પાકિસ્તાન અદાલતે આપ્યો મુશર્રફની ધરપકડનો આદેશ, સંપત્તિ પણ કરાશે જપ્ત

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની એક વિશેષ અદાલતે પાકિસ્તાન સરકારને પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફની ધરપકડ કરવા અને તેની તમામ સંપત્તિ જપ્ત કરવા નિર્દશ કર્યો છે. અદાલત મુશર્રફ પર લગાવવામાં આવેલા દેશદ્રોહના આરોપની સુનાવણી કરી રહ્યું હતું. જેમાં તેમને પાકિસ્તાનમાં વર્ષ 2007માં રાજકીય કટોકટી લગાવવાને કારણે અપરાધી જાહેર કરવામાં આવ્યા છે.આપને જણાવી દઈએ કે, 74 વર્ષના પરવેઝ મુશર્રફ પર પાકિસ્તાનમાં રાજકીય કટોકટી લગાવવા માટે માર્ચ 2014માં દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કટોકટી લગાવવાને કારણે પાકિસ્તાનની અનેક મોટી અદાલતોના જજને તેમના ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આશરે 100 ન્યાયાધિશોને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આ મામલે પેશાવર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશની અધ્યક્ષતામાં ત્રણ સદસ્યોની ખંડપીઠે આ મામલે ગત આઠ મહિનામાં આ પ્રથમ સુનાવણી કરી છે.

મહત્વનું છે કે, માર્ચ 2016માં પાકિસ્તાન છોડીને દુબઈ જતા રહેલા પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની અદાલતે મે-2016માં ભાગેડુ જાહેર કર્યા હતા. જો મુશર્રફ દેશદ્રોહના મામલામાં દોષી પુરવાર થશે તો તેને આજીવન કારાવાસ અથવા મોતની સજા કરવામાં આવી શકે છે. ઉપરાંત અદાલતે પરવેઝ મુશર્રફની ધરપકડની સાથે તેની સંપત્તિ જપ્ત કરવા પણ આદેશ આપ્યો છે.