સ્ત્રીઓ ફ્લુના વાઇરસને પણ હંફાવી દે છે!

‘કેમ છો? મજામાં?’ એમ કોઈને પૂછીએ તો એક જ જવાબ મળે કે આ શરદી લોહી પી ગઈ છે. શરદી અને ઝાડા એ બહુ જ વિચિત્ર રોગ છે. સામાન્ય રીતે શરદી-ઉધરસને મોટો રોગ માનવામાં નથી આવતો. તાવ હોય તો ઠીક પરંતુ શરદી હોય તો કોઈ રજા પાડે તેવું બનતું નથી. પરંતુ આ જ કારણે તકલીફ પડે છે. શરદીમાં નાકમાં શેડા આવતાં જ રહે ત્યારે શાળા હોય કે ઑફિસ, બહુ તકલીફ પડે છે.

નાનાં છોકરાં હોય તો તેમને જો શેડા કાઢતાં ન આવડે અને શેડા ચાલ્યાં જાય તો નાક-હોઠ ગંદા થઈ જાય. આ દ્રશ્ય ઘણાને ચીતરી ચડાવનારું હોય છે. તો મોટા લોકોને તકલીફ એ પડે છે કે શરદી હોય અને નાકમાં શેડા વારંવાર આવે તો રૂમાલથી શેડા કાઢે ત્યારે અવાજ આવે. તે વખતે બધાનું ધ્યાન તેના તરફ ખેંચાય. ગમે તેટલું નાક દાબીને કોઈને ન દેખાય તેમ શેડા કાઢવામાં આવે તો પણ ઘણા ચોખલિયાવને નથી ગમતું હોતું.

કેટલાક એવું માને છે કે ઠંડીના કારણે શરદી થાય છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો મુજબ, ઠંડી કરતાં ઠંડી લાગવાથી ઘરમાં પૂરાઈ રહેવાથી કે ઑફિસમાં બધી બાજુથી બારીબારણાં બંધ રાખવાથી જે હવા એકની એક ફરે છે તેના કારણે શરદી વધુ થાય છે. જોકે જરૂરી નથી કે શરદી ઠંડીમાં જ થાય. ચોમાસામાં કે ધૂળથી, એલર્જીથી, ગરમીથી પણ થઈ શકે છે. શરદીમાં ગળું પકડાય જાય છે. અવાજ બેસી શકે છે. શરીર તૂટ્યા રાખે. ક્યાંય ગમે નહીં. ચિડિયાપણું આવી જાય છે.

ઉપરાંત નાક બંધ થઈ જાય. શ્વાસની પણ તકલીફ પડે. નાકમાં ગૂંગા જામી જાય છે. આરોગ્યનિષ્ણાતો કહે છે કે સામાન્ય શરદીના પહેલાં ત્રણ દિવસમાં શરદીનો દર્દી ચેપી હોઈ શકે છે. તેનો ચેપ બીજાને લાગી શકે છે. આથી તેણે ઘરે જ રહેવું જોઈએ અને બને તો આરામ કરવો જોઈએ.

જો સપ્તાહ પછી પણ તેની તબિયતમાં કોઈ સુધારો ન થાય તો તેને લાગેલો ચેપ એ બૅક્ટેરિયાને લગતો હોઈ શકે છે અને આવી સ્થિતિમાં તેને એન્ટિબાયૉટિક્સની જરૂર પડી શકે છે.

શરદીમાં આગળ એ પણ લક્ષણો હોઈ શકે છે કે કપાળ કે આંખોની વચ્ચે દુઃખાવો થઈ શકે છે. દાંતમાં દુઃખાવો થઈ શકે છે. મોઢું ભારે ભારે લાગે છે.

પશ્ચિમવાળા ટિશ્યૂ બહુ વાપરે. પરંતુ ભારતમાં કપાસ, રેશમ, મલમલ વગેરે વર્ષોથી વધુ થતું હોઈ, અહીં વસ્ત્રની પરંપરા રહી છે. રૂમાલનો ઉપયોગ થાય છે. જેને અંગ્રેજીમાં હૅન્ડકરચીફ કહે છે. અને પશ્ચિમમાં તો વિવાદ ચાલે છે કે શરદી માટે રૂમાલ સારો કે ટિશ્યૂ પેપર? આરોગ્યનિષ્ણાતો કહે છે કે સુતરાઉ રૂમાલ વધુ સારો કારણકે તે નાજુક હોય છે

એરિઝૉના નર્સીસ એસૉસિએશનમાં નર્સ ડેનિસ લિન્ક કહે છે કે રૂમાલ વધુ સારો.

કેટલાક લોકો શરમના માર્યા, તો કેટલાક આજુબાજુવાળા શું કહેશે તેની ચિંતામાં તો કેટલાકને ફાવટ ન હોઈ, ડૉક્ટરની દવા લેવાનું પસંદ કરે છે, પરંતુ નાકમાંથી શેડા કાઢતા નથી.

હકીકતે પશ્ચિમના આરોગ્ય નિષ્ણાતો પણ કહે છે કે નાકમાંથી શેડા કાઢવા જ જોઈએ. શરદીની ખરેખર તો એ જ સારી દવા છે. શરદીને એલોપેથિક દવાથી દબાવી દેવી યોગ્ય નથી.

કેટલાકને મોઢામાં ગળફા આવતા હોય છે. પરંતુ બાથરૂમમાં જઈ થૂંકવાની આળસે ગળે ઉતારી જાય છે. (જેમને આ વાક્યથી ચિતરી ચડી હોય તે માફ કરે, પરંતુ આ વાત લખવી જરૂરી હતી) તેમ કરવું સારું નથી કારણકે એ કફનો ગળફો એક જાતનો કચરો જ છે. તે માંડમાંડ એક તો મોઢા સુધી આવ્યો હોય અને તેને તમે થૂંકવાના બદલે ગળે ઉતારી જાવ તો તે શરીરને નુકસાન કરે છે.

શરદીમાં આયુર્વેદિક ઉપાયોમાં હળદર, સૂંઠ, આદુ, નાસ, વગેરે સારાં છે. તો સાથે પાણી, રસ, સૂપ અને સ્પૉર્ટ્સ ડ્રિન્ક પણ સારાં છે. જેમને યોગમાં નેતિ આવડતી હોય તેમણે જળનેતિ કરવી જોઈએ. તે ન ફાવે તો અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવા જોઈએ.

પરંતુ જેમને શેડા કાઢતા નથી આવડતા તેમનું શું? તેમના માટે: નાકના જે નસકોરામાં શેડા હોય તે સિવાયના નસકોરાને હાથની ત્રણ આંગળીએ બંધ કરો અને શેડાવાળા નસકોરામાંથી હવા બહાર કાઢતા હોય તેમ બહાર કાઢો.

દરમિયાનમાં, સ્ત્રીઓ માટે ખુશીની વાત આરોગ્ય નિષ્ણાતો એ કહે છે કે, સ્ત્રીઓમાં ઍસ્ટ્રૉજન હોય છે. તે ફ્લુના વાઇરસને નબળો પાડી શકે છે. સામાન્ય રીતે ફ્લુનો વાઇરસ શરીરમાં એક કોષમાં દાખલ થાય છે. તે પોતાના જેવો જ વાઇરસ બનાવે છે. સ્ત્રીઓમાં ઍસ્ટ્રૉજનથી વાઇરસની પોતાના જેવી નકલ બનાવવાની ક્ષમતા ઘટી જાય છે.

બાલ્ટીમોરમાં જૉન્સ હૉપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થનાં પ્રાધ્યાપક સાબ્રા ક્લૈન કહે છે કે જેટલા વાઇરસ ઓછા તેટલી તે વ્યક્તિથી બીજાને ચેપ લાગવાની શક્યતા ઓછી.