ડિપ્રેશનની યોગ્ય સારવારમાં સંકોચ ન રાખો…

આજે મહિલાઓ સૌથી વધુ કોઇ રોગનો ભોગ બનતી હોય તો એ છે ડિપ્રેશન. જે ડિપ્રેશનનો ભોગ બને છે એને પોતાને પણ ખબર નથી હોતી કે તેની માનસિક હાલત ખરાબ છે કે તેને યોગ્ય સારવારની જરૂર છે. ડિપ્રેશનના શિકાર થયેલા દર્દીને ખબર નથી હોતી પરંતુ તેની આજુબાજુના લોકોને જરૂરથી ખબર પડે છે.

ડિપ્રેશનના કારણે થનારી પરિસ્થિતિને ટાળવા માટે પહેલેથી તેને કાબૂમાં લેવા માટે તેના લક્ષણો જાણવા ખૂબ જરૂરી છે. સતત બે અઠવાડિયા સુધી દર્દીમાં બદલાવ દેખાય અથવા તો એના સ્વભાવમાં, હાવભાવમાં સતત ફેરફાર દેખાય તો ડોક્ટરને બતાવવામાં સહેજ પણ સંકોચ ન રાખવો જોઇએ.

મૂડ કયા માણસનો નથી બદલાતો? દુખી કોણ નથી થતુ દરેક લોકો થાય છે. પરંતુ જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય ત્યારે એ તમને હંમેશા ઉદાસ જ જોવા મળશે. ઉદાસીનતા દર્દીનો ક્યારેય પીછો નથી છોડતી. સામાન્ય માણસમાં એવુ હોય છે કે ઝઘડો કે વાત પૂરી થતા, તેનુ સોલ્યુશન આવી જતા તેનો મૂડ બદલાય જાય છે અને તે ખુશ થઇ જાય છે. પરંતુ ડિપ્રેશનના દર્દીમાં આવો કોઇ જ પ્રકારનો બદલાવ નથી આવતો. ડિપ્રેશનનો શિકાર થયેલી વ્યક્તિ કોઇપણ કારણોસર ખુશ નથી થઇ શકતી. આ એક સૌથી મહત્વનું અને ધ્યાન લેવા લાયક લક્ષણ છે. દરેક વસ્તુમાંથી એ વ્યક્તિનો આનંદ ઓછો થતો જાય છે. અને જોવા જઇએ તો મહિલાઓ ડિપ્રેશનનો ભોગ વધુ બનતી હોય છે. ઘરમાં સવારથી લઇને રાત સુધી રહેતી મહિલાઓ સતત કામ કરતી હોય છે. આવા સમયે તેઓ વિચારોના વમળમાં ખોવાય જતી હોય છે. ત્યારે ઘણીવાર એવુ પણ બનતુ હોય છે કે ઘરની સ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, સંબંધોને લઇને મહિલાઓ દિવસ દરમિયાન સતત આ પ્રકારના વિચારો કરતી રહેતી હોય છે. સતત આવા વિચારો કરતા ધીમે-ધીમે તે આમા સપડાય જતી હોય છે અને બહાર આવવાનો પ્રયત્ન કરતી હોવા છતાં એ નથી આવી શકતી. પૂરેપૂરી રીતે ડિપ્રેશનનો શિકાર બની જતી હોય છે.

દરેક વ્યક્તિના પોતાના શોખ હોય છે, એમાં પણ ખાસ કરીને મહિલાઓને તો અનેક શોખ હોય છે. પોતાની ગમતી વસ્તુ ખરીદવાની, પોતાને ગમે એવી વસ્તુઓ કરવાની ખૂબ મજા આવતી હોય છે. મૂડ ખરાબ હોય ત્યારે બહાર ફરવા લઇ જાઓ અથવા તો ગમતુ કામ કરવા આપો તો મૂડ સારો થઇ જતો હોય છે. પરંતુ ડિપ્રેસ્ડ વ્યક્તિ સાથે આવુ નથી બનતુ. તમે એ વ્યક્તિને ગમે તેટલી ખુશ કરવાનો પ્રયાસ કરશો છતાં પણ કોઇ ફરક નથી પડતો. કોઇ મહિલાને નવી નવી વાનગી બનાવવાનો ખૂબ શોખ હોય છે, નવા વિડીયો જોઇને નવી વાનગી બનાવતી હોય છે પરંતુ અચાનક આ કામમાંથી એનો શોખ ઓછો થઇ જાય છે. જે માહોલ, વાતાવરણ એ વ્યક્તિને મજા આપતુ હતુ હવે એમાં પણ એ વ્યક્તિ ખુશ નથી થઇ શકતી. તો આ પણ એક લક્ષણ છે કે પહેલા જે વસ્તુ ગમતી હતી તેનો શોખ, તેની ખુશી ઓછી થઇ જાય છે અને ધીમે-ધીમે એ ખુશી જીવનમાંથી ગાયબ જ થઇ જાય છે.

ડિપ્રેશનનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને ઊંઘ સાથે છે. કોઇ વ્યક્તિને ઊંઘની તકલીફ હોય તો પણ ડિપ્રેશન આવી શકે છે. ડિપ્રેશનમાં કોઇ વ્યક્તિને ઊંઘ એકદમ વધુ આવે છે તો કોઇને એકદમ ઓછી ઊંઘ આવે છે. કોઇ વ્યક્તિ ખૂબ વધુ પડતુ સૂવા લાગે અથવા તો રાતે ઊંઘ ન આવે, જાગ્યા કરે તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ભૂખનું પણ આ રીતે જ છે. ડિપ્રેસ્ડ વ્યક્તિ અચાનક ખૂબ વધારે ખાવા લાગે છે અથવા તો ખાવાનું ઓછુ કરી દે છે. ઘણા વ્યક્તિઓ ખાવાનું એકદમ બંધ પણ કરી દે છે જેથી વ્યક્તિનું વજન ખૂબ ઓછુ થઇ જાય છે અને ખાવાનું વધારી દેતા વજન વધી જાય છે. ડિપ્રેશનના આ લક્ષણને પણ ધ્યાનમાં લેવુ ખૂબ જરૂરી છે. અન્ય એક એવુ લક્ષણ છે કે જે ડિપ્રેસ્ડ વ્યક્તિમાં જોવા મળે છે. દુનિયામાં કંઇ પણ વસ્તુ થાય કે કાંઇ ખરાબ થાય તો પોતાને જવાબદાર સમજે છે અને કંઇ પણ ખરાબ ઘટે છે એ એની સાથે જ ઘટે છે એવુ વિચારી બેસે છે. હું ખૂબ જ બિચારો છું, કંઇ જ કરી શકુ એમ નથી એવા એના વિચારો થઇ જાય છે.

ડિપ્રેશનમાં માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક અસર પણ થાય છે. વ્યક્તિની કામ કરવાની અને વિચારવાની પ્રક્રિયા પણ ધીમી થઇ જાય છે. આ પ્રકારની પ્રક્રિયા એવી હોય છે કે જે આસપાસના લોકોને જોતા જ ખબર પડી જતી હોય છે કે આ વ્યક્તિ ડિપ્રેશનમાં છે. ડિપ્રેશનના કારણે અમુક પ્રકારની બેચેની પણ થતી હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે આવા સમયે ડિપ્રેસ્ડ વ્યક્તિને આત્મહત્યાના સતત વિચાર આવ્યા કરે છે. આવી પરિસ્થિતિને અવગણવી ન જોઇએ. આવી પરિસ્થિતિમાં ડિપ્રેસ્ડ વ્યક્તિનું ખાસ ધ્યાન આપી સાથે જ રહેવુ જોઇએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]