‘મહેનતની મૂડીએ મને લતા મંગેશકર બનાવી’

‘ભારત રત્ન’થી સમ્માનિત, ભારતવાસીઓ-ગીતસંગીતપ્રેમીઓનાં આદરણીય અને સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર આજે એમનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. એમણે આયુષ્યનાં 90 વર્ષ પૂરાં કરી લીધાં છે. 1929ની 28 સપ્ટેંબરે ઈંદોરના મરાઠા પરિવારમાં જન્મેલાં લતાજીનાં પિતાનું નામ પંડિત દીનાનાથ મંગેશકર અને માતાનું નામ શેવંતી હતું. લતાજીનું પહેલું નામ હેમા હતું, પાંચ વર્ષ માતા-પિતાએ એમનું નામ લતા રાખ્યું હતું. આઠ દાયકાથી પણ વધારે સમય સુધી ભારતનાં સ્વર બની રહેલાં લતા મંગેશકરે 30થી વધારે ભારતીય ભાષાઓમાં હજારો ફિલ્મી તથા બિન-ફિલ્મી ગીતો ગાયાં છે. એમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા…


‘બરસાત’ના ‘જીયા બેકરાર હૈ’ અને ‘મહલ’ના ‘આયેગા આનેવાલા’ ગીતથી લતાની સફળતાનો જે સિલસિલો શરૂ થયો એ આજે ‘દિલ સે’ના ‘જિયા જલે જાં જલે’ અને ‘હુતુતુ’ના ‘છઈ છપ્પા છઈ’ ગીત સુધી ચાલુ રહ્યો છે. લતા મંગેશકરે આ ખાસ મુલાકાતમાં એમની જિંદગીની કિતાબનાં પાનાં ખોલી નાખ્યાં છે.

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ બે લેખ છે દીપોત્સવી ૧૯૯૯ અંકનો)


સિત્તેરમે વર્ષે ભૂતકાળની સફર કરો ત્યારે શું લાગે છે? જિંદગીમાં શું મેળવ્યું ને શું ખોયું છે?

લતા મંગેશકર, એમનાં સહ-પાર્શ્વગાયિકા બહેન આશા ભોસલે

લતા મંગેશકરઃ આટલો બધો સમય વીતી ગયો એ વાત માન્યામાં જ નથી આવતી. જો કે જિંદગીથી જરા પણ ફરિયાદ નથી, કારણ કે જિંદગીએ જે કલ્પ્યું પણ નહોતું એ બધું જ મને આપ્યું છે. હું જિંદગીથી ખુશ છું અને મારામાં રમમાણ રહું છું. ઓછી જગ્યાએ જાઉં છું, ઓછું ગાઉં છું, ઓછી મુલાકાતો આપું છું. ઉસ્તાદોની ગાયકી સાંભળું છું. ગઝલો સાંભળવી ગમે છે. મારાં ગીતો ઓછાં સાંભળું છું.

આજનો દોર તમને કેવો લાગે છે?

સંગીતની દુનિયાના પંચતારક ગાયકોઃ મીના, ઉષા, લતા, આશા અને હૃદયનાથ મંગેશકર

લતા મંગેશકરઃ દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. સંગીતમાં પણ ઘણું ઘણું બદલાયું છે. ક્યારેક લાગે છે કે આજના દોરમાં અમે ફિટ નથી.

તમને કઈ મૂડીએ લતા મંગેશકર બનાવ્યાં?

સહ-ગાયક મુકેશ સાથે

લતા મંગેશકરઃ મહેનત. આખી જિંદગી મેં કાળી મહેનત કરી છે. સંગીતક્ષેત્રે મારા પિતાજીએ આપેલું શિક્ષણ અને શરૂઆતમાં ગુલામ હૈદર જેવા સંગીતકારોએ આપેલા આશીર્વાદ મને કામ આવ્યાં છે.

તમારું વ્યક્તિત્વ ધીરગંભીર છે. શું તમે ક્યારેય ધમાલમસ્તી નથી કરી?

લતા મંગેશકરઃ લતા સુંદર હતી ત્યારે મસ્તી કરતી હતી. ભાઈબહેનો સાથે ઢીંગલા-ઢીંગલાની રમતો રમતી. લગ્નો કરતી અને નાના ભાઈબહેનોને ધમકાવીને સુવડાવી દેતીઃ ‘ચલો સો જાઓ, ચોર આ ગયા હૈ. અને બધી મીઠાઈ પોતે જ આરોગી જતી. તેર વર્ષની ઉંમરે એના માથેથી પિતાનું છત્ર ઊઠી ગયું ત્યારે અચાનક એને લાગ્યું કે એ ખૂબ મોટી થઈ ગઈ છે અને એણે મસ્તીભર્યા જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવો પડ્યો.’

શું તમે ઈમોશનલ છો?

અભિનેતા દિલીપ કુમાર સાથે

લતા મંગેશકરઃ હું ખૂબ જ સંવેદનશીલ છું. વાત સમજાય તો ઠીક છે, પણ જેને લીધે સંવેદના ન જળવાય એ કામ હું ન કરું. કોઈ લાખ વાર મનાવે તોય નહીં. એ રીતે કહી દઉં કે હું જિદ્દી છું. ક્યારેક ઈમોશનનો ગેરલાભ ઉઠાવનાર આવી જાય છે એમને ધીમે ધીમે કાપવા માંડું છું.

નવામાં કયો કલાકાર સૌથી વધુ ગમે છે?

લતા મંગેશકરઃ એ.આર. રહમાન ખૂબ જ પ્રતિભાશાળી છે. કેટલાય પ્રયોગો કરતો રહે છે. એના સંગીતથી હું પ્રભાવિત છું. જતિન-લલિત પણ સારું કામ કરે છે. આર.ડી. બર્મનને એણે આત્મસાત્ કર્યા હોય એવું લાગે છે. ગાયકોમાં ઉદિત નારાયણનો અવાજ અલગ અને સારો છે.

તમારા મતે જિંદગીની વ્યાખ્યા શી છે?

લતા મંગેશકરઃ જિંદગીનું બીજું નામ નિ:સ્વાર્થ ભાવે બીજાને આપ્યા કરવું એ છે.

ગાવા સિવાય તમને બીજા કયા શોખ છે?

લતા મંગેશકરઃ રસોઈ સારી બનાવું છું. ઘરવાળા પણ પ્રશંસા કરે છે. કેટલાય દિવસોથી જિંદગી વિશે કંઈક લખવામાં વ્યસ્ત અને વ્યગ્ર છું.

તમને કેવા લોકો પ્રભાવિત કરે છે?

લતા મંગેશકરઃ સંગીત પર પકડ હોય, મહેનતુ હોય અને મહેનતના જોરે અશક્યને શક્ય કરી દેખાડે તેવા લોકો.

આવતા જન્મમાં શું બનવું ગમશે?

લતા મંગેશકરઃ હું પુન:જન્મમાં માનું તો છું, પણ મારું ચાલે તો ફરી જન્મ જ ન લઉં. આ જન્મ જ મારો છેલ્લો જન્મ હોય એવું ઈચ્છું છું.

આજે ભગવાન પાસે શું માગે છો?

લતા મંગેશકરઃ શ્રદ્ધાથી એટલો જ સવાલ કરીશ કે ‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાયી તૂને કાહે કો દુનિયા બનાયી, તૂને કાહે કો દુનિયા બનાયી?’


(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ બે લેખ છે 28 સપ્ટેંબર, 1992 અંકનો)


હું માત્ર સમર્પિત ગાયિકા છું, સંપૂર્ણ નહીં!

દુનિયાભરના સંગીતરસિકો પર પોતાના કંઠનાં કામણ પાથરનારી સ્વરકિન્નરી લતા મંગેશકરને ફિલ્મોમાં પાર્શ્ર્વગાયિકા તરીકે પ્રવેશ્યાને ૫૦ વર્ષ પૂરાં થાય છે અને નિમિત્તે પ્રગટ થનારા ‘સાત સૂરોં કે સા\’ `yસ્તકનો એક રસપ્રદ અંશ.

(આલેખન: હરીશ ભીમાણી)


ડેટ્રોઈટ શહેરનું મહત્ત્વ અમેરિકા માટે કાર ઉત્પાદનની રાજધાનીથી વિશેષ નથી પરંતુ લતા મંગેશકર માટે આ શહેરનું મહત્ત્વ ઘણું હતું. ફોર્ડ કારના નિર્માતા હેનરી ફોર્ડે ઊભા કરેલા ફોર્ડ ઓડિટોરિયમમાં કાર્યક્રમ રજૂ કરવાનો હતો. કાર્યક્રમના ગીતોની યાદી બતાવતાં મેં લતાજીને પ્રશ્ર્ન કર્યો: ચાલો ત્યારે આપનું કામ પૂરું થયું. હવે મારું કામ શરૂ થશે.

‘પૂરું કયાંથી થયું? કામ શરૂ કરવાની ચિંતા હવે જ તો શરૂ થશે.’

‘આપને શેની ચિંતા? આપે તો સ્ટેજ પરના પ્રોગ્રામોથી શરૂઆત કરેલી. પ્લેબેક સીંગીંગ તો બહુ પાછળથી આવ્યું.’

‘જે હોય તે, મને સાંજના પોણા આઠ વાગ્યાની નહીં, રાતના પોણા અગિયાર વાગ્યાની ચિંતા છે.’ (જ્યારે પ્રોગ્રામ પૂરો થવાનો હતો.)

આમને કોઈ કેવી રીતે સમજાવે? નવ વરસની ઉંમરથી જે છોકરીને સ્ટેજ પર ગાવાનો મહાવરો છે એને આજે ૪૭ વરસ પછી અને લગભગ ૩૦ હજાર ગીતો ગાયાં બાદ અસંખ્ય પુરસ્કારો મેળવ્યા પછી એક કાર્યક્રમની થોડી ક્ષણો પહેલાં ચિંતા થાય શા માટે? ‘હરીશભાઈ, તમે તો જાણો છો કે હું બહુ સ્ટેજ પ્રોગ્રામ કરતી નથી. અને સ્ટેજ પ્રોગ્રામોમાં મોટે ભાગે જૂનાં ગીતો ગાવાનાં હોય છે એટલે લોકોની મારી પાસેની અપેક્ષા વધી જાય છે. એટલું જ નહીં, અગાઉ અનેકવાર સાંભળેલું ગીત ફરી સાંભળતી વખતે પ્રેક્ષક એવી અપેક્ષા રાખે છે કે અમે રેકર્ડમાં સાંભળ્યું છે એ જ રીતે કલાકાર અમારી સમક્ષ ઊભા રહીને ગાઈ સંભળાવે. સ્ટેજ પર રિ-ટેક થાય નહીં એ તો બધા જાણે છે. જે ગાયું તે લોકોએ સાંભળ્યું. એટલે ચાહકો પ્રત્યે મારી જવાબદારી ઘણી વધી જાય છે. મને સતત ભય રહે છે: કોઈ ખોટો શબ્દ નહીં ગવાઈ જાય ને? ખોટી જગાએથી ગીતનો ઉપાડ ન થઈ જાય. મુખડું અને અંતરા વચ્ચે કેટલું પાર્શ્ર્વસંગીત છે? આલાપ કેટલોક લાંબો અને કેવો છે? એટલે હું બને તેટલું સરસ ગાવાનો પ્રયાસ કરું છું. આમેય હું કંઈ શ્રેષ્ઠ ગાયિકા તો નથી જ.’

અમે બન્ને ખડખડાટ હસી પડ્યાં. પછી વાતનો દોર સાંધી લેતાં લતાજીએ કહ્યું:

‘કારકિર્દીનો આરંભ મેં સ્ટેજથી કર્યો એમ કહેવું યોગ્ય નહીં ગણાય. બચપણમાં હું ગાતી’તી કારણ કે સંગીત અમારા લોહીમાં હતું. બાબા (પિતાજી) ખૂબ શીખવતાય ખરા. પરંતુ સ્ટેજ પર ગાવાની વાત કરતા હો તો બાબા સાથેનાં એ બે-ત્રણ વરસ પછી સ્વતંત્ર રીતે મેં બહુ ઓછું ગાયું છે. બાબાની વિદાય પછી માસ્ટર વિનાયક સાથે કરેલાં થોડાં નાટકોમાં ગીતો રહેતા પરંતુ આ બે અલગ બાબત છે. કિશોરાવસ્થામાં ગાવાનું ચાલુ રાખ્યું કારણ કે પરિવારના નિર્વાહ માટે એ એક જ આવડત હતી મારી પાસે. ફિલ્મ ઉદ્યોગમાં આવ્યા પછી અન્ય લોકોના આગ્રહ પછી સ્ટેજ પર જે ગાયું એ જુદી વાત છે. બાકી મેં સ્ટેજ કાર્યક્રમો કરવાની હિંમત નહોતી દેખાડી. આજકાલનાં ગાયક-ગાયિકાઓ તાલીમ-કાળમાં જ સ્ટેજ પર ગાવાની હિંમત શી રીતે કરે છે એનું મને આશ્ર્ચર્ય થાય છે. ફિલ્મોમાં આવ્યા પછી ખરેખર સારું-શ્રેષ્ઠ ક્યારે ગાઉં એનો જ મને ઈંતેજાર હતો.’

તો સ્ટેજ પર કાર્યક્રમ કરવાનું આપને ક્યારે યોગ્ય લાગ્યું?

‘વિદેશોમાં કાર્યક્રમો રજૂ કરવાનો નિર્ણય મેં લીધો ત્યારે મનમાં ખૂબ દ્વિધા હતી. એક સપનું સેવેલું. એ સાકાર થશે કે નહીં એની મને પોતાને ખબર નહોતી.’

સપનું? મને તો લાગે છે કે ટોચની ગાયિકા માત્ર સ્ટેજ પ્રોગ્રામની ઈચ્છા વ્યક્ત કરે એ સાથે પ્રમોટરોની લાઈન લાગી જાય. મારા આ શબ્દો સાંભળીને એ બોલી ઊઠ્યાં: ‘પરંતુ ગાયિકામાં હિંમત તો હોવી જોઈએને?’

એ દિવસોમાં લતાનો સંઘર્ષકાળ પૂરો થયો હતો. ફિલ્મસૃષ્ટિમાં એ સ્થિર થઈ રહ્યાં હતાં પરંતુ હજુ સુસ્થાપિત થયાં નહોતાં. ‘એ દિવસોમાં… અમે હજુ નાનાચોક પર રહેતા. વૈભવશાળી પેડર રોડ પર આજે રહીએ છીએ ત્યાં તો બહુ પાછળથી આવ્યા… ત્યારે મેં કારનેગી હૉલ નામે એક અંગ્રેજી ફિલ્મ જોયેલી…

અમેરિકાના એ મશહૂર હૉલમાં થતા કાર્યક્રમો અને ગાયક કલાકારને તેમના ચાહકો દ્વારા મળતાં માન-અકરામ તથા ચાહનાની વાત હતી… એ ફિલ્મ જોયા પછી રોજ રાત્રે મને સપનું આવતું કે કોઈ વિદેશમાં એ જ પ્રકારનો લાંબો વિદેશી ડ્રેસ પહેરીને હું ગાઈ રહી છું. લોકો સાંભળીને મસ્તીમાં ઝૂમે છે. તાળીઓનો અવિરત ગડગડાટ સંભળાય છે… મારી સાથે એવા જ વિદેશી સાજિંદા છે…’

તો પછી તમે સ્ટેજ કાર્યક્રમો કેમ શરૂ ન કર્યા? આપણા દેશથી આરંભ કરી શક્યા હોત. ત્યાં સુધીમાં તો તમારા ઘણાં ગીતો લોકપ્રિય થઈ ચૂક્યા હશે.

‘હા ઘણાં ગીતો હિટ નીવડયાં હતાં… પરંતુ મને ડર લાગતો હતો કે હજુ તો હું શીખી રહી છું. અત્યારથી સ્ટેજ શો કઈ રીતે કરી શકું? થોડું સારી ગાતી થાઉં પછી વાત. પરંતુ એ પછી તો રેકૉર્ડિંગ વધતાં ચાલ્યાં… તમે તો જાણો છો. થોડાં વરસો સુધી હું રોજના ત્રણ-ચાર કે પાંચ ગીતો રેકર્ડ કરતી. અઠવાડિયાં, મહિના અને વરસો વીતતાં ચાલ્યાં… એ દરમિયાન કોઈ નક્કર દરખાસ્ત પણ નહોતી આવી. શક્ય છે, કદાચ મારી અપેક્ષા પણ વધી ગઈ હશે…’

તો પછી શરૂઆત શી રીતે થઈ? પ્રશ્ર્ન સાંભળીને થોડી ક્ષણો વિચાર્યા બાદ લતાજીએ કહ્યું- ‘તમે જાણો છો કે હું કોની પ્રશંસક (ફૅન) છું?’

ના. પરંતુ થોડાક ટોચના શાસ્ત્રીય ગાયકો ઉપરાંત કોના પ્રશંસક છો એ જાણવાની ઉત્કટ ઈચ્છા રહી છે ખરી.

‘ઉમ્મે કુલસુમની હું ફૅન છું.’

ઈજિપ્તની મશહૂર ગાયિકા ઉમ્મે કુલસુમની વાત કરો છો?

‘હા. એ મને ખૂબ સારી ગાયિકા લાગી છે. ભાષા છો ન સમજાય. એનાં ગીતો હું સતત સાંભળતી રહી છું. લોકો એને ઈજિપ્તની લતા મંગેશકર કહે છે એવું સાંભળ્યું છે. એ ખોટું કહેવાય. એ મારા કરતાં ઘણી મોટી ગાયિકા છે. મને કેમ કોઈ ભારતીય ઉમ્મે કુલસુમ નથી કહેતું? એવું કહે તો મને ખૂબ ગમે… હા. તો ૧૯૬૨માં કુલસુમ ૫૦ વર્ષની થઈ ત્યારે કેરોમાં એક ભવ્ય પ્રોગ્રામ થયેલો જેની રેકર્ડ ખાસ મગાવીને મારા રૂમમાં એકલા બેસીને ફરી ફરીને મેં સાંભળી. એનાં ગીતો તો ઉત્કૃષ્ટ છે જ પરંતુ દરેક ગીત પછી થોડી ક્ષણો સુધી તાળીનો જે ગડગડાટ સંભળાતો… ઓહોહો. મારું રોમેરોમ પુલકિત થઈ જતું. એવું લાગતું જાણે લોકોએ કુલસુમને પોતાના માથે ચડાવી દીધી છે. એક ગજબની ફિલિંગ થતી.’

કોઈ પણ કલાકારને આહ્લાદના સર્વોચ્ચ શિખરે લઈ જનારો. હર્ષની ચરમસીમા પર લઈ જનારો એ અવાજ સાંભળીને ભારતની આ ઉમ્મે કુલસુમ મોકળા મને રડી પડેલી. અલબત્ત, એનાં હીબકાં બેડરૂમની ચારેય દીવાલો સિવાય કોઈએ સાંભળ્યાં નહોતાં. કોણ જાણે શેનાં આંસુ હતાં એ! હર્ષના કે પછી આવું ક્યારેય પોતાની કારકિર્દીમાં બનશે ખરું. એવા વિચારનાં હતાં એ આંસુ! વિદેશોમાં મારા સ્ટેજ પ્રોગ્રામમાં આ રીતે હજારો ચાહકો આવશે ખરા? અને આવે તો મારા જીવંત કાર્યક્રમોની આવી લાઈવ રેકર્ડ યા કેસેટ બહાર પડશે? એવી દહેશત જાગી હશે એમને?

ફક્ત બે વર્ષ પછી. ત્યારના સંરક્ષણ પ્રધાન વી.કે. કૃષ્ણ મેનનની વિનંતી સ્વીકારીને લતા મંગેશકરે લંડનના ભવ્ય તેમ જ ઐતિહાસિક આલ્બર્ટ હૉલમાં સતત ત્રણ દિવસમાં ત્રણ સ્ટેજ પ્રોગ્રામ રજૂ કર્યા. એ કાર્યક્રમને કેવી જબરદસ્ત સફળતા મળી. હૉલ ખીચોખીચ ભરાઈ જવા ઉપરાંત બહાર એથીય મોટી સંખ્યામાં કેટલા ચાહકો નિરાશ વદને ઊભા હતા અને પ્રોગ્રામની ટિકિટોનાં કેવાં કાળાંબજાર થયાં એ તો ઈતિહાસનું એક પ્રકરણ બની ગયું છે. આલ્બર્ટ હૉલના એ કાર્યક્રમનું ડબલ આલ્બમ પણ સંગીતરસિયાઓ માણી ચૂક્યા છે.

લતાજીની જીવનયાત્રા એટલે સાત સ્વરોના સાગરની સફર! મેં એમની સાથે કરેલા પ્રવાસના વર્ણન રૂપે-વેસ્ટ ઈન્ડિઝથી પ્રશાંત મહાસાગરનાં ફિજી ટાપુઓ સુધી, કેનેડાથી કલકત્તા સુધી બાર બાર વરસોનો સાથ-સહવાસ! એ દરમિયાન, ઈંદોરમાં જન્મથી માંડીને મુંબઈમાં વ્યસ્તતા સુધીની લતાજીની યથાર્થ છબીને દૂરબીન અને સૂક્ષ્મદર્શક યંત્ર બન્ને દ્વારા ઉપસાવવાનો મેં પ્રયાસ કર્યો. ‘સાત સૂરોં કે સાથ’ પ્રસ્તુત છે થોડા અંશ!

લતાજીનું જીવન, એમની વિચારવાની શૈલી અને એમના માનસનું પૃથક્કરણ કરે એવા સવાલોના જવાબો મેળવીને પરાકાષ્ઠાના પ્રશ્ર્ન રૂપે મેં થોડા ખચકાટ સાથે પ્રશ્ર્ન પૂછેલો: ‘ધારો કે આપને પુન:જન્મ મળે એટલું જ નહીં, એ જીવન જીવવાની તક તમારી પસંદગી પ્રમાણેની હોય તો આપ કેવું જીવન પસંદ કરશો?…. યાદ રાખજો. સુવર્ણકાળ પહેલાં તમે કારમો સંઘર્ષ કર્યો છે.’

સવાલ સાંભળીને લતાજીએ ન તો ટેપ રેકૉર્ડર બંધ કરાવ્યું ન થોડો વિચારવાનો સમય લીધો. એ તો તરત બોલી ઊઠ્યાં: ‘તમને કોણે કહ્યું કે મારે લતા મંગેશકર તરીકે જ પુનજન્મ જોઈએ છે? મને સામાન્ય વ્યક્તિ તરીકે જીવવાની ઈચ્છા છે.’ એમના આ જવાબથી મારા ચહેરા પર જે આશ્ર્ચર્ય અને પ્રશ્ર્નો પ્રગટ્યા હશે એ લતાજીએ જોયું હશે… અમારી વાતોને રેકૉર્ડ કરતું યંત્ર ચાલ્યે રાખતું હતું. ચહેરા પર વિજય સ્મિત ઝલકાવતાં તેમણે કહ્યું- ‘કેમ, ચોંકી ઊઠ્યા ને?’

હાસ્તો. સામાન્ય વ્યક્તિને જીવવા માટે કેટકેટલી સમસ્યાઓ સહેવી પડે છે. એની આપને ખબર છે ને? ‘પરંતુ સામાન્ય માણસને જો એ વાતની જાણ હોત કે લતા મંગેશકરને કેટલી બધી  સમસ્યાઓ છે તો એને કદી લતા મંગેશકર બનવાની ઈચ્છા ન જાગી હોત…’ આ ટચૂકડા વાક્યનું અનુસંધાન એક ગીતથી થયું: ‘સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની… દિલ મેં અરમાન હો એક છોટા સા બંગલા હો…’

નાનકડા બંગલાના શમણાને મનમાં મમળાવતી એ છોકરી આજે ન્યુયોર્કના પ્રતિષ્ઠિત ગણાતા મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં પોતાનો કાર્યક્રમ રજૂ કરવાની હતી… એ જ રેડિયો ઈન્ટરવ્યૂ દરમિયાન મેં એમને એક વેધક સવાલ પૂછી નાખ્યો હતો: આપણે આ ઈન્ટરવ્યૂ માટે આવ્યા એ પહેલાં આપે ફિલ્મ સેન્ટર સ્ટુડિયોમાં આર. ડી. બર્મન માટે એક ગીત રેકૉર્ડ કરાવ્યું. આપ પાંચ મિનિટમાં બહાર આવી ગયાં એટલે કે રેકૉર્ડિંગ પુરું થયા પછી એ સાંભળવા તમે રોકાયાં નહોતાં. મારા હિસાબે એનાં બે કારણ હોઈ શકે: કાં તો આપનો આત્મવિશ્ર્વાસ દ્રઢ છે કે જે ગાયું તે પરફેક્ટ હતું અથવા તમે કામ પ્રત્યે બેદરકાર થઈ ગયાં છો જે માની ન શાય એવું છે.

શાંતિથી આ આરોપી સાંભળી લીધા પછી તેમણે સ્વસ્થતાથી કહ્યું: ‘આ બન્ને કારણો ખોટાં છે: વાસ્તવમાં હું રેકૉર્ડ થયેલાં મારાં ગીતો સાંભળતાં ડરું છું.’

ડરો છો? ફરી મારું આશ્ર્ચર્ય ઊછળી પડ્યું. ‘હા, મારું ગાયેલું ને રેકૉર્ડ થયેલું ગીત ફરી સાંભળતા કોણ જાણે કેટલીય ભૂલો નજરે પડશે એવું મને લાગ્યા કરે છે. ક્યાંક કોઈ સ્વરમાં કચાશ રહી ગઈ હોય કે પછી શબ્દમાં રહેલી ભાવના સ્વરમાં સાકાર ન થઈ હોય! દરેક ટેકમાં આવી એક યા બીજી ભૂલ રહેવાની. કરી કરીને કેટલીવાર રિટેક કરતી રહું ને ભૂલો સુધારતી રહું! ગીત કેવું થયું છે એનો નિર્ણય કરવાનું હું રેકોર્ડિસ્ટ, સંગીતકાર તથા નિર્દેશક પર છોડી દઉં છું. અલબત્ત, સંગીતકાર નૌશાદ મને રેકૉર્ડિંગ પછી જબરજસ્તીથી રોકી રાખતા ખરા. આ ઓ. કે. થયેલા ટેક સાંભળીને જ જજો એવી વિનંતી કરી મિકસિંગ રૂમમાં લઈ જતા. રૂમમાં પહોંચતા જ દરવાજો અંદરથી બંધ કરી દેતા. ખંડમાં સાઉન્ડ રેકાર્ડિસ્ટ, ફિલ્મના નિર્માતા-નિર્દેશક, હું અને નૌશાદસાહેબ એકલાં જ હોઈએ. પછી નૌશાદસાહેબ બધા ટેક એક એક કરીને સંભળાવે અને એમાંથી કયા ટેકમાં મુખડું ઉત્તમ છે, કયો અંતરો ઉઠાવદાર છે અને પાશ્ર્વસંગીતમાં કયાં કયો ટુકડો સુંદર છે એનો અભિપ્રાય મારે આપવો પડે. છેલ્લો અમે બધા સાથે મળીને નિર્ણય કરતા કે રૂપેરી પરદે લાખો લોકો જે ગીત જોશે, રેકર્ડ યા કેસેટમાં સાંભળશે એનું આખરી સ્વરૂપ કેવું હશે! જો કે છેલ્લાં થોડા વરસોથી મેં રેકૉર્ડિંગ પછી મારાં ગીતો સાંભળવાનું સાવ છોડી દીધું છે.’

પોતાના કામની શ્રેષ્ઠતા, પોતાની યોગ્યતા અંગે જે કલાકાર સતત આ રીતે જાતની સમીક્ષા કરતો હોય એને પોતાનું સંગીત કેવું લાગતું હશે? સવાલ સાંભળીને થોડાક ગમગીન સાવરે લતાજી બોલી ઊઠ્યો: ‘મારા ગીતોનો આનંદ હું પોતે લઈ શકતી નથી કારણ કે સાંભળતી વખતે મારાં ગાયેલાં ગીતોને પણ હું સમીક્ષકના કાન વડે સાંભળું છું. આજ સુધીમાં લગભગ ૩૦ હજાર ગીતો મેં ગાયાં હશે પરંતુ તમે માનશો. મને પ્રત્યેક ગીતમાં ક્યાં કઈ ખામી રહી ગયેલી એ બરાબર યાદ છે. વરસો પછી આજે પણ એ ગીતો સાંભળતી હોઉં ત્યારે મનમાં થાય, મેં ભૂલ કરેલી એ પંક્તિ હમણાં આવશે. તરત જ હું અત્યંત વ્યાકુળ થઈને રેડિયો બંધ કરી દઉં. એકલી હોઉં ત્યારે જ એવું થઈ શકે. અન્યની હાજરીમાં એવું શક્ય ન બને એટલે ભૂલવાળી જગ્યા આવે એ પહેલાં હું હાજર રહેલા લોકો સાથે મોટે મોટેથી વાતો કરવા માંડું જેથી કોઈનું ધ્યાન એ તરફ  જાય. તાજેતરમાં ટીવી પર છાયાગીતમાં મારું એક ગીત આવ્યું ત્યારે ઘરમાં સ્વજનો અને મહેમાનો હાજર હતા. આટલા બધા લોકોની હાજરીમાં ખલેલ શી રીતે પાડવી? પરંતુ ભૂલવાળો અંતરો આવતાં જ હું ઝડપથી ઊઠીને રસોડામાં ગઈ અને વાસણો પછડાય એવા અવાજ કરવા માંડી જેથી કમ સે કમ મને તો ભૂલવાળો હિસ્સો ન સંભળાય. એટલો હિસ્સો વાગી ગયો પછી હું બહાર આવીને મારી જગ્યા પર ગોઠવાઈ ગઈ.’

ઊલટતપાસ કરતા વકીલની અદાથી મેં પ્રશ્ર્ન કર્યો: ‘પરંતુ રેકૉર્ડિંગ સમયે તમે એ ખામીએ સુધારી શક્યા હોત ને?’ તરત તેમણે કહ્યું: ‘મને લાગે છે કે કેટલાક ચાહકો અને પત્રકારોએ મને ખૂબ ઊંચા આસન પર બેસાડી દીધી છે. ઘણાએ મને સરસ્વતીનો અવતાર ગણાવી છે. મારાં ગીતો સર્વાંગ સુંદર – પરફેક્ટ હોય એવું તમારે શા માટે માનવું જોઈએ? હા, એ ખરું કે શ્રેષ્ઠતાનો મારો – તમારો માપદંડ જુદો હોઈ શકે. મને દેખાતી ભૂલો મોટા ભાગના લોકોના ધ્યાનમાં નથી આવતી. ધ્યાનમાં આવે એવા ઘણા લોકો એને સહ્ય ગણી લે છે. હું મારી જાતને માત્ર સમર્પિત ગાયિકા ગણું છું. સંપૂર્ણ (સર્વશ્રેષ્ઠ) નહીં.’

મૂળ વાતનો તંતૂ સાંધી લેતા તેમણે કહ્યું: ‘રેકૉર્ડિંગ પછી ગીત નહીં સાંભળવાનું ઓર એક કારણ છે ત્યાં વધુ પડતા વખાણ થાય છે. પુષ્પગુચ્છ, મિષ્ટાન્ન અને ફોટોગ્રાફ સુધી બધું ઠીક છે પરંતુ હાજર રહેલા લોકો ઘણીવાર એટલી બધી પ્રશંસા કરવા માંડે છે જાણે મારી કારકિર્દીનું એ શ્રેષ્ઠ ગીત હોય! ગીતની શ્રેષ્ઠતા વિશે મને પોતાને ખાતરી ન હોય તો બીજાનો અભિપ્રાય મારે શા માટે માની લેવો જોઈએ? એટલે મને અકળામણ થવા માંડે છે. આમાં ક્યા વખાણ સાચા છે અને ક્યા ખોટા. એ વ્યક્ત કરવાનું મારા માટે મુશ્કેલ બની રહે છે. કારકિર્દીના આરંભકાળનો એક પ્રસંગ મને યાદ આવે છે. હું ફિલ્મ લાઈનમાં તદ્દન નવી હતી. ઉંમર પણ નાની હતી. સંગીતકાર વસંત દેસાઈ સાથે રાજકમલ સ્ટુડિયોમાં એક ગીતના રિહર્સલ માટે ગયેલી. ત્યાં જઈને જોયું તો એ સમયની ટોચની ગાયિકા જોહરાબાઈ અંબાલેવાલીનું રેકૉર્ડિંગ થવાનું હતું. હું તો પહેલેથી જ તેમની ચાહક એટલે તેમને જોઈને નરવસ થઈ ગઈ. અધૂરામાં પૂરું વસંતરાવજીએ એમને કહ્યું: આઈયે, આપકો એક નઈ આવાઝ સુનાતા હું પછી મને કંઈક ગાવાનું કહ્યું. મેં એક ગીત સંભળાવ્યું. થોડું સાંભળીને જોહરાબાઈ અનાયાસે બોલી ઊઠ્યાં: ‘આહાહાહા, સુબ્હાન અલ્લાહ, કયા ગાતી હૈ લડકી. બહુત અચ્છે!’ મને થયું કે પોતે આટલી મહાન ગાયિકા છે અને મને સારું લગાડવા ખોટા વખાણ કરે છે! એટલે મેં કહી દીધું: તમે મારા ખોટા વખાણ કરો છો. તેમને સાંભળીને ગુસ્સો આવ્યો. છતાં તેમણે સમજાવટના સ્વરે કહ્યું: ઐસા નહીં કહતે, કહના ચાહિયે, અલ્લાહ કી બડી મહરબાની હૈ…’ એટલે મેં કહ્યું: મને એવું બધું બોલતાં નથી આવડતું… અને ખરેખર, હરીશભાઈ! ત્યારે જે સાચું હતું એ આજેય સાચું છે. મારા વખાણના જવાબમાં શું બોલવું એ સૂઝતું નથી એટલે હું ત્યાંથી નાસી જાઉં છું.’

ફિલ્મ ‘મહલ’નું પેલું ગીત ‘આયેગા… આનેવાલા’ જેને કારણે લોકોને ફિલ્મનું નામ યાદ છે એ ઘણા કારણોથી લતાજી માટે પણ યાદગાર છે. એ ઈન્ટરવ્યુ દરમિયાન અચકાતાં અચકાતાં મેં તેમને પૂછી નાખેલું: તમે હજારો ગીતો ગાયાં છે, ક્યારેક કોઈ ગીતના મહેનતાણાના પ્રશ્ર્ને છેતરાઈ ગયા જેવું નથી લાગ્યું?

‘કેટલીયવાર લાગ્યું છે. જો કે મેં એ રીતે છેતરાઈ ગયાની યાદી કે લિસ્ટ રાખ્યું નથી. અને ઘણાં મોટાં મોટાં નામ આવી ઘટનાઓ સાથે સંકળાયેલાં છે… પણ જવા દો. થયું તે થયું. મારે કોઈનાં નામ નથી લેવાં. એવા ઘણા લોકો છેતર્યા પછી પાછા બીજીવાર મારી પાસે ગવડાવવા આવે છે. પરંતુ એક યાદગાર ઘટના કહું તમને: ‘મેં ફિલ્મ ‘મહલ’નું એક ગીત ગાયેલું. હીરોઈનના કરુણ સ્વરોથી હીરો ખેંચાઈને ત્યાં જઈ ચડે છે. આ ગીતના પગલે મને ઘણી નામના મળી. નવા કરારો અને પૈસા મળ્યા પરંતુ આ ગીતના પૈસા આજ સુધી મળ્યા નથી.’ એ ગીત એટલે લાખો લોકોને મુગ્ધ કરી દેનારું ‘આયેગા… આનેવાલા’!

(રજૂઆત : અજિત પોપટ)