આ મૉડર્ન સર્જરી આપી રહી છે પાર્કિન્સન્સથી રાહત

છેલ્લાં થોડાં વર્ષથી ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીથી કંપવાનાં તીવ્ર લક્ષણોને નિયંત્રિત કરવામાં મળી રહી છે અસાધારણ સફળતા…

મનોજ માંડ સત્તર વર્ષનો હશે ને એને એક ગંભીર શારીરિક સમસ્યા વળગી. એના શરીરના મસલ્સ વિચિત્ર રીતે વર્તતા હતા, જેને કારણે એનું હલનચલન ડિફૉર્મેટિવ એટલે વિકૃત બની ગયું. ચાલવા જાય તો બૅલેન્સ ગુમાવે, ઊભો હોય તો અચાનક ઢળી પડે. બીજા શબ્દોમાં એના હલનચલન પર એનો કાબૂ રહે નહીં. નિષ્ણાતોએ નિદાન કર્યુઃ પ્રાઈમરી ડિસ્ટોનિયા. પરિસ્થિતિ એવી આવી ગઈ કે એ ભણવા પણ જઈ ન શકે, એનો અભ્યાસ અટકી પડ્યો. આખો દિવસ ઘરમાં સતત કોઈની નજર હેઠળ રહેવું પડે, રોજિંદાં કાર્યો માટે કોઈની સહાય લેવી પડે, જેના લીધે એ લગભગ ઉદાસીની ગર્તામાં ધકેલાઈ ગયો…

હાલ મનોજની વય છે એકવીસ. એ સંપૂર્ણ સાજો છે, વ્યવસ્થિત ચાલી શકે છે, એણે ફરી અભ્યાસ શરૂ કરી દીધો છે. મનોજની સમસ્યા દૂર કરનાર ઉપચારનું નામ છેઃ ડીપ બ્રેન સ્ટિમ્યૂલેશન (ડીબીએસ) સર્જરી. મનોજ પર આ સર્જરી કરી એને નવજીવન આપનાર મુંબઈ સ્થિત કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ (કેડીએએચ)ના ન્યુરૉસર્જન ડૉ. અક્ષત કયાલ ચિત્રલેખાને કહે છેઃ ‘પ્રાઈમરી ડિસ્ટોનિયા એ એક ન્યુરૉલૉજિકલ ડિસઑર્ડર છે, જેના લીધે વ્યક્તિ પાંગળો બની જાય, એનું હલનચલન ઍબ્નૉર્મલ (વિકૃત) બની જાય, હલનચલન પર કાબૂ ન રહે. આ એક આનુવંષિક બીમારી છે. ડીબીએસ સર્જરીથી અમે મનોજને સંપૂર્ણ સાજો કરી શક્યા. ડીબીએસ સર્જરી અમુક બ્રેન ડિસઑર્ડર (મસ્તિષ્કની અંદર ઉદભવેલા વિકાર)માં પણ રાહત આપે છે, જેમાં પાર્કિન્સન્સ ડિસીઝ મુખ્ય છે.’

પાર્કિન્સન્સની તીવ્રતા સાથે મોં-હાથ-પગ તથા શરીરનાં કંપન વધી જતાં દરદી રોજિંદા કામ કરી શકતો નથી.

ઉપરવાળાએ આપણા શરીરની રચના કરી ત્યારે વિવિધ અવયવને વિવિધ કામગીરી સોંપી. મગજનું કામ છે વિવિધ ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી ઈન્ફર્મેશન મેળવી શરીરને એ મુજબ, સુચારુ રૂપથી સંચાલિત કરવાનું. શરીરમાં ફેલાયેલી કંઈકેટલીયે તંત્રિકાની જાળમાં વહેતા ઈલેક્ટ્રિક વેવ્ઝની મદદથી આપણું મગજ જરૂરી આદેશ ઝીલે છે. પરંતુ મગજમાં જ્યારે ખામી સર્જાય, એને વિવિધ ઈન્દ્રિયો દ્વારા ઈન્ફર્મેશન મળતી બંધ થઈ જાય, સંદેશવાહકની ગરજ સારતા ડોપામાઈન નામના રસાયણ બનવાની મગજની ક્ષમતા ૫૦ ટકાથી ઓછી થઈ જાય એટલે સમસ્યા શરૂ થાય છે. શારીરિક હલનચલન અનિયંત્રિત બની જાય. આ સ્થિતિ અથવા ઉપાધિનું નામ છે  પાર્કિન્સન્સ ડિસીઝ, જેનો નજીકનો ગુજરાતી શબ્દ છેઃ કંપવા. એક અંદાજ મુજબ ભારતમાં પાર્કિન્સન્સના આઠેક લાખ દર્દી હશે. તાજા સંશોધનના આંકડા કહે છે કે પાર્કિન્સન્સ હવે યુવાવસ્થામાં પણ આવે છે.

કાલાંતરે પાર્કિન્સન્સ વકરતો જાય અને શરીરના હલનચલનને અસર કરે છે. હળવાં કંપન, સ્નાયુ જકડાઈ જવા કે અક્કડ થઈ જવા, શારીરિક ગતિ મંદ પડી જવી, સંતુલન ન જળવાવું, વગેરે એનાં મુખ્ય લક્ષણ છે. આ બીમારીનો આમ તો કોઈ ઈલાજ નથી, પરંતુ દવાથી એને નિયંત્રિત રાખવામાં મદદ મળે ખરી. જો કે લક્ષણ જ્યારે તીવ્ર બની જાય, વકરી જાય અને દવા પણ કારગત ન નીવડે તો ડીપ બ્રેન સ્ટિમ્યૂલેશન (ડીબીએસ) સર્જરી અનેક કિસ્સામાં પ્રભાવક નીવડે છે.

ડીપ બ્રેન સ્ટિમ્યૂલેશન (ડીબીએસ) એક બ્રેન સર્જરી, એક ન્યુરૉસર્જકિલ પ્રોસેસ અથવા આધુનિક સારવારપ્રક્રિયા છે, જે પાર્કિન્સન્સની બીમારીનાં લક્ષણોમાં સુધારો લાવે છે. આનો ઈતિહાસ જોઈએ તો, પાર્કિન્સન્સની સમસ્યા સાથે જીવતા તથા સતત કંપન અનુભવતા દર્દીના ઈલાજ માટે 1997માં એને માન્યતા મળી. 2002માં કંપન સિવાય પાર્કિન્સન્સ ડિસીઝનાં અન્ય લક્ષણો માટે પણ ડીબીએસનો પ્રયોગ થવા લાગ્યો, જેનાં સારાં પરિણામ આવતાં હવે એનાથી પાર્કિન્સન્સના એવા દર્દીઓને રાહત આપવામાં આવે છે, જેમની પર દવા કામ નથી કરતી.

મુંબઈ સ્થિત કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલના ન્યુરૉસર્જન ડૉ. અક્ષત કયાલ કહે છેઃ ‘ડીબીએસ સર્જરીમાં મસ્તિષ્કના અસરગ્રસ્ત નાનાં નાનાં પૉઈન્ટ્સમાં એક ખાસ પ્રકારના તારનું આરોપણ કરવામાં આવે છે. આ તારમાં જરૂરિયાત મુજબ ચારથી આઠ ઈલેક્ટ્રોડ્સની મદદથી મસ્તિષ્કના અસગ્રસ્ત (પાર્કિન્સન્સ માટે જવાબદાર એવાં) સૂક્ષ્મ બિંદુઓ પર ઈલેક્ટ્રિક કરન્ટ આપી મસલ્સનું સંચાલન પ્રભાવી બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાના બીજા ચરણમાં છાતીના ઉપલા હિસ્સામાં, ત્વચા નીચે એક ન્યુરૉસ્ટિમ્યૂલેટર (પેસમેકર ડિવાઈસ) બેસાડવામાં આવે છે. ત્વચાની નીચે એક તારની મદદથી  ન્યુરૉસ્ટિમ્યૂલેટરને મસ્તિષ્ક સાથે, સંબદ્ધ ઈલેક્ટ્રોડ્સ સાથે જોડવામાં આવે છે. આ ઉપકરણ દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ મસ્તિષ્કની અસામાન્ય ગતિવિધિ (અથવા પાર્કિન્સન્સનાં લક્ષણ)ને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા પાંચથી છ કલાક ચાલે છે. સામાન્ય રીતે દર્દી, મોટા ભાગની પ્રક્રિયા દરમિયાન, જાગ્રત અવસ્થામાં રહે છે. મતલબ, બીજી જટિલ સર્જરીને જેમ એને બેભાન કરવામાં આવતો નથી. આનું એક ચોક્ક્સ કારણ છેઃ સભાનાવસ્થામાં દર્દીનું પરીક્ષણ કરીને વિદ્યુત પ્રવાહથી એને લાભ થઈ રહ્યો છે એ નક્કી કરી શકાય છે. લાભ થઈ રહ્યો છે એ ખબર પડતાં જ અથવા પોઝિટિવ રિઝલ્ટ મળતાં જ ઈલેક્ટ્રોડ્સનું રોપણ કરવામાં આવે છે. પ્રક્રિયાનું આ બીજું ચરણ સામાન્ય રીતે લોકલ ઍનેસ્થેસિયા આપીને પાર પાડવામાં આવે છે. હૃદયના અનિયમિત ધબકારા માટે જેમ પેસમેકર ઉપયોગી નીવડે છે એમ ન્યુરૉસ્ટિમ્યૂલેટર મગજને સતત ઈલેક્ટ્રિક કરન્ટ મોકલતું રહે છે, જેનાથી દર્દીનું શારીરિક હલનચલન બરાબર થાય છે. આ ડિવાઈસ એકદમ સેફ છે, અને દર્દી દેશ-દુનિયામાં ગમે ત્યાં પ્રવાસ કરી શકે છે.’

કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલના ડૉ.અક્ષત કયાલઃ પાર્કિન્સન્સની સમસ્યા દવાથી પણ કન્ટ્રોલમાં ન આવે એવા સંજોગમાં ડીબીએસ સર્જરીની ભલામણ કરવામાં આવે છે.

આ સર્જરી કોને માટે લાભદાયી છે એવો સવાલ થવો સ્વાભાવિક છે. તો એ સમજી લેવાની જરૂર છે કે જેમ જેમ આ રોગ જૂનો ને હઠીલો બનતો જાય છે તેમ તેમ દર્દીમાં એની તીવ્રતા વધતી જાય છે જે મોં, હાથ, પગ તથા ધડનાં હલનચલનને, કંપનને વધારી મૂકે છે. આવા સંજોગોમાં અસરગ્રસ્ત વ્યક્તિ પોતાનાં કામ, જેવાં કે કપડાં પહેરવાં, ભોજન કરવું, જરૂરી કાગળો પર સહી કરવી, ચલણી નોટની ગણતરી સાથે લેવડદેવડ, નથી કરી શકતી. આ માટે એણે સતત બીજા પર આધાર રાખવો પડે છે. આવી સ્થિતિમાં દવા પણ અસર કરતી નથી. અહીં મદદે આવે છે ડીબીએસ સર્જરી અથવા આ આધુનિક ટેક્નિક. જો કે એ ખાસ સમજી લેવાની જરૂર છે કે ડીબીએસ સર્જરી પાર્કિન્સન્સની બીમારીનાં લક્ષણોને દૂર કરવામાં મદદરૂપ થાય છે, એ બીમારીને જડમૂળથી દૂર કરી શકતી નથી.

વળી જો દર્દીને નૉન મૂવમેન્ટ સમસ્યા હોય તો ડીબીએસ ફાયદો નથી કરતી. નૉન મૂવમેન્ટ સમસ્યા એટલે સ્મૃતિદોષ, નબળાઈ, કબજિયાત, ડિપ્રેશન, અનિદ્રા, ગંધ-સુગંધ પારખવામાં મુશ્કેલી, વગેરે સમસ્યા સતાવતી હશે તો ડીબીએસ સર્જરી કારગત નહીં નીવડે.

પાર્કિન્સન્સના રોગીનો ઈલાજ એવી હૉસ્પિટલમાં થવો જોઈએ, જ્યાં એનાં રોગ-લક્ષણો ચકાસીને ઈલાજ કરવા માટે ફિઝિશિયન ડૉક્ટર, ડાયેટિશિયન, મનોવિજ્ઞાની, વગેરેની સુવિધા હોય. બીજા શબ્દોમાં ડીબીએસ સર્જરી અનુભવી ન્યુરૉલૉજિસ્ટ પાસે તથા એવી હૉસ્પિટલમાં કરાવવી જોઈએ, જ્યાં તમામ પ્રકારનાં સાધનસુવિધા હોય. જેમ કે કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલ પાસે એક સુઆયોજિત મૂવમેન્ટ ડિસઓર્ડર પ્રોગ્રામ છે, જે શારીરિક હલનચલનમાં ગડબડ (મૂવમેન્ટ ડિસઑર્ડર) થાય તો એવા દર્દીઓની વ્યાપક સંભાળ લે છે. હૉસ્પિટલ પાસે ન્યુરૉલૉજિસ્ટ, ન્યુરૉસર્જન, ન્યુરોસાઈકિયાટ્રિસ્ટથી લઈને ન્યુરૉ-ઍનેસ્થેશિયૉલૉજિસ્ટ, ન્યુરૉસાઈકૉલૉજિસ્ટ અને ન્યુરૉ-રીહેબ નિષ્ણાતોની એક કાબેલ ટીમ છે.

ડૉ. અક્ષત કયાલ કહે છે કે અમારી હૉસ્પિટલની વાત કરીએ તો, કેડીએએચમાં પહેલાં અમે વ્યક્તિનાં પાર્કિન્સન્સનાં લક્ષણોનું મૂલ્યાંકન કરીએ છીએ. ત્યાર બાદ જ ડીબીએસ સર્જરી કરવાથી એને કેટલો ફાયદો થશે અને સર્જરી કરવી કે નહીં એનો નિર્ણય લઈએ છીએ. સામાન્ય રીતે, જે દર્દી પાંચેક વર્ષથી પાર્કિન્સન્સથી પીડાતા હોય, અસામાન્ય કંપન અનુભવતા હોય અને કંપનને દવાઓથી નિયંત્રિત કરી નથી શકાતાં એમને આ ઉપચાર સૂચવીએ છીએ.

એ ઉમેરે છે કે 8-10 દિવસના હૉસ્પિટલાઈઝેશનવાળી આ એક મિનિમલ ઈન્વાઝિવ સર્જરી છે, 95-98 ટકા સુરક્ષિત છે. એકાદ ટકા કિસ્સામાં ઈન્ફેક્શન, એકાદ ટકામાં રક્તસ્રાવ કે ક્યારેક (પેસમેકરના) વાયર કે હાર્ડવેરને લગતી મામૂલી સમસ્યા સર્જાય છે, જે સાવ સરળતાથી દૂર કરી શકાય છે.

ડીબીએસ સર્જરી પછી, દર્દીઓ ઉપરાંત એમના પરિવારો અથવા એમની સંભાળ લેનારને ઘણી રાહત મળે છે. દર્દી બીમારીના અંતિમ તબક્કામાં હોય કે પથારીવશ હોય ત્યારે પણ ડીબીએસ રાહત આપતી રહે છે.

(કેવલ મહેતા)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]