બીજાના ધૂમ્રપાનથી થઈ શકે કિડનીની બીમારી!

રે કોઈ ને ભોગવે કોઈ. આમ તો દરેકને પોતાનાં જ કર્મો ભોગવવાનાં હોય છે, પરંતુ શું કોઈ બીજા કર્મ કરે અને તમારે ભોગવવાનું આવે તેવું બને? તમને થશે કે આ આરોગ્યના લેખમાં તત્ત્વચિંતન કેમ? પરંતુ આ આરોગ્યનો જ લેખ છે. કરે કોઈ ને ભોગવે કોઈ એ ઉક્તિ આરોગ્યની બીજી કોઈ બાબતમાં તો લાગુ નથી પડતી પરંતુ એક બાબતમાં જરૂર લાગુ પડે છે અને તે છે ફેફસા અને કિડનીની બીમારીમાં.

તમને થશે કે આ કેવી રીતે? તો એનો જવાબ એ છે કે ધૂમ્રપાન કોઈ કરે પરંતુ જો તમે તેની બાજુમાં હો તો ભલે તમે ધૂમ્રપાન ન કરતા હો પરંતુ તે વ્યક્તિને તેના ખોટા કામમાં તમે તેનો વિરોધ ન કરીને સાથ આપ્યો તેથી તમારે પણ ભોગવવું પડે છે. જી હા, બીજા ધૂમ્રપાન કરે તો તે ધૂમ્ર એટલે કે ધૂમાડો તમે બાજુમાં ઊભા હો તો તમારા શ્વાસમાં જાય છે. તેના કારણે તમારા ફેફસાને નુકસાન થઈ શકે છે. તેનાથી તમને ફેફસાનું કેન્સર થઈ શકે છે. આ સિવાય અન્ય આરોગ્ય સમસ્યાઓ જેવી કે હૃદયની તકલીફ પણ થઈ શકે છે.

તેનાથી તમને કેન્સર ઉપરાંત સ્ટ્રૉક અને ફેફસાનો રોગ ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મૉનરી ડિસીઝ (સીઓપીડી) પણ થઈ શકે છે. તમાકુનો સૌથી નુકસાનકારક ધૂમાડો અદૃશ્ય હોય છે પરંતુ તે હવા દ્વારા પ્રવાસ કરે છે અને તે કપડાં પર પણ જામી શકે છે. તે તમારા શ્વાસમાં જાય છે, પછી ભલે તમે ધૂમ્રપાન ન કરતા હો.

આ પ્રકારનું ધૂમ્રપાન બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે. બાળકો ધૂમ્રપાન ન કરતા હોય પરંતુ જો તેમની નજીકમાં કોઈ પણ વ્યક્તિ ધૂમ્રપાન કરતી હોય તો તેમને આવા ધૂમ્રપાનથી ખૂબ જ નુકસાન થઈ શકે છે.

જોકે તાજેતરનો એક અભ્યાસ કહે છે કે બીજાના ધૂમ્રપાનથી તમને દીર્ઘકાલિન કિડનીની બીમારી પણ થઈ શકે છે. આ અભ્યાસ ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં પ્રસિદ્ધ થયો છે. સંશોધકોના એક જૂથે ૧,૩૧,૧૯૬ ધૂમ્રપાન નહીં કરનારા લોકો પર અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું છે.

સહભાગીઓને ત્રણ સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા- એક- જેઓ એક સપ્તાહમાં ત્રણ દિવસ માટે આવા બીજા કોઈ વ્યક્તિના ધૂમ્રપાનનો શિકાર બનતા હતા, બે-જેઓ એક સપ્તાહમાં ત્રણ દિવસ કરતાં ઓછા આવા બીજા કોઈ વ્યક્તિના ધૂમ્રપાનનો શિકાર બનતા હતા અને ત્રણ- જેઓ બીજા કોઈ વ્યક્તિના ધૂમ્રપાનનો શિકાર જ નહોતા બનતા.

આ અભ્યાસમાં ભાગ લેનાર લોકોની સરેરાશ ઉંમર ૫૩ વર્ષ હતી અને તેમાંથી ૭૫ ટકા મહિલાઓ હતી.

આ અભ્યાસ બૉડી માસ ઇન્ડૅક્સ, ડાયાબિટીસ અને અન્ય વર્તનને લગતી લાક્ષણિકતાઓ અંગે અનુકૂલન (ઍડજસ્ટમેન્ટ) કરાયા પછી અમેરિકન સૉસાયટી ઑફ નેફ્રૉલૉજીની ક્લિનિકલ જર્નલમાં પ્રસિદ્દ થયો હતો. અભ્યાસનું તારણ એવું નીકળ્યું હતું કે જે લોકો અભ્યાસની શરૂઆતમાં બીજા વ્યક્તિ દ્વારા ધૂમ્રપાનનો શિકાર બન્યા હતા તેમને કિડનીની બીમારી થવાનું જોખમ ૪૪ ટકા હતું.

સંશોધકોએ કંઈ એમ ને એમ આ તારણ નથી કાઢ્યું. તે માટે તેમણે નવ વર્ષ જેટલા લાંબો સમય લીધો છે. જે લોકો એક સપ્તાહમાં ત્રણ વાર બીજાના ધૂમ્રપાનનો શિકાર બન્યા હતા તેમને જેઓ બીજાના ધૂમ્રપાનનો શિકાર જ નહોતા બન્યા તેમની સરખામણીમાં કિડનીની બીમારી થવાનું જોખમ ૫૮ ટકા વધી ગયું હતું.

અગ્રણી લેખક અને સિઓલમાં યોન્સેઇ યુનિવર્સિટીમાં નેફ્રૉલૉજિસ્ટ ડૉ. જુંગ ટાક પાર્કે કહ્યું હતું, “બીજા દ્વારા ધૂમ્રપાનના શિકાર બનવાથી જોખમ દેખીતી રીતે વધી જાય છે. તેનાથી માત્ર કિડનીની બીમારી જ નથી થતી પરંતુ ફેફસાનું કેન્સર અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ પણ થાય છે. હું લોકોને ગભરાવવા આમ નથી કહેતો, પરંતુ કિડનીની બીમારી એવી છે જેમાં તમે તેને પાછી વાળી શકતા નથી (મટાડી શકતા નથી). જ્યારે તે કામ કરવાનું બંધ કરે છે ત્યારે તેને સુધારી શકાતી નથી. તેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તે થવાનું જોખમ દૂર કરવું અથવા ઘટાડવું.”