમાં ફેરફાર કરાવવા પડે તેમ છે. પ્રથમ બે ટર્મ પ્રમુખ રહ્યા પછી તેમણે પ્રમુખપદ છોડવું પડ્યું હતું, કેમ કે સતત ત્રણ વાર કોઈ પ્રમુખ બની શકે નહીં. તેથી તેમણે પોતાના વિશ્વાસુ વડાપ્રધાન મેદવેદેવને પ્રમુખ બનાવ્યા અને પોતે વડાપ્રધાન બની ગયાં હતાં. એક ટર્મ વડાપ્રધાન રહ્યાં પછી ફરી તેઓ પ્રમુખ બન્યાં હતાં અને બીજીવારની આ બીજી મુદત છે. જોકે પડોશી દેશમાં જે રીતે બંધારણમાં ફેરફાર કરીને શી જિનપિંગ આજીવન પ્રમુખ બની ગયા છે તે રીતે આજીવન પ્રમુખ રહેવા માટે પુતીને પણ બંધારણમાં ફેરફારો કરવા પડે. તેવું કરી શકે તેવી સ્થિતિમાં છે, પણ ચીન કરતાં હવે રશિયાની સ્થિતિ જુદી છે.

સામ્યવાદને સત્તાવાર રીતે નાબૂદ કરાયો છે અને ગોર્બાચેવની ક્રાંતિ પછી દેખાવ ખાતરની લોકશાહી રશિયામાં ચાલે છે.એથી જ પુતીને ચૂંટણીમાં સારી જીત મળી છે તેવો દેખાવ કરવો જરૂરી હતી. રશિયાની ચૂંટણીના નિરીક્ષણ માટે વિદેશથી પણ પ્રતિનિધિઓ આવ્યાં હતાં. લગભગ 15,000 વિદેશી નિરીક્ષકો સાથે કુલ 1,45,000 ઓબ્ઝર્વર્સ નિમાયા હતા. મતદારો પર દબાણ ઉપરાંત બીજી પણ ફરિયાદો મળી હતી. એક જગ્યાએ મતપેટી મતોથી ભરી દેવાઈ હતી, સીસીટીવીની આડે ફ્લેગ મૂકી દેવાયા હતા, બેલેટ પેપરની સંખ્યાનો તાળો મળતો નહોતો, મતદાનની ટકાવારી વધારવા મતદાર યાદીમાં જ છેલ્લી ઘડીએ ફેરફારો કરીને નાની કરી નખાઇ અને એક જગ્યા ઓબ્ઝર્વર પર જ હુમલો થયો હતો. દેખાવ સારો કરવાનો હતો એટલે કેટલીક જગ્યાએ સત્તાવાળાઓએ પગલાં પણ લીધા.

મોસ્કોની નજીકના મતદાન કેન્દ્રમાં મતપેટીમાં મતો નખાઈ રહ્યાં હતાં, ત્યાંના અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા હતા. એવી જ રીતે પૂર્વ રશિયાના દૂરના શહેર આર્ટીઓમમાં એક જણે એકલાએ જ ઢગલાબંધ મતો નાખી દીધાં હતાં, તેની ધરપકડ પણ કરવામાં આવી. પરંતુ આ દરેક ચૂંટણીમાં જોવા મળતા સામાન્ય બનાવો છે. ચૂસ્ત લોકતંત્રમાં પણ અને કડક બંદોબસ્ત વચ્ચે પણ આવા બનાવો જોવા મળતા હોય છે, પણ સૌથી વધુ ફરિયાદો અને વિરોધ પરાણે મતદાન કરવા માટેની જોહુકમીના કારણે થયો હતો.

વિદેશી ઓબ્ઝર્વરની સાથે વિદેશી પત્રકારો પણ ચૂંટણીનું કવરેજ કરવા પહોંચ્યા છે. તેમની સાથે ઘણા સ્થાનિક લોકોએ નામ ન આપવાની શરતે વાતો કરી છે. એક વ્યક્તિએ કહ્યું કે મને ઓફિસમાંથી કોઈએ પૂછ્યું નહોતું કે મત આપી આવ્યા કે કેમ. પણ મને ખબર છે કાલે ઓફિસમાં જઈશ એટલે મેં મતદાન કર્યું છે કે કેમ તેનો પુરાવો માગશે. મારે નોકરી ટકાવી રાખવી હોય તો મતદાન કરવું પડે એટલે આવ્યો છું. એક લેડી ડોક્ટરને પણ આવો અનુભવ થયો. બપોર સુધી તેઓ મતદાન કરવા ગયા નહોતાં, એટલે ઓફિસમાંથી ફોન આવ્યો કે બધા લોકોએ મતદાન કરી નાખ્યું છે. તમે એક બાકી છો, કેમ હજી ગયાં નથી.

આનો અર્થ એ થયો કે લોકોને પરાણે મતદાન કરાવવા માટે આ વખતનું લક્ષ્ય હતું. 2012માં ચૂંટણી થઈ તેના કરતાં વધારે પ્રમાણમાં મતદાનનું લક્ષ્યાંક આ વખતે હતું. રવિવારે સાંજ સુધીમાં પ્રાથમિક આંકડો આવ્યો તે 55 ટકાનો હતો. તેમાં વધારો થશે તેની ચૂંટણી પંચને ખાતરી હતી અને 60 ટકાથી વધારે મતદાન થઈ જાય તો સારું મતદાન કહી શકાય.

2012માં પણ ચૂંટણી ગેરરીતિના અનેક બનાવો બન્યાં હતાં. હકીકતમાં ત્યારે વધારે નારાજી ફેલાઈ હતી અને મતદાન બાદ પુતીન સામે દેખાવો પણ થયા હતા. તેની પહેલા 2011માં સંસદની ચૂંટણીમાં પણ ગેરરીતિની ફરિયાદો સાથે પુતીનવિરોધી દેખાવો થયા હતા. જોકે આ વખતે પુતીન સામે વિરોધ કેટલો થશે તે જોવાનું રહ્યું, કેમ કે છેલ્લા વર્ષોમાં તેમની મજબૂત નેતા તરીકેની છાપ વધારે મજબૂત બનાવાઈ છે. 2012માં હજી પણ તેમની સામે મજબૂત વિપક્ષ દેખાતો હતો. આ વખતે વિપક્ષનો કોઈ મજબૂત ઉમેદવાર નહોતો.

પુતીન સામે મુખ્ય હરીફ સેનિયા સોબચાક મનાય છે. 36 વર્ષની ટીવી હોસ્ટ તરીકે કામ કરતી સેનિયાએ અપિલ કરી હતી કે પુતીનના વિરોધીઓ એક થાય અને મતદાન કરે. મતદાનનો બહિષ્કાર કરવાથી ફાયદો નહીં થાય, તેના બદલે એક થઈને પુતીન સામ મત આપો એવી તેની અપીલને પણ મતદાનની ટકાવારી વધારવા માટેના સંદર્ભમાં જ જોવામાં આવી હતી. ભૂતકાળમાં પુતીનને આગળ આવવામાં મદદ કરનારા સોબચાકની દીકરી સેનિયા મુખ્ય હરીફ નથી, પણ મુખ્ય ટેકેદાર છે એમ પણ કેટલાક કહે છે. પુતીન સામે ચેલેન્જ હતી તેવું દેખાડવા માટે તેની ઉમેદવારી કરાવાય છે એમ જાણકારો કહે છે.

આ વખતે પુતીનના ટેકેદારોએ રાષ્ટ્રવાદનો મુદ્દો ચગાવ્યો હતો. સિરિયામાં કરવામાં આવેલી કામગીરીનો પ્રચાર કરાયો છે, કે કઈ રીતે અમેરિકા સામે રશિયા ટક્કર લઈ રહ્યું છે. બીજો આવો મુદ્દો હતો ક્રિમિયાનો જેનો જોરશોરથી પ્રચાર થયો હતો. હકીકતમાં ક્રિમીયા પર કબજો જમાવીને તેને રશિયા સાથે ભેળવી દેવાયું તેને ચાર વર્ષ થયા છે. બરાબર તે જ દિવસે મતદાન રાખીને રાષ્ટ્રભક્તિનો માહોલ પેદા થાય તેવી કોશિશ કરવામાં આવી છે. જગતભરના વિરોધ છતાં રશિયાએ યુક્રેનમાં રશિયન લોકોની બહુમતી છે તે ક્રિમીયામાં પોતાના દળો મોકલ્યા હતા અને તેને યુક્રેનથી અલગ કરી દેવાયું છે.

ક્રિમીયા વિજય રશિયા મતદાનના દિવસે મનાવે તેના પડઘા યુક્રેનમાં પણ પડ્યા હતા. યુક્રેનમાં રહેલા રશિયન નાગરિકો મતદાન ના કરી શકે તેવી કોશિશ સરકારે કરી હતી. કિવમાં આવેલી રશિયન એમ્બેસીને ફરતે યુક્રેનની પોલીસ ગોઠવી દેવાઈ હતી. આ વખતની ચૂંટણીમાં ક્રિમીયા વિસ્તારમાં પણ રશિયાએ ચૂંટણીનું તંત્ર ગોઠવી દીધું છે. ક્રિમીયા અમારું છે એવા વિરોધ સાથે યુક્રેનની સરકારે ત્યાં ચૂંટણી યોજાય તેનો વિરોધ કર્યો હતો. આ બધા મુદ્દાને ચગાવીને સામ્યવાદ ખતમ થયા પછી પુતીન જ સૌથી મજબૂત નેતા છે અને રશિયાનો દબદબો કાયમ કરી શકે તેમ છે તેવો પ્રચાર થતો રહે છે.

રશિયા સાચા અર્થમાં મહાસત્તા રહી નથી, પણ મહાસત્તાનો કેફ હજી છે. અમેરિકા સામે ટક્કર લેવા માટે પુતીનની નીતિઓનું સમર્થન રશિયામાં વ્યાપક પ્રમાણમાં છે. એ રીતે વાજબી ચૂંટણી થાય તો પણ કદાચ પુતીન જીતી જાય, પણ 2012માં વિપક્ષે ભેગા થઈને વિરોધ કર્યો હતો અને મોસ્કોની શેરીઓમાં પ્રદર્શનો પણ થાય હતા. તેથી પુતીન કોઈ જોખમ લેવા માગતા નહોતા.જોકે અમેરિકાની સામે ટક્કર આપવી એ એક વાત છે અને અર્થતંત્ર મંદ પડ્યું છે તેના કારણે સ્થાનિક ધોરણે ઊભી થયેલી મુશ્કેલીઓ સંભાળવી બીજી વાત છે. ચોથી ટર્મમાં પુતીન સામે મુખ્ય ચેલેન્જ અર્થતંત્રને દોડતું કરવાનો અને વર્ષોથી તૂટી ગયેલા શિક્ષણ અને આરોગ્યના માળખાને ઠીક કરવાનો છે. સમય નથી મળ્યો એવું બહાનું તેમની પાસે નથી, કેમ કે બે દાયકાથી તેઓ સત્તા પર છે.

જોકે આ ચૂંટણીની સૌથી ચર્ચાસ્પદ બાબત રહી કે રશિયાએ પણ પોતાની ચૂંટણીમાં વિદેશી તાકતો ગરબડ કરાવે છે તેવો આરોપ લગાવ્યો છે. મતદાન ચાલતું હતું ત્યારે જ ચૂંટણી તંત્રે એવો દાવો કર્યો કે વિદેશમાંથી રશિયાના કમ્પ્યૂટરોને હેક કરવાના 15 પ્રયાસો થયા હતા. જુદા જુદા 15 દેશોમાંથી સાયબર એટેક થયા તેવો દાવો કરાયો હતો. છેલ્લે અમેરિકામાં પ્રમુખની ચૂંટણી થઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયાં ત્યારે અમેરિકામાં પણ રશિયાના નામે ભારે વિવાદ થયો હતો. રશિયાનું જાસૂસી તંત્ર કામે લાગી ગયું હતું અને હિલેરી ક્લિન્ટન ન જીતે તે માટે ભાંગફોડ કરીને હતી તેવા આક્ષેપો હજી પણ અમેરિકામાં ચાલી રહ્યાં છે. ટ્રમ્પ સાથે ખાનગીમાં ગોઠવણ થઈ હતી અને હિલેરી વિરુદ્ધનો મસાલો રશિયા પૂરો પાડે તેને બરાબર ચગાવાતો હતો તેવો આક્ષેપ છે. આજના યુગમાં મહાસત્તાએ શસ્ત્રોથી હુમલો કરવાની જરૂર રહેતી નથી. દૂર બેઠાંબેઠાં પ્રચારનો મારો ચાલે તો કોઈને પણ હરાવી શકાય. જોકે અમેરિકા પુતીનને એમ હરાવી શક્યું નથી.