દાસ દેવઃ પ્યાર-પાવર-ગોળી ને ગાળાગાળીની ચકરાવે ચડાવતી કૉકટેલ

ફિલ્મઃ દાસ દેવ

કલાકારોઃ રાહુલ ભટ્ટૃ, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, સૌરભ શુક્લા

ડિરેક્ટરઃ સુધીર મિશ્રા

અવધિઃ આશરે સવા બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★

મિશ્રા સુધીર પોતાની નવી ફિલ્મ ‘દાસ દેવ’ની વાર્તા માટે બે કૃતિને શ્રેય આપે છેઃ 1917માં પ્રકાશિત થયેલી સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘દેવદાસ’ ને વિલિયમ શેક્સપિયરનું નાટક ‘હેમ્લેટ’. બન્નેમાં કૉમન છે દુઃખી અથવા ટ્રેજિક હીરો. આ બન્ને દુઃખી નાયકને ભેળવી, એને (તથા અન્ય પાત્રોને) આજના રાજકારણમાં ફિટ કરી સુધીરભાઈએ દેવદાસનું પોતાનું વર્ઝન બનાવવાની ટ્રાય કરી છે. પ્રેમમાં નિષ્ફળ ગયેલા પ્રેમીની વાર્તાને પોલિટિકલ પૃષ્ઠભૂ આપી એને રેલેવન્ટ બનાવી ત્યાં સુધી વાંધો નહોતો, પણ એની પર આટલાં બધાં આવરણ ચડાવવાની શી જરૂર હતી, ભલા? ત્યાં સુધી કે ફિલ્મ પોતાના જ બોજ નીચે કચડાઈ ગઈ. ગમે તે ભોગે સત્તા મેળવવા માગતાં પાત્રોની રીતસરની ધક્કામુક્કી છે.

સરતબાબુનો દેવ પ્રેમમાં નાસીપાસ થતાં દારૂના રવાડે ચડે છે, જ્યારે આજનો દેવ (રાહુલ ભટ્ટ) પહેલેથી જ આલ્કોહોલિક છે. ઉત્તર પ્રદેશના એક “સમાજવાદી નેતા કા અસામાજિક બેટા” દેવ બાળવયે પિતા (અનુરાગ કશ્યપ)ને એક હેલિકોપ્ટર-ક્રૅશમાં ગુમાવી દે છે. એ પછી દેવની આસપાસ છેઃ પિતાની ગાદી પર આવેલા ચાચા (સૌરભ શુક્લા), ચાચાનો ટેકેદાર (દલીપ તાહિલ), પાવર બ્રોકર ચાંદની (અદિતિ રાવ હૈદરી), છે જે સ્માર્ટ ફોન પર ગમે તેને ઉડાવી દેવાની સુપારી આપે છે, સત્તાના સોદા કરે છે, વગેરે. ચુનાવ આવી રહ્યા છે ને ચાચા બીમાર પડી જતાં બધી જવાબદારી દેવ પર આવી જાય છે. દેવ જીત મેળવી જનતા માટે કંઈ કરવા માગે છે. દેવની બચપનની ગર્લફ્રેન્ડ પારો (રિચા ચઢ્ઢા)ના પિતા (અનિલ જ્યૉર્જ) અવધેશ માટે કામ કરે છે. અને પછી તો ડ્રાઈવર વિનાના એન્જિનની જેમ વાર્તા આડેધડ ફંટાવા માંડે છેઃ બોક્સાઈટની ખાણનો બિઝનેસ, બિશંભરના મોતનું રહસ્ય, રાતના અંધકારમાં સળગી ઊઠતાં ખેતર, મકાન, વધુ એક વળાંક, વધુ એક સબ-પ્લોટ, વિપક્ષ કે નેતા (વિપિન વર્મા) સાથે પારોનાં લગ્ન….ઉફ્ફ. અંતે રહસ્ય છતાં થાય છે ત્યાં સુધીમાં પ્રેક્ષક ધીરજ ગુમાવી બેઠો હોય છે.

ફિલ્મ જોઈને નવાઈ એ લાગે કે આમાં દેવદાસ કે હેમ્લેટ ક્યાં આવ્યા? મિશ્રા ધારત તો ઉત્તર પ્રદેશમાં રાજકીય વારસા માટે ખેલાતા ખૂની દાવપેચ (પ્રકાશ ઝા સ્ટાઈલ) પર એક વેગળી ફિલ્મ બનાવી શક્યા હોત. જો પટકથા પર થોડું વધુ કામ થયું હોત તો ઈન્ડિયન પોલિટિક્સની પૃષ્ઠભૂમાં ખરેખર એક સારી મૉડર્ન ‘દેવદાસ’ બની શકી હોત.

(જુઓ ‘દાસદેવ’નું ટ્રેલર)

httpss://youtu.be/ihwimHKNTnI

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]