મક્કે દી રોટી કેમ ભોજનમાં કેમ હોવી જોઈએ?

મે ફિલ્મો કે ટીવી સિરિયલોમાં પંજાબી પાત્રોના મોઢે અચૂક આ સંવાદ સાંભળ્યો હશે- ચલ ઓય ખોતિયા ઘર પે તેરી ભાભી દે હાથ કી મક્કે દી રોટી તે સરસોં દી સબ્જી ખાયેંગે. પંજાબમાં બહુ ખવાતી આ મક્કે દી રોટી એટલે શું?મક્કે દી રોટી એટલે મકાઈનો રોટલો. મકાઈને આપણે અલગ-અલગ ભાષાઓમાં ભુટ્ટા, મકાઈ અને ચલ્લી પણ કહીએ છીએ. તેને તેલુગુમાં મોક્કા જોનાલુ, તમિલમાં મક્કાચોલમ, મલયાલમમાં ચોલમ, કન્નડમાં મુસુકિના જોલા, ગુજરાતીમાં મકાઈ, મરાઠીમાં મકઈ અને બંગાળીમાં ભુટ્ટા કહીએ છીએ. મકાઈનો છોડ મોટો અને પાંદડાથી ભરેલો હોય છે. તે મૂળ તો અમેરિકા અને મેક્સિકોમાં ઉગનારો છોડ છે. આજકાલ બજારોમાં બાફેલી અને રસવાળી મકાઈ પણ ખાવા માટે મળે છે જે સ્વાદિષ્ટ હોય છે. તેને આપણે સ્વીટ કૉર્ન કહીએ છીએ. ફાઇબર, વિટામીન, કેરોટિનૉઇડ્સ વગેરે પોષક તત્ત્વોનો ભરપૂર સ્રોત હોય છે. જાડા અનાજના રૂપમાં ઘણા જૂના સમયથી તેનો વપરાશ કરાતો રહ્યો છે. ઘઉંની રોટલીની સરખામણીમાં મકાઈની રોટલીને પચાવવી સરળ હોય છે અને તે ઘણી સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમાં ફાઇબરની હાજરીના કારણે એક તરફ વજન વધતું રોકવામાં તે મદદ કરે છે તો બીજી તરફ કાર્બૉહાઇડરેટનો તે ઘણો સારો સ્રોત છે. તેના લીધે તે ખાવાથી શરીરમાં આખ દિવસ ઊર્જા રહે છે. તે ઉપરાંત પણ તેના અનેક સારા સ્વાસ્થ્ય સંબંધી ફાયદા હોય છે. તો ચાલો, જાણીએ કે ભોજનમાં મકકે દી રોટીનો સમાવેશ કરવાથી આપણને શું-શું ફાયદો મળે છે.

વજનને નિયંત્રિત કરો. મકાઈમાં કાર્બૉહાઇડ્રેટસ ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરને ઊર્જા તો આપે જ છે, સાથે તેના સેવનથી આખો દિવસ પેટ પણ ભરેલું ભરેલું લાગે છે. આના લીધે તમને ભૂખ લાગ લાગ નથી કરતી અને તમે વધુ ભોજન કરવાથી બચી જાવ છો. આમ, સ્થૂળતાથી પરેશાન લોકો માટે આ સારો વિકલ્પ છે.

કૉલેસ્ટ્રૉલ ઘટાડવામાં- શરીરમાં કૉલેસ્ટ્રૉલ ઓછું કરવા માટે મકાઈની રોટલી જમી શકાય છે. મકાઈની રોટલી કે રોટલામાં હાજર પોષક તત્ત્વ કૉલેસ્ટ્રૉલને ઓછું કરીને કોષોને બ્લૉક થતાં રોકે છે. તેનાથી હૃદયની બીમારી આઘી રહે છે.

આંખોનું તેજ – મકાઈમાં વિટામીન એ અને બીટા કૅરૉટિન ઘણી માત્રામાં મળી આવે છે. તે આંખો માટે ઘણું ફાયદાકારક હોય છે. મકાઈની રોટલી ખાવાથી રતાંધળા જેવી આંખોની સમસ્યાઓથી બચાવ થાય છે. ઘી સાથે મકાઈની રોટલી ખાવાથી તમારી આંખોની ઉંમર અને તેજ વધે છે.

હાડકાંઓને મજબૂત બનાવે છે- મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર મકાઈની રોટલી ખાવાથી હાડકાંઓનું ઘનત્વ વધે છે. તે ઉપરાંત તેમાં ઝિંક અને ફૉસ્ફરસ પણ મળી આવે છે. તે આર્થરાઇટિસ, ઑસ્ટિયૉપાઇરોસિસ જેવા રોગોના બચાવમાં પણ તે કામમાં આવે છે.

એનિમિયાથી બચાવે છે- એનિમિયા વિટામીન બી૧૨ અને ફૉલિક એસિડની ઉણપથી થતો હોય છે. મકાઈમાં આ બંને તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. મકાઈમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. જે નવા રક્તકણોનું નિર્માણ કરે છે.

એન્ટિ કેન્સર વિશેષતા- સંશોધનમાં જાણવા મળ્યું છે કે મકાઈમાં રહેલાં એન્ટિ ઑક્સિડન્ટ કેન્સર સામે લડવાની ક્ષમતા રાખે છે. મકાઈમાં રહેલો ફેરુલિક એસિડ સ્તન અને લીવરની ગાંઠને નષ્ટ કરે છે તેમજ સ્તન અને લીવરના કેન્સર થવાની સંભાવના ઘણી હદ સુધી ઘટાડી નાખે છે.

ગર્ભાવસ્થા દરમિયાન પણ લાભદાયક- મકાઈના દાણામાં ફૉલિક એસિડ હોય છે. આથી ગર્ભવતી મહિલાઓ માટે તે ઘણી લાભદાયક હોય છે. ગર્ભવતી મહિલાઓમાં ફૉલિક એસિડની ઉણપ હોય તો જન્મ લેનારું બાળક નબળું અને કુપોષિત પેદા થાય છે. આથી ગર્ભવતી મહિલાઓએ તો મકાઈને પોતાના આહારમાં જરૂર સમાવિષ્ટ કરવી જોઈએ.