નવી દિલ્હીઃ ભારત અને ચીન સહિત દુનિયા આખીના પ્રમુખ દેશોના વિરોધ બાદ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યૂમીનિયમ પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવા સાથે જોડાયેલા નિર્ણય પર મહોર મારી છે. ટ્રમ્પે જણાવ્યું કે ગ્લોબલ માર્કેટમાં સ્ટીલ ડમ્પ કરનારા દેશો વિરૂદ્ધ પગલું ભરવું રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનું હતું.આ દ્વારા અમેરિકાના લોકોની નોકરીઓ જઈ રહી હતી અને ઈકોનોમીને પણ વ્યાપક અસર પહોંચી હતી. ટ્રમ્પે જણાવ્યું કે લાંબા સમયથી ચાલી આવી રહેલી આ બીમારીને દૂર કરવા માટે અમે લોકો મહત્વનું પગલું ઉઠાવવા જઈ રહ્યાં છીએ. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાની સ્ટીલ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી.
કેનેડા – મેક્સિકોને રાહત, 15 દિવસમાં નિયમ થશે લાગુ
આ નવા નિર્ણયથી કેનેડા અને મેક્સિકોને રાહત મળી છે. એટલે કે કેનેડા અને મેક્સિકોથી સ્ટીલ અને એલ્યૂમીનિયમની આયાત પર અમેરિકી સરકાર વધારે ડ્યૂટી નહી વસૂલે. 2016માં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે વાયદો કર્યો હતો કે જો હું સત્તામાં આવીશ તો આ પ્રકારના ટેરીફ દ્વારા અમેરિકાના ઘરેલુ ઉદ્યોગોને બચાવીશ.
અમેરિકી સરકારે દાવો કર્યો છે કે આ પગલાંથી દેશમાં હજારો લોકોની નોકરી બચશે. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ જે સમયે ટેરીફ સાથે જોડાયેલા આ આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યાં હતાં તે સમયે સ્ટીલ અને એલ્યૂમીનિયમ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા કામદારો ઉપસ્થિત પણ હતાં. નવો નિયમ 15 દિવસમાં લાગુ થઈ જશે.