ખજૂર પે અટકેઃ ટ્રેજેડી-કૉમેડી કે બીચ લટકે

ફિલ્મઃ ખજૂર પે અટકે

કલાકારોઃ મનોજ પાહવા, સીમા પાહવા, વિનય પાઠક, સના કપૂર

ડિરેક્ટરઃ હર્ષ છાયા

અવધિઃ આશરે બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 1/2

2016માં ડિરેક્ટર રાજેશ માપુસ્કર (‘ફેરારી કી સવારી’વાળા)ની મરાઠી ફિલ્મ આવેલી, ‘વેન્ટિલેટર’, જેમાં એક બહોળા પરિવારના વડીલ ગંભીર માંદગીમાં સપડાતાં એમને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે ને એમનાં તમામ સગાંવહાલાં (ટોટલ 116 કેરેક્ટર અથવા 116 કલાકાર) હૉસ્પિટલમાં ભેગા થાય છે. લેખક-દિગ્દર્શક હર્ષ છાયાની ‘ખજૂર પે અટકે’માંય મામલો લગભગ આવો જ છે. મુંબઈમાં રહેતા દેવીન્દરભાઈ સેમી-કોમા અવસ્થામાં સરી પડતાં હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવે છે. એમનો દીકરો લખનૌમાં રહેતા દેવીન્દરભાઈના મોટા ભાઈ ને પોતાના કાકા જિતીન્દર (મનોજ પાહવા)ને સમાચાર આપે છે. વધુપડતા ઈમોશનલ એવા જિતીન્દર ધડાધડ ભાઈબહેનોને (વિનય પાઠક-ડૉલી અહલુવાલિયા)ને ફોન કરે છે, પોતે સપરિવાર પ્લેન પકડીને મુંબઈ ધસી આવે છે. એ જ રીતે કોઈ ઈંદોરથી, કોઈ ભોપાળથી સર્વે મુંબઈ દોડીને હૉસ્પિટલમાં દેવીન્દરભાઈનાં પત્ની કાદંબરી (અલકા અમીન) ને પુત્ર આલોક પાસે પહોંચી જાય છે. એમની મનઃ સ્થિતિ કાદંબરીબહેન પુત્રને કહે છેઃ “પાપા અભી જિંદા હૈ ઔર આ ગયા પૂરા ખાનદાન માતમ મનાને”. તો આલોક એની ગર્લફ્રેન્ડને કહે છેઃ “યાર, એક તો પાપા કા કૂછ પતા નહીં ચલ રહા ઔર ઉપર સે યે સારે સર પે ઈકઠ્ઠા હુએ પડે હૈ.”

આ આખી પરિસ્થિતિને ડિરેક્ટરે ફ્રેમની બહારથી જોવાનો પ્રયાર કર્યો છેઃ દિવસ વીતતા જાય છે, પણ પરિસ્થિતિ યથાવત રહે છે. ત્યારે બહારગામથી આવેલાં સગાં દ્ધિધામાં મુકાય છે કે હવે કરવું શું? ફિલ્મમાં આ સિચ્યુએશનને ટ્રાફિક લાઈટ્સ સાથે સરખાવવામાં આવી છેઃ “લાઈટ સાલી ન લાલ થાય છે ન લીલી. બસ, પીળી પર અટકી ગયા છે”. સગાંવહાલાંને એ ખબર નથી પડતી કે દરદીના સાજા થવાની રાહ જોવી? કે એમનો જીવ નીકળી જાય એની?

કોઈ મુંબઈ-દર્શન પર નીકળી પડે છે તો કોઈ મુંબઈ આવ્યાં છીએ તો પાર્લરમાં જઈ આવીએ, કોઈ ઍક્ટિંગમાં હાથ અજમાવવા નીકળી પડે છે જુવાનિયા ડાન્સ બારમાં પહોંચી જાય છે, તો અમુક વડીલો હૉસ્પિટલના ફૉયરમાં છોકરીનાં લગ્ન માટે મીટિંગ યોજી લે છે.

વિષય ગંભીર છે, પણ એની માવજત હળવાશથી કરવામાં આવી છે. પેશન્ટનાં સગાંવહાલાં જે રીતે વર્તે છે એમાંથી રમૂજ નિષ્પન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પણ હ્યુમર હજુ વધારે ફૂટવી જોઈતી હતી. અમુક ઠેકાણે દિગ્દર્શક પોતે કન્ફ્યુઝ થઈ ગયા છે કે આને ઈમોશનલ બનાવવી કે સ્ટાર્ટ-ટુ-ફિનિશ કૉમેડી? કાશ, લેખન હજુ ચુસ્ત બનાવવામાં આવ્યું હોત.

મનોજ પાહવા-સીમા પાહવા-વિનય પાઠક-ડૉલી અહલુવાલિયા-અલકા અમીન જેવા સશક્ત, રંગભૂમિના કલાકાર યથાશક્તિ ફિલ્મને ઉભારવા પ્રયાસ કરે છે, પણ લેખક જ જ્યાં દ્વિધામાં હોય ત્યાં એ લોકો કરે પણ શું?

જો વીકએન્ડમાં તમારી પાસે કરવા જેવું કોઈ કામ ન હોય, ને એક ગંભીર વિષય પર બનેલી ટ્રેજી-કોમિક ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો જ ‘ખજૂર પે અટકે’ જોવા જજો.

(જુઓ ‘ખજૂર પે અટકે’નું ટ્રેલર)

httpss://youtu.be/Q2S3M-zIndM

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]