ત્વચારોગોમાં ચેપ આપતી આવી આદત ટાળો

ણા લોકોની ટેવ હોય છે કે તેઓ બેઠાંબેઠાં પોતાના કાન, નાક, આંખ અને ક્યાંય પણ ખંજવાળતા હોય છે અથવા અડતાં હોય છે. પરંતુ શું તમને ખબર છે કે શરીરનાં સાત મહત્ત્વનાં અંગો છે જેને ક્યારેય સ્પર્શવું ન જોઈએ. આપણા પૂર્વજો અને આપણા વડીલો પણ આપણને આવી સલાહ આપતા હતા કે તમે નાક કે બીજા કોઈ અંગને અડ્યાં હો તો હાથ ધોઈ નાખવા. પશ્ચિમી વિજ્ઞાનની સલાહ આવી તે પહેલાંની આ સલાહ હતી. જો તમે પૂજા કરતા હશો તો તેમાં પણ પ્રાણાયામ કર્યા પછી પુરોહિત તમને હાથ ધોવાનું કહેશે.આનું કારણ એ હતું કે આ અંગોને સ્પર્શવાની ટેવ તમને બીમાર પાડી શકે છે. તેને સ્પર્શવાથી જ ચેપ ફેલાવવાનો ખતરો રહે છે. અત્યાર સુધી જો તમને આ જાણકારી નહોતી તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. આરોગ્ય નિષ્ણાતો મુજબ, ચેપને દૂર રાખવા માટે કેટલીક વાતો જાણવી જરૂરી  છે. અને તેમાંની એક વાત એટલે એ કે શરીરનાં અંગોને સ્પર્શવું નહીં.

ઘણા લોકો પોતાની આંખો મસળે છે. ક્યારેક દુઃખાવાના કારણે તો ક્યારેક સળવળાટ થવાના કારણે. આંખો સંવેદનશીલ અને નાજુક અંગ છે. તે સૌથી ઝડપથી ચેપ પકડી લે છે, પરંતુ તેને મસળતી વખતે આ વાતનું ધ્યાન રાખવામાં આવતું નથી. તેને સ્પર્શવાથી પણ ચેપ લાગી શકે છે કારણકે હાથ અને નખના કીટાણુ આંખોમાં ચાલ્યા જાય છે. આથી આંખોમાં ખંજવાળ વધે છે અને તે ધીરેધીરે ચેપનું સ્વરૂપ લઈ લે છે.

રોજ પોતાનો ચહેરો ધોવો જ જોઈએ. એ સારી ટેવ છે. સ્નાન કર્યા પછી તો બધાનો ચહેરો સ્વચ્છ થઈ જ ગયો હોય છે, આમ છતાં કેટલાક લોકોની ટેવ હોય છે કે તેઓ નહાયા પછી પણ પોતાના ચહેરા વિશે સતર્ક હોય છે અને સતત તેને સ્પર્શીને જુએ છે. ચહેરા પર તેલ લલગાડવું કે પછી તેને વારંવાર હાથથી સાફ કરવો એ જોખમી છે. આવા લોકોને ચહેરા પર ખીલની સમસ્યા થાય છે. તેનું કારણ આ પણ હોઈ શકે છે કારણકે વારંવાર હાથ લગાડવાથી કિટાણુના કારણે ચેપ લાગવાની શક્યતા રહે છે. ત્વચાની સમસ્યા થાય છે. આથી સાવધાની રાખવી જોઈએ.

આ ઉપરાંત ઘણા લોકોને કાનમાં ખંજવાળવાની ટેવ હોય છે. તેઓ કાનને હાથથી સાફ કરે છે. કેટલાક લોકો મોટા ભાગે કાનમાં ખંજવાળ આવે ત્યારે તેને હાથથી કે કોઈ અન્ય ચીજથી સાફ કરવાની કોશિશ કરે છે. પરંતુ તે ઘણું જોખમી છે. તેનાથી કાનની અંદર ઇયર કેનાલ પર અસર પડે છે. તેને નુકસાન થઈ શકે છે.

આ જ રીતે લોકો કાન, આંખની જેમ નાકમાં પણ આંગળી નાખીને સાફ કરે છે. પરંતુ ક્યારેય એ નથી વિચારતા નથી કે જેનાથી તે ગંદકી કાઢે છે તેનાથી હકીકતે ગંદકીને આમંત્રણ આપે છે. હાથના જીવાણુ નાકમાં જવાના કારણે નાકમાં ચેપ અને સતત કરવાથી ફૂગનો ચેપ પણ ફેલાઈ શકે છે.

નાકને સાફ કરવાનો સૌથી સાચો રસ્તો સ્વચ્છ કપડું કે ટિશ્યૂ છે. તેને સાફ કરવાથી ક્યારેય ચેપનો ખતરો રહેતો નથી.

આ જ રીતે ગુદા શરીરનો એવો ભાગ છે જેને સ્પર્શવાથી કેટલીક બીમારીઓ ફેલાઈ શકે છે. તે એક અતિ સંવેદનશીલ વિસ્તાર છે. ગુદામાં બૅક્ટેરિયાની માત્રા વધુ હોય છે. એવામાં જ્યારે આ બૅક્ટેરિયાવાળો હાથ શરીરનાં બીજાં અંગો પર લગાવશો તો ચેપ ફેલાવાનું જોખમ વધે છે.

નખ કાપતી વખતે ઘણી વાર અંદરની ત્વચા ગંદી દેખાય છે. લોકો પોતાના હાથથી જ નખ તોડી નાખે છે અથવા નેલ કટરથી તેને સાફ કરે છે. પરંતુ તે જોખમી છે. તેનાથી ફંગલ ઇન્ફૅક્શન થવાની જોખમ રહે છે.

જોકે આ ટેવ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે, પરંતુ નાના છોકરાઓને ટેવ હોય છે. તેઓ મોઢામાં હાથ નાખવાની ટેવ હોય છે. આ ટેવ બીમારીઓને આમંત્રણ આપવા જેવી છે. ભલે તમે ગમે તેટલા હાથ સાફ કર્યા હોય તો હાથમાં બૅક્ટેરિયા ત્વચામાં ચોંટેલી હોય છે. તેના કારણે બૅક્ટેરિયા તમારા મોઢામાં જવાની શક્યતા રહે છે.

આ જ કારણ છે કે હિન્દુ શાસ્ત્રોમાં હાથ જોડીને નમસ્તે કરીને અભિવાદનની ટેવ રખાઈ છે જેથી ચેપ ન લાગે. હવે તો પશ્ચિમી તબીબી વિજ્ઞાન પણ એ સ્વીકારે છે. તદુપરાંત નવજાત શિશુને પણ માતા સિવાય કોઈ ન અડે તેવું તબીબો કહેતા હોય છે. હોઠથી હોઠનું ચુંબન પણ આરોગ્યની દૃષ્ટિએ બરાબર નથી. તેમાંય હવે કેટલાંક માબાપો તો પોતાના નવજાત શિશુ કે બાળકને હોઠથી હોઠનું ચુંબન કરે છે તેનાથી કામવિકૃતિ જાગવાની શક્યતા તો રહે જ છે પરંતુ સાથોસાથ બીમારીને આમંત્રણ પણ મળે છે.