દેશની 400 કંપનીઓ લઇ રહી છે ભાગ, ACMA વેલ્યુ ચેઇન સમિટનો પ્રારંભ

ગાંધીનગર– ઓટોમોબાઇલ ક્ષેત્રના રોકાણકારો-ઊદ્યોગકારો માટે ગુજરાત સંપૂર્ણ ઇકોસીસ્ટમ વેલ્યુ ચેઇન ધરાવે છે. જેનું ગૌરવ લેતાં સીએમે ACMA આયોજિત વેલ્યૂ ચેઇન સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. મેન્યૂફેકચરિંગ હબ સાથે ગુજરાત ઓટો હબ પણ બન્યું છે એમ તેમણે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ઓટોમોટીવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડીયા ACMA આયોજીત વેલ્યુ ચેઇન સમિટનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું.ACMAની  આ દ્વિદિવસીય સમિટમાં દેશભરના 400 ઉપરાંત ઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરર્સ અને કાર ઉત્પાદક કંપનીઓ ભાગ લઇ રહી છે. ભારતની ઓટોમોટિવ મેન્યૂફેકચરિંગ ઇકો સીસ્ટમમાં ગુજરાતનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. રાજ્યમાં કુલ એન્જીનિયરિંગ ઉત્પાદનમાં ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝનું યોગદાન 3.7 ટકા છે અને 2020 સુધીમાં વધારીને 10 ટકાએ પહોચાડવાના સરકારના પ્રયત્ન છે.મારુતિ સૂઝૂકી, ટાટા મોટર્સ, ફોર્ડ, હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર્સ જેવા અગ્રગણ્ય ઓટોમોબાઇલ ઉત્પાદકો અને એપોલો, એમઆરએફ, મેકસીસ, સિયેટ જેવી કંપનીઓ સાથે એન્સીલિયરીઝ ઊદ્યોગ પણ ગુજરાતમાં રોજગારી આપી રહ્યાં હોવાની નોંધ લેવાઇ હતી.આ પ્રસંગે હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર્સ ઇન્ડિયાના CEO મિનોરૂ કાટો, ફોર્ડ ઇન્ડિયાના એમડી અનુરાગ મહેરોત્રા, મારુતિ સુઝૂકી ઇન્ડિયાના CEO કિન્ચી આચુકાવા અને તાતા મોટર્સના ચીફ પ્રોકયોરમેન્ટ ઓફિસર થોમસ ફલાકે ગુજરાતમાં ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝને રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ અને પ્રોત્સાહક નીતિઓની પ્રશંસા કરી હતી.