‘બાપુ’, ‘ચમચા’, ‘ગુલાબ જામુન’, ‘વડા’ શબ્દો પણ ઓક્સફર્ડ ડિક્ષનરીમાં સામેલ

વિશ્વભરમાં પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્ષનરીએ તેના નવા અપડેટ્સમાં ‘અબ્બા’, ‘અન્ના’, ‘ગુલાબ જામુન’, ‘વડા’ જેવા ભારતીય પ્રચલિત શબ્દોને પણ સામેલ કર્યા છે. ભારતના ૭૦ નવા શબ્દો ઓક્સફર્ડ ડિક્ષનરીમાં સ્થાન પામ્યા છે એટલે કે આ શબ્દોનો અંગ્રેજીમાં અર્થ સમજાવવામાં આવ્યો છે.

આ ૭૦ શબ્દોમાં ગુજરાતી ઉપરાંત હિન્દી, તેલુગુ, ઉર્દૂ, તામિલ ભાષાના શબ્દોનો સમાવેશ થાય છે.

ભારતમાં જે શબ્દો સામાન્ય રીતે બોલાતા હોય છે એને પણ હવે ઓક્સફર્ડ ડિક્ષનરીમાં એન્ટ્રી આપવામાં આવી છે. જેમ કે – જુગાડ, દાદાગીરી, અચ્છા, બાપુ, સૂર્ય નમસ્કાર વગેરે.

આ જાણકારી ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્ષનરી તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં આપવામાં આવી છે.

અન્ના એટલે મોટા ભાઈ, અબ્બા એટલે પિતા, ગુલાબ જામુન એટલે ગુલાબજાંબુ. આ શબ્દો ઉપરાંત તે અન્ય જાણીતા ભારતીય શબ્દો ઓક્સફર્ડ ડિક્ષનરીમાં પ્રવેશ અને અંગ્રેજીમાં અર્થ મેળવવામાં સફળ થયા છે તે આ છેઃ મિર્ચ મસાલા, કીમા, ફન્ડા, ચમચા, ટાઈમપાસ, નાટક, ચૂપ.

આ વર્ષના સપ્ટેંબરમાં ઓક્સફર્ડ ડિક્ષનરીને અપડેટ કરવામાં આવી હતી. આ ડિક્ષનરીમાં ભારતના વિવિધ ભાષાઓના પ્રચલિત ૯૦૦ શબ્દોને સામેલ કરવામાં આવેલા જ છે. એમાં ૭૦ શબ્દોનો ઉમેરો કરાયો છે.

ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્ષનરીનાં વર્લ્ડ ઈંગ્લિશ એડિટર ડાનિકા સાલાઝરનું કહેવું છે કે ભારતીયો અમુક શબ્દો વારંવાર બોલતા હોય છે અને એનો અંગ્રેજીમાં સીધો અર્થ નહોતો. અંગ્રેજી ભાષાને ભારતમાં ત્રણ સદીથી પણ વધુ સમય થઈ ગયો છે અને અંગ્રેજી ભાષા પર ભારતીયોનો ખૂબ પ્રભાવ પડ્યો છે.

OEDમાં જે નવા ૭૦ શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો છે એ માત્ર ભારતનો ઈતિહાસ જ દર્શાવે છે એટલું જ નહીં, પરંતુ ભારતના સાંસ્કૃતિક તથા ભાષાકીય વૈવિધ્યના પ્રભાવે આ દેશમાં અંગ્રેજી ભાષાનું ઘડતર કર્યું છે અને એમાં પરિવર્તન પણ આણ્યું છે.

ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્ષનરી દર વર્ષે ચાર વખત અપડેટ પ્રકાશિત કરે છે – માર્ચ, જૂન, સપ્ટેંબર અને ડિસેંબરમાં.