ટ્રમ્પની દીકરીને આમંત્રણ આપીને ભારતે અમેરિકામાં હલચલ મચાવી

વાન્કા ટ્રમ્પ અને તેના પતિ જેર્ડ કુશનરના કારણે ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા ઘરઆંગણે થઈ રહી છે. આ બંને તેમના સલાહકાર તરીકે ઓળખાવા લાગ્યાં છે. દીકરી જમાઇ સલાહકાર ના હોય ત્યારે કોણ હોય તેવો સવાલ અહીં ભારતમાં પૂછાય, પણ અમેરિકાની વાત જુદી છે. અમેરિકામાં વંશવાદ સમૂળગો છે નહીં એવું નથી, પણ જાહેર જીવનમાં તેને બહુ પ્રોત્સાહન અપાતું નથી. સ્ટિવ જોબ્સની સંપત્તિ તેની પત્નીને મળી છે. આ સંપત્તિમાં ડિઝનીમાં સાતેક ટકા જેટલો હિસ્સો પણ છે. સૌથી વધુ વ્યક્તિગત શેર હિસ્સો છે, પણ વહીવટમાં ક્યાંય સ્ટિવની પત્ની કે તેના સંતાનો દેખાતા નથી. રાજકારણમાં ફર્સ્ટ ફેમિલી તરીકે કેનેડી અને બુશ ફેમિલી જાણીતાં છે. ક્લિન્ટન ફેમિલીમાંથી હિલેરી હારી ના ગયાં હોત તો તે પણ પોલિટિકલ ફેમિલી ગણાત.

આ સિવાય અમેરિકામાં પોલિટિકલ ફેમિલી નથી અને વહીવટમાં સગાની દખલ પસંદ કરાતી નથી. ટ્રમ્પ પહેલેથી જ અળખામણા થયાં છે અને દીકરી અને જમાઇના કારણે પણ તેમના પ્રધાનો અને અમલદારો નારાજ થયા છે. તેમાં કારણભૂત બન્યું છે ભારત આવવાનું આમંત્રણ. ભારતમાં 28 તારીખથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવવા ઇવાન્કા નીકળી તે પહેલાંથી જ વિવાદ શરૂ થઈ ગયો હતો. વિદેશપ્રધાને ઇવાન્કા સાથે કોઈ સીનિયર ડીપ્લોમેટ નહીં જાય એવું કહી દીધું.

આ કાર્યક્રમ છે અમેરિકન સરકારનો અને તેનું નામ છે ગ્લોબલ આન્ટ્રપ્રન્યોર સમીટ. ભારતમાં પહેલીવાર તે યોજાઇ. ગત જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત હતાં ત્યારે કાર્યક્રમમાં તમે પણ આવજો એવું આમંત્રણ ઇવાન્કા ટ્રમ્પને મોદીએ આપી દીધું હતું. આ વખતની સમીટ સાથે વિમેન એમ્પાવરમેન્ટનો મુદ્દો પણ જોડી દેવાયો છે. આ મુદ્દો નરેન્દ્ર મોદી માટે અગત્યનો છે, કેમ કે ભાજપે ગુજરાતમાં અને બાદમાં દેશમાં બેટી બચાવો, બેટી પઢાવો કેમ્પેઇન ચલાવી હતી. ઇવાન્કા માટે જુદી રીતે તેની અગત્ય હતી, કેમ કે વિશ્વસ્તરે ઇવાન્કાનું નામ તેનાથી ચમકતું હતું. આ કાર્યક્રમમાં વિશ્વભરમાંથી વેપારી સાહસિકો અને રોકાણકારો એકઠાં થયાં હતાં. પિતા અમેરિકા જેવા શક્તિશાળી દેશના પ્રમુખ બન્યાં પછી પહેલીવાર ભારત જેવા મોટા દેશનો પ્રવાસ કરવાનું આમંત્રણ ઇવાન્કાને મળ્યું હતું.કદાચ તેનાથી જ અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસન આડા ફાટ્યાં છે. રેક્સ ટિલરસન એક્ઝોન મોબિલ જેવી જાયન્ટ કંપનીના સીઈઓ રહી ચૂક્યાં છે. તેમનો મિજાજ કંઈક નોખો જ છે. તેમણે ખાનગી કંપની ચલાવતા હોય તેમ વિદેશ મંત્રાલય ચલાવ્યું તેનાથી ભારે નારાજ છે. કોર્પોરેટ સેક્ટરમાં હાયર અને ફાયર હોય છે. કોઈને રાતોરાત પ્રમોશન મળી જાય અને કામમાં ભૂલ થાય તો ફાયરિંગ મળે. રેક્સે આવીને એક પછી એક ડીપ્લોમેટને હાંકી કાઢવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં 100 જેટલા ટોપના ડીપ્લોમેટે કાં તો રાજીનામું આપ્યું છે, કાં તો નિવૃત્ત થઈ ગયાં છે. ઇશારો સમજીને ઝૂક્યા નહીં તેમને કાઢી મૂકવામાં આવ્યાં.

આવા મિજાજના રેક્સે ઇવાન્કા સાથે કોઈ સીનિયર ડીપ્લોમેટ નહીં જાય તેવું કહ્યું એટલે વિવાદ વધ્યો છે. ઇવાન્કા અને તેના પતિ જેર્ડ કુશનર પોતાના કામમાં દખલ દે તે પસંદ પડ્યું નથી. જોકે આ બંને પ્રમુખના સલાહકાર બિનસત્તાવાર રીતે છે ત્યારે કોના કામમાં દખલ નહીં થઈ હોય તે સવાલ છે. બીજી બાજુ ઇવાન્કાને સહકાર ન આપવાની બાબતમાં રેક્સ સામે એ પણ આક્ષેપો થાય કે તે નારીવિરોધી છે. નારીવિરોધી છે અને લઘુમતીવિરોધી પણ છે એવા આક્ષેપો રેક્સ સામે થવા લાગ્યાં છે. વિદેશ મંત્રાલયમાં આમ પણ આફ્રિકન અમેરિકન્સની સંખ્યા ઓછી હતી. તેમાંથી કેટલાકને રેક્સના કારણે રાજીનામું આપવું પડ્યું એટલે રેસિયલ બેલેન્સ હતું તે વધારે બગડ્યું. અમેરિકામાં દરેક બાબતમાં રેસિયલ બેલેન્સ માટે મથામણ થાય છે. સાથોસાથ જેન્ડર બેલેન્સ માટે પણ. એટલે રેક્સનો ઇવાન્કા સામેનો વિરોધ માત્ર સગાઓની દખલ નહીં, પણ નારીની દખલને કારણે પણ હોવાનો મુદ્દો ઉમેરાયો.

ભારત જેવા મોટા દેશમાં પ્રવાસ એ ડિપ્લોમસીમાં અગત્યનો પોઇન્ટ ગણાય છે. આવા પ્રવાસમાં રેક્સને સાઇડલાઇન કરાયા અને ઇવાન્કાએ ભારત દ્વારા અપાયેલા આમંત્રણને સ્વીકારીને પોતાની રીતે આયોજન કર્યું તેનાથી કરિયર ડીપ્લોમેટ પણ નારાજ છે. નરેન્દ્ર મોદીએ બરાબર મોકો જોઈને દાણો ચાંપ્યો હતો. દીકરી અને જમાઇની સલાહ ચાલવાની હોય તો તેમને સાચવી લેવા પડે. ભારતમાં આ સહજ વાત છે. આ સહજ વાત પામી જઈને નરેન્દ્ર મોદીએ તો સોગઠી મારી, પણ અમેરિકામાં તેના કારણે કુકરીઓ ભારે ગાંડી થઈ છે.