જમ્મુ-કશ્મીર: અનંતનાગમાં પોલીસ પાર્ટી પર હુમલો, લશ્કરનો આતંકી ઠાર

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરના અનંતનાગ જિલ્લામાં પોલીસની પેટ્રોલિંગ પાર્ટી ઉપર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે જ્યારે જવાબી કાર્યવાહીમાં એક આતંકી ઠાર મરાયો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આતંકીઓએ અનંતનાગ જિલ્લાના અચબાલ વિસ્તારમાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો. જોકે સુરક્ષા દળોએ સમય રહેતા જવાબી કાર્યવાહી કરી હતી અને આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસની જવાબી કાર્યવાહીમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક આતંકી ઠાર મરાયો હતો. જેની પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા.

ઘટનાક્રમ અંગે માહિતી આપતા સ્થાનિક પોલીસકર્મીએ જણાવ્યું કે, બન્ને તરફથી સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આતંકીઓના ફાયરિંગમાં પોલીસનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કશ્મીર ઘાટીમાં ગત કેટલાક દિવસોમાં આતંકીઓએ તેમની રણનીતિમાં બદલાવ કર્યો છે. હવે તેઓ સુરક્ષાદળોના પરિજનોને પોતાનો ટાર્ગેટ બનાવે છે અને તેમનું અપહરણ કરે છે. જોકે સુરક્ષાદળોએ કોઈ પણ સ્થિતિમાં આતંકીઓને જવાબ આપવા વ્યૂહરચના ઘડી કાઢી છે. અને જમ્મુ-કશ્મીર વિસ્તારમાં સેના અને પોલીસ દ્વારા આતંકીઓ વિરુદ્ધ મોટું આપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.