ઓલ ડે ફ્રેશ લૂક માટે અપનાવો આ સ્માર્ટ ટિપ્સ

વરાત્રિના ઢોલ કહો કે ડીજે ગૂંજવા લાગ્યાં છે અને જેવા મેઘરાજાએ વિરામ લીધો કે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે. બાકી જો વર્ષારાણીએ વરસવાનો નિર્ધાર કરી લીધો હોત તો ગરબાની રાણીઓ અને રાજાઓએ રેઇનકોટ પહેરીને ગરબા ગાવાનું ચાલુ રાખવું પડ્યું હોત. મેઘરાજાએ ખમૈયા કર્યાં છે અને લોકો ગરબાની રમઝટ માણી રહ્યાં છે. નવરાત્રિમાં તૈયાર થવાની વાત કરીએ તો ચણિયાચોળી અને એકસેસરીઝની સાથે સાથે નવરાત્રિમાં મેકઅપ પણ ઘણું મહત્વ ધરાવે છે. અને નવરાત્રિમાં ગરબે ઘૂમવા જાવ એટલે મેકઅપનો ભપકો તો હોવાનો જ ને!

અને હા, હવે તો યુવકો અને યુવતીઓ બંને મેકઅપ કરતા હોય છે. ત્યારે નવરાત્રિના દિવસો દરમિયાન તમારો લૂક ફ્રેશ રહે તે જરૂરી છે જોકે મોટી સમસ્યા ત્યારે થાય છે જ્યારે નવરાત્રિના બે ત્રણ દિવસમાં જ ઉજાગરા, થાક અને પ્રદૂષણને કારણે ચહેરા પરની ચમક ઓછી થતી જાય છે. તમે ભલે નવરાત્રિ પહેલાં બોડી પોલિશિંગ, વેક્સ,ફેશિયલ જેવી બ્યૂટી ટ્રીટમેન્ટ લીધી હોય પરંતુ નવરાત્રિ દરમિયાન ચહેરા પર ધૂળ, માટી વગેરે ઉડવાને કારણે ત્વચા કાંતિહીન બની જાય છે.

નવરાત્રિના બધાં જ દિવસોમાં તમે સ્ફૂર્તિલા અને સુંદર દેખાવ તે માટે આ ટિપ્સ જરૂર અપનાવજો….પછી જો જો કે છે કોઈ તમને કોઈ ગરબાક્વીન કે કિંગ બનતાં રોકી શકે એવું?

ચહેરાની વ્યવસ્થિત સફાઈ

ગરબામાંથી આવ્યાં બાદ ચહેરા પરથી બધો જ મેકઅપ કાઢી નાખો. ભલે તમે ગમે તેટલા થાક્યાં હો, પરંતુ મેકઅપ રીમૂવ કરીને જ સૂવું. મેકઅપ દૂર કરવા માટે બેબી ઓઇલ અથવા કોપરેલનો ઉપયોગ કરી શકો છો. મેકઅપ દૂર કર્યા બાદ ફેશવોશથી ચહેરો સાફ કરવો અને મોઇશ્ચરાઇઝર લગાવીને સૂવું.

 

જો તમને ધૂળ અને માટી ઉડવાથી પીમ્પલ થઈ ગયાં હોય તો એન્ટિબેકટેરિયલ ક્લિન્ઝરનો ઉપયોગ કરવો.

હેર ક્લિનઅપ

પરસેવાને કારણે  માથાંના વાળ અને માથાની ત્વચામાં મેલ જામી જાય છે તેમ જ ખંજવાળ પણ આવે છે. તેથી ગરબા રમીને આવો ત્યારે માથાંના વાળ કોરાં કરી લેવા, યુવતીઓએ હેરસ્ટાઇલ છોડીને વાળનો પરસેવો સૂકવી દેવો. જો તમે ગરબા રમીને આવીને ન્હાતાં હો તો એ માથાં તેમજ શરીર પરનો મેલ અને પરસેવો દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે પરંતુ થાકેલાં હો અને  ન્હાવાની ઇચ્છા ન હોય તો માથાનો પરસેવો લૂછીને ત્વચા પરનો મેકઅપ તો કાઢી જ નાખવો.

હોમ રેમિડિઝનો ઉપયોગ

મેલના કારણે ગળું ગરદન વગેર કાળું પડી જાય છે. અને સ્વાભાવિક છે કે રોજેરોજ પાર્લરમાં જવું શક્ય નથી તેથી ઘરે જ ક્લિનઅપ કરવું. ગળા, ગરદન , પગના પંજા અને કોણીની સફાઈ માટે લીબુંનો ઉપયોગ કરી શકાય તમને દિવસ દરમિયાનમાં જ્યારે સમય મળે ત્યારે લીબુંનો રસ ચહેરા, ગરદન, કોણી કે ઘૂંટણ પર લગાવી દેવો. તમે લીબુંની છાલ પણ ઘસી શકો છો. આમ કરવાથી ચહેરા પરની ગંદકી દૂર થશે અને ત્વચા ચોખ્ખી અને ચમકતી બની જશે.તમે હળદર, મસૂરદાળનો પાઉડર, ટામેટાના પલ્પનો પણ ઉપયોગ કરી શકો છો.

સ્ટિમ લેવી

નવરાત્રિના ચાર દિવસ પસાર થાય એટલે ચહેરા પર ગંદકીના થર જામવા લાગે છે. ચહેરો એકદમ ચોખ્ખો થઈ જાય તે માટે ચારેક દિવસે એકવાર સ્ટિમ લેવી જેથી ચહેરા પર જમા થયેલી બધી જ ગંદકી દૂર થઈ જાય.

દિવસ દરમિયાન જ્યારે પણ ચહેરો તૈલી લાગે ત્યારે ઠંડા પાણીથી ધોઈ નાખવો.

નવરાત્રિનો સમયગાળો હોય ત્યારે ઠંડી અને ગરમી એવી બે સિઝનનો અનુભવ થાય છે. જો તમારી ત્વચા તૈલીય હોય તો ચહેરા પર વધારે પ્રમાણમાં મોઇશ્ચોરાઇઝર ન લગાવવું. ત્વચા સૂકી હોય તો ચહેરો ધોયાં બાદ તરત જ મોઇશ્ચરાઇઝર અથવા તો કોલ્ડ ક્રીમ લગાવી લેવું.

સ્ક્રબિંગ

તમે બે ત્રણ દિવસે સ્ક્રબનો ઉપયોગ પણ કરી શકો. તમે સુગર સ્ક્રબનો ઉપયોગ પણ કરી શકો. એક ચમચી ખાંડ લઇ તેમાં પાણી મિક્સ કરીને ચહેરા પર ઘસી લેવું, જેથી મૃત ત્વચા ઉખડી જશે

 

બસ જો તમે આટલી દરકાર રાખશો તો પછી આંખો નીચેના કુંડાળા, ખીલ, કાળાં ડાઘાં નવરાત્રિ દરમિયાન અને નવરાત્રિ પછી પણ તમારાથી દૂર જ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]