RCEP: ગુજરાતના વેપાર પર એક વર્ષ જોખમ ટળ્યું

RCEP (આરસેપ)નું ફૂલફોર્મ છે રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ એટલે કે પ્રાદેશિક વ્યાપક આર્થિક સહયોગ. ASEAN સંગઠનના 10 દેશો (ઇન્ડોનેશિયા, મલેશિયા, કમ્બોડીયા, વિયતનામ, બ્રૂનઈ, લાઓસ, સિંગાપોર, મ્યાનમાર, ફિલિપિન્સ અને થાઇલૅન્ડ) અને એશિયાના છ મોટા દેશો – ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ન્યૂ ઝિલૅન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપારી સહયોગ માટે એક વેપારી સંગઠન કરવાની વિચારણા છેક 2011થી ચાલી આવી છે. ભારત અને ચીનની વસતિને કારણે આ 16 દેશોની વસતિ દુનિયાની લગભગ અડધોઅડધ વસતિ થઈ જાય છે. તેથી આવું વેપારી સંગઠન બને તો તે વિશ્વનું સૌથી મોટું બને.

પણ હાલ પૂરતી તે વાત ટળી ગઈ છે. ભારતે આરસેપમાં જોડાવાનું હાલ પૂરતું ટાળી દીધું છે. તેના કારણે સમગ્ર કરાર હવે એક વર્ષ લંબાઈ ગયો છે. હવે 2020માં જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ શકશે એમ લાગે છે. જોકે એવા નિવેદનો પણ આવ્યા છે કે ભારતને બાકાત રાખીને બાકીના 15 દેશો વચ્ચે કદાચ કરાર થઈ પણ જાય. ઓસ્ટ્રેલિયા તે માટે તૈયાર થઈ ગયું છે. ચીન અને જાપાન પણ તૈયાર છે અને ન્યૂ ઝિલેન્ડ પણ તૈયાર છે તેથી કદાચ ફેબ્રુઆરીમાં તેના પર સહિસિક્કા થઈ જાય તેવું બને. પરંતુ ભારત ફેબ્રુઆરીમાં પણ તેમાં નહિ જોડાય તે નક્કી છે.

તેનું કારણ છે ભારતમાં સ્થાનિક ધોરણે થયેલો વિરોધ. સુરત અને અમદાવાદ સહિત ગુજરાતની ટેક્સટાઇલ માર્કેટનું કદ 25,000 કરોડ રૂપિયાનું છે. આરસેપમાં ભારત સહિ કરે એટલે બાંગ્લાદેશ અને ચીનમાંથી સસ્તું કાપડ અને કપડાં ભારતમાં ઠલવાવાના શરૂ થાય. એવું થાય તો ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓના અંદાજ અનુસાર તેમનું ટર્ન ઓવર 8,000 કરોડ રૂપિયા જેટલું ઓછું થઈ જાય. ચીન પોલિએસ્ટરનો સીવેલો શર્ટ અંદાજે બે ડૉલરમાં આપી શકે છે. ભારતમાં પોલિએસ્ટરના શર્ટનું ખાલી કાપડ 2 ડૉલરનું થાય. ગુજરાતના ડેરી ઉદ્યોગમાં દૂધના પાવડરનો ભરાવો થયો છે. ન્યૂ ઝિલેન્ડ પાસે દૂધના પાવડરનો મોટો જથ્થો છે તે હજીય સસ્તામાં ભારતમાં મોકલી શકે અથવા તો બાંગ્લાદેશ, મ્યાનમારમાં મોકલે તો ગુજરાતની ડેરીઓનો દૂધનો પાવડર પડ્યો રહેવાનો.

ટેક્સટાઇલમાં કાપડ, તેનું પ્રોસેસિંગ, તેમાંથી તૈયાર વસ્ત્રો અને તેની મશીનરી એમ બધામાં ગુજરાતના વેપારને અસર થાય તેમ છે. ગુજરાત ટેક્સટાઇલનું હબ હોવાથી ભારતની ટેક્સટાઇલ અને વિવિંગ મશીનરીના 50 ટકાથી વધુ એકમો ગુજરાતમાં જ છે. તેને આડકતરી અસર થઈ શકે. ગુજરાતમાં મોટા અને મધ્યમ કદનાં 1500 ટેક્સટાઇલ યુનિટો છે અને 600 જેટલા પ્રોસેસિંગ હાઉસ છે. ભારતની કુલ ટેક્સટાઇલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 12 ટકા જેટલો છે. ભારતની ટેક્સટાઇલ માર્કેટમાં ગુજરાતનો હિસ્સો 25 ટકા છે.

ગુજરાતના ખેડૂતોને પણ સીધી અસર થાય, કેમ કે ભારતના કુલ કપાસના ઉત્પાદનમાંથી 33 ટકા ગુજરાતમાં પાકે છે. સીધી કપાસની નિકાસ થાય છે, તેમાં પણ ગુજરાતનો હિસ્સો 60 ટકા છે. તેનો અર્થ એ થયો કે કાપડના વેપારી, ઉદ્યોગપતિ સાથે ગુજરાતનો ખેડૂત પણ મુશ્કેલીમાં મૂકાઈ જાય. ભારતમાં સૌથી વધુ અને દુનિયામાં ત્રીજા નંબરે ડેનિમ એટલે કે જીન્સનું ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે. સુતરાઉ કાપડમાં પણ ગુજરાત વાર્ષિક 3.9 કરોડ મિટર સાથે બીજા સ્થાને છે.

આ તો માત્ર ગુજરાતના આંકડા છે. ગુજરાત ઉપરાંત દેશભરમાંથી ઉદ્યોગ સંસ્થાઓએ કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી કે આરસેપનો સ્વીકાર કરવો ભારતના હિતમાં નથી. જોકે વિશ્વ વેપાર સાથે જોડાવાનું ભારત માટે અનિવાર્ય છે. આજે નહિ તો કાલે કોઈક રીતે વિશ્વ વેપારી સંગઠનો સાથે રહેવું જ પડશે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં આપણે જોડાયેલા જ છીએ અને તેના નિયમો પ્રમાણે અમુક હદથી વધારે ટ્રેડ બેરિયર નાખી શકાતા નથી. દાખલા તરીકે હાલમાં જ અમેરિકાએ ભારત સામે ફરિયાદ કરી હતી કે ભારત કેટલાક નિકાસકારોને પ્રોત્સાહન આપે છે તેનાથી અમેરિકાને નુકસાન થાય છે. અમેરિકાની તે ફરિયાદ માન્ય રહી છે અને ભારતને જણાવ્યું છે કે નિકાસ માટે અપાતા આડકતરા પ્રોત્સાહનો બંધ કરે.

આવા સંજોગોમાં રિજીઓનલ કોમ્પ્રેહેનસિવ ઇકોનોમિક પાર્ટનરશિપ વધારે વ્યાપક સ્વરૂપની અને અસર કરનારી સાબિત થઈ શકે છે. આરસેપમાં સહિ કર્યા પછી ઝીરો કસ્ટમ ડ્યૂટીથી આ 16 દેશો એકબીજા સાથે વેપાર કરી શકે છે. આરસેપના ફાયદા પણ ગણાવાયા છે. આરસેપની ગ્રાહકોને ફાયદો થાય છે. સ્પર્ધા વધવાથી એફિશિયન્સી વધે છે. કુલ ઉત્પાદન પણ તેના કારણે વધે છે, જેનો ફાયદો સૌને થાય. પરંતુ વચ્ચેના ગાળે ભારત જેવા મોટું માર્કેટ ધરાવતા દેશ માટે મુશ્કેલી વધી જાય. ચીન પણ મોટું માર્કેટ છે, પણ ચીન પોતે જ એટલી સસ્તી વસ્તુઓ બનાવે છે કે તેને બહારથી આવનારી પ્રોડક્ટની ચિંતા નથી. ચીનમાં ભારત કપાસ, પોલાદ સહિતની ધાતુઓ, ભંગાર વગેરેની નિકાસ વધારી શકે છે. પરંતુ આ રૉ મટિરિયલ્સ છે અને તેમાં માર્જિન ઓછું હોય છે. ચીન ફિનિશ્ડ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વધારે નિકાસ કરે છે, જેમાં વધારે માર્જિન અને વેલ્યૂ હોય છે.

હાલ તો 15 દેશો વચ્ચે સહમતી થઈ છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અલગથી મળ્યા હતા. તેમણે કહ્યું છે કે તેઓ ભારતને પણ સાથે જોડવા આતુર છે. ભવિષ્યમાં ભારત આ વેપારી સંગઠનમાં જોડાવા માગે તો તેના માટે દરવાજા ખુલ્લા છે એમ મોરિસન કહ્યું છે. ભારત માટે પણ આમાં મોટી તક રહેલી છે એમ કહીને તેમણે કહ્યું કે તેઓ રાહ જોવા તૈયાર છે.

ધીરજના ફળ મીઠા એવું ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું હતું. તેમની વાત આમ ખોટી પણ નથી. ભારત માટે ધીરજના ફળ મીઠા જ સાબિત થઈ શકે છે. પ્રારંભથી આરસેપમાં જોડાવાના બદલે ભારત રાહ જોવાનું પસંદ કરી શકે છે. ખાસ કરીને ચીનની કંપનીઓ મોટા પાયે ડમ્પિંગ ચાલુ કરશે, ત્યારે ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સ અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલેન્ડ જેવા દેશોનું શું રિએક્શન હશે તે જોવાનું રહે છે. દક્ષિણ કોરિયા અને જાપાન પણ ચીનની નજીક છે, પણ આ બંને દેશોમાં પોતાની વિકસિત ટેક્નોલૉજી અને ઇન્ડસ્ટ્રીઝ છે. આમ છતાં ચીન તેને સ્પર્ધા આપી શકે છે. અથવા દક્ષિણ કોરિયા અને જાપાન આશિયાન દેશોમાં નિકાસ કરે છે, તેમાં ફટકો પાડી શકે છે.

તે સંજોગોમાં વેઇટ એન્ડ વૉચ ભારત માટે વધારે ફાયદાકારક છે. હજી ફેબ્રુઆરી 2020માં કરાર પર સહિ કરવાની વાત છે. ભારત આરસેપમાં જોડાશે નહિ તેવી થોડી શક્યતા હતી, પણ હવે સત્તાવાર રીતે ઇનકાર કરાયો છે, ત્યારે બાકીના દેશો પણ તેની અસર અને માત્ર ચીનને જ મોટા પાયે ફાયદો થતો જોશે. ખાસ કરીને દક્ષિણ ચીની સમુદ્રની આસપાસ આવેલા દેશો, બ્રૂનઇ, લાઓસ, વિયેટનામ, ફિલિપિન્સ વગેરે ચીન સામે અન્ય કારણોસર નારાજ છે. તેથી ચીનને જ ફાયદો કરાવનારી ટ્રેડ ડિલ સામે કદાચ ફેબ્રુઆરી સુધીમાં બીજા દેશોનો વિરોધ પણ આવી શકે છે. માટે હવે વેઇટ એન્ડ વૉચ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]