કબીર સિંહઃ વિકૃત પ્રેમકથા

0
4273

ફિલ્મઃ કબીર સિંહ

કલાકારોઃ શાહીદ કપૂર, કિયારા અડવાની, સુરેશ ઑબેરૉય

ડાયરેક્ટરઃ સંદીપ રેડ્ડી વાંગા

અવધિઃ 174 મિનિટ (આશરે ત્રણ કલાક)

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ

જગતમાં સ્માર્ટ ફોન શોધાયા એને પગલે સમયાંતરે એમાં અવારનવાર અપડેટ્સ પણ આવતા રહ્યા. અર્થાત તમારો ફોન એન્ડ્રોઈડ હોય કે આઈઓએસ, એનાં નવાં નવાં વર્ઝન આવતાં રહેતાં હોય છે. અનેક વેળા વપરાશકાર બૂમાબૂમ કરતા હોય છે કે નવા અપડેટેડ વર્ઝનમાં ઘણા પ્રોબ્લેમ છે. મૂળ તેલુગુ અર્જુન રેડ્ડીની હિંદી રિમેક ‘કબીર સિંહ’ જૂના ને જાણીતા, પ્રેમમાં નાસીપાસ થઈને સેલ્ફ-ડિસ્ટ્રક્શન મોડ પર જતા રહેલા ‘દેવદાસ’નું અપડેટેડ વર્ઝન છે, જેમાં અનેક પ્રોબ્લેમ છે. હીરો ડૉક્ટર છે, જેને પોતાને અર્જન્ટલી ઈલાજની જરૂર છે. હીરોઈન, પણ, ક્વૉલિફાઈડ ડૉક્ટર છે, જે હરહમેશ પોતાનું અપમાન કરાવવા તૈયાર છે, હીરો ડૉક્ટરની કામવાળીથી કાચનો ગ્લાસ તૂટી જતાં ડૉક્ટર ગુસ્સામાં રાતોચોળ થઈને એને મારવા દોડે છે. આ સીનને કૉમેડી તરીકે રાખવામાં આવ્યો છે, જે રમૂજી કરતાં વિકૃત વધુ લાગે છે.

ફિલ્મની વાર્તા આટલી જ છેઃ દિલ્હી મેડિકલ કૉલેજમાં ભણતા ડૉ. કબીર સિંહ એની જુનિયર ડૉ. પ્રીતિના પ્રેમમાં પડે છે. જો કે પ્રેમમાં પડે છે એ તો અન્ડરસ્ટેટમેન્ટ થયું. પહેલા દિવસથી પ્રીતિ સાથે કબીરનું વર્તન એ જાણે એની બાપીકી મિલકત હોય એવું છે. તેલુગુ-હિંદી ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ કબીરનું પ્રીતિ પ્રત્યે ઑબ્સેશન બતાવવાના ચીતરી ચડે એવા અમુક સીન્સ દાખવ્યા છે. આવા સીન્સ વખતે બૅકગ્રાઉન્ડમાં સોંગ વાગે છે એના શબ્દો જુઓઃ “તુઝીપે હી તો મેરા હક હૈ”.. ખેર. કબીરનો બીજો પણ એક પ્રોબ્લેમ છેઃ એ જરાજેટલી વાતમાં વાતમાં ગુસ્સે થઈ જાય છે- કોઈની પણ ઉપરઃ બેસ્ટ ફ્રેન્ડ્સ, ગર્લફ્રેન્ડ, ભાઈ-બાપુજી, સાથી દાક્તર- કોઈની ઉપર (એ શું કામ આવો છે એનું કોઈ જસ્ટિફિકેશન સર્જક આપતા નથી. ભણવાનું પૂરું કરી બન્ને મુંબઈ પાછાં આવે છે, પણ કબીરના પ્રેમને પ્રીતિના પરિવાર તરફથી મંજૂરી ન મળતાં કબીર શહેરની એક મોટી હૉસ્પિટલમાં આલ્કોહોલિક સર્જન બની જાય છે.

આજથી બાવીસ વર્ષ પહેલાં આપણા મેહુલ કુમારે ‘મૃત્યુદાતા’ નામની ફિલ્મ બનાવેલી, જેમાં અમિતાભ બચ્ચનનું કેરેક્ટર ડૉ. રામ પ્રસાદ ઘાયલ ચિક્કાર ઢીંચીને ઑપરેશન કરે છે. જો કે પછી વાર્તા જુદો જ વળાંક લઈ લે છે. જ્યારે અહીં અન્કન્વેન્શનલ લવ સ્ટોરી અથવા હટકે પ્રેમકહાણી બતાવવાના નામે સ્ત્રી-દ્વેષ સિવાય બીજું કંઈ નથી. સીન આફ્ટર સીન નારીનાં હડહડતાં અપમાન કરવામાં આવે છે. જરા આ જુઓઃ કબીર લવર પ્રીતિને એના ઘરની બહાર એક અડબોથ લગાવે છે ને અલ્ટિમેટમ આપે છેઃ “છ કલાકમાં મારા ઘરે આવી જજે, નહીંતર”… બીજો સીનઃ કબીરનો એક સાઈડકિક જેવો ફ્રેન્ડ છે શિવા. કબીર શરાબ-ડ્રગ્ઝની લત છોડી જીવનમાં સ્થિર થાય એ હેતુસર એ કબીરને ઑફર કરે છેઃ “બોલ, (મેરી બહેન) વિદ્યા સે શાદી કરેગા”? ઓ હેલો, વિદ્યાને તો પૂછ કે એને આવા દારૂડિયા-ગંજેરી સાથે લગ્ન કરવા છે કે નહીં? પછી એ જ કહે છેઃ “શી રિયલી લાઈક્સ યૂ”. શાબ્બાશ. હૉસ્પિટલમાં પણ કબીર જૂનિયર મહિલા ડૉક્ટર, નર્સ પર સતત તાડૂક્યા કરે છેઃ “નો લિપ્સ્ટિક ઈન ઑપરેશન થિયેટર”. ક્યાબ્બાત.

ફિલ્મના એક પણ કેરેક્ટરમાં કોઈ ભલીવાર નથી, કોઈ ઊંડાણ નથી, કથા-પટકથા લખવામાં બુદ્ધિ-તર્કને તડકે મૂકી દેવામાં આવ્યાં છે, એક પણ ગીત થિયેટરની બહાર નીકળ્યા બાદ યાદ રહેતું નથી. શાહીદ કપૂરે એનું કેરેક્ટર પરફેક્ટલી ભજવ્યું હોવા છતાં એની પ્રત્યે અહોભાવ થતો નથી. શરૂઆતના અમુક સીન્સ કિયારા અડવાનીએ આશ્ચર્યજનક ખરાબ ભજવ્યા છે. કબીરના પિતા બનતા સુરેશ ઑબેરોય શરૂઆતના એક સીનમાં કહે છેઃ “કોઈ પણ ચીજના ઊંડાણમાં ગમેતેટલા જાઓ, હાથમાં તો ઝીરો જ આવશે”.

ફિલ્મ જોઈને બહાર નીકળ્યો ત્યારે થયું કે આ સંવાદ દ્વારા લેખક-દિગ્દર્શકે બિગનિંગમાં જ આપણને ચેતવણી આપી દેવામાં આવેલી, જે ખરેખર સાચી નીકળી.

(જુઓ ‘કબીર સિંહ’નું ટ્રેલર)

httpss://youtu.be/RiANSSgCuJk