રાજકોટમાં મુખ્યપ્રધાન જીતશે કે હારશે ?

ગાંધીનગર– આ વખતે સમગ્ર દેશની નજર રાજકોટની બેઠક ઉપર છે. જ્યાં રાજ્યના મુખ્યપ્રધાન પોતે ચૂંટણી જંગમાં છે, ત્યારે તેમની સામે વર્તમાન ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસ પક્ષ તરફથી મેદાનમાં છે. બંને મહાનુભાવો વર્તમાન વિધાનસભાના સભ્યો છે. અત્રે એક યાદ અપાવવું જરૂરી છે કે 1995માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં તે વખતના ધુરંધર ગણાતા અને કાયદાકીય રીતે ખૂબ હોંશિયાર અને રાજકોટના પૂર્વરાજવી મનોહરસિંહજી જાડેજા કે જેઓ ભૂતકાળમાં કેબિનેટપ્રધાન રહી ચૂક્યાં છે તેવા ધુરંધર નેતાને ભાજપના યુવા ઉમેશ રાજગુરુએ હરાવ્યાં હતાં અને રાજકીય વાતાવરણ ગરમાવી દીધું હતું. 1995માં પ્રથમ ભાજપ સ્પષ્ટ બહુમતીથી સત્તા પર આવ્યો ત્યારે ઉમેશ રાજગુરુને પ્રધાનમંડળમાં સમાવ્યાં હતાં.
કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુએ પોતાની કોંગ્રેસ પક્ષના ઉમદેવાર તરીકે ઉમેદવારી નોંધાવતી વખતે જયારે 141 કરોડની રકમ સત્તાવાર રીતે બતાવતાં મુખ્યપ્રધાન ચોકી ઉઠ્યાં હતાં, એટલું જ નહી ભાજપના રાજકીય નિષ્ણાતો પણ વિચારમાં પડી ગયા હતા. ઇન્દ્રનીલ રાજકીય રીતે લડાયક મૂડ ધરાવતા વ્યક્તિ છે અને યુવા કાર્યકરોની મોટી ફોજ સાથે છે. બીજું કે બ્રહ્મસમાજને કોંગ્રેસે ટિકીટ આપી છે ત્યારે બ્રહ્મસમાજના મતદારો ચોક્કસ ઇન્દ્રનીલ સાથે રહેશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.
 ગુજરાતમાં અતિ મહત્વની ગણાતી આ રાજકોટ બેઠક ઉપર મુખ્યત્વે બ્રાહ્મણ, લુહાણા અને પાટીદાર સમાજનો મતદાર વધારે પ્રમાણમાં છે. આ મતદારો સમજુ અને મોટાભાગના વેપારી મતદારો છે. આ ત્રણેય સમાજના લોકોમાં નોટબંધી, જીએસટી  અને મોંઘવારી જેવા અનેક  મુદ્દાઓ ચર્ચાના સ્થાને છે અને તેના પર ધ્યાન આપી જો મતદાન કરશે તો પરિણામ ચોંકાવનારું આવી શકે તેમ છે.
આ બેઠક પર ભાજપ પાસે કોઈ એવો સચોટ મુદ્દો નથી કે જે પ્રજા તાત્કાલિક સ્વીકારે એટલે હવે માત્ર વિકાસના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો હવે હિન્દુત્વનો મુદ્દો ચાલતો નથી તેની પક્ષને ખબર પડી ચુકી છે. આ ભાજપના ગઢ માં કોણ જીતશે તે જોવાની મજા આવશે.
આ ચૂંટણીમાં રાજ્યના મુખ્યપ્રધાનના વર્તમાન પ્રધાનમંડળના કેટલાક પ્રધાનો અને ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલ બેફામ વાણીવિલાસનો પણ મુખ્યપ્રધાનની આ બેઠક ઉપર પડશે તેવી ચર્ચા ખુદ ભાજપના જ કાર્યકરો કરી રહ્યાં છે. ઉપરાંત પ્રજાના કામો માટે આવતા પ્રતિનિધિઓ સાથે પ્રધાનોએ કરેલ ખરાબ વ્યવહાર પણ એક અગત્યની વાત બનશે તેમ દેખાય છે.
 આ ઉપરાંત એક અગત્યની અને મોટી ભૂલ ભાજપ દ્વારા જે કરવામાં આવી કે ઇન્દ્રનીલ રાજગુરુનું ફોર્મ રદ કરો આ બાબતથી પ્રજામાં રોષ વધી ગયો ને લોકમુખે ચર્ચાવવા લાગ્યું કે ભાજપને વિકાસની વાત પર આટલો બધો વિશ્વાસ હોય તો સામી છાતીએ લડવું જોઈએ આવા હલકી કક્ષાના મુદ્દા ન ઉઠાવવા જોઈએ. પરિણામે ચૂંટણીપંચ દ્વારા ભાજપનો આ મુદ્દો નકારી કાઢી ઇન્દ્રનીલ રાજગુરુનું ફોર્મ માન્ય રાખ્યું.