‘ક્વીન’ રાજકારણમાં નહીં આવે

બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત ‘ક્વીન’ અને ‘તનૂ વેડ્સ મનૂ’ ફિલ્મોમાં કરેલા અભિનયથી ફિલ્મરસિયાઓમાં જાણીતી છે. તેણે છેલ્લા અમુક દિવસોમાં કરેલા નિવેદનોને લીધે એવી અટકળો ઊભી થઈ હતી કે તે રાજકારણમાં પ્રવેશ કરશે, પરંતુ હવે ખુદ કંગનાએ સ્પષ્ટ કરી દીધું છે કે પોતે અભિનેત્રી તરીકે ખૂબ જ સફળ થઈ છે અને કારકિર્દીનું ક્ષેત્ર બદલવાની એને કોઈ જરૂર જણાતી નથી.

કંગના દેશમાં બનતી અમુક રાજકીય ઘટનાઓ અંગે તેનાં વિચારો-અભિપ્રાયો જણાવતી હોય છે એટલે એવી અટકળો વહેતી થઈ કે તે રાજકારણમાં ઝંપલાવશે.

બુધવારે સાંજે, યોગી સદ્દગુરુ સાથેના વાર્તાલાપમાં કંગનાએ ‘મોબ લિન્ચિંગ’થી લઈને અનેક વિષયો પર પોતાનાં વિચારો રજૂ કર્યાં હતાં.

‘તું ભવિષ્યમાં રાજકારણમાં જોડાઈશ?’ એવો જ્યારે એક પત્રકારે સવાલ પૂછ્યો ત્યારે કંગનાએ જવાબમાં કહ્યું કે, ‘રાજકારણને કંઈ કારકિર્દી ન બનાવાય. મારું માનવું છે કે મારી જેવીએ જો રાજકારણમાં જોડાવું હોય તો એણે ઘણું બધું છોડી દેવું પડે. એવી વ્યક્તિએ દેશની સેવા શ્રેષ્ઠ રીતે બજાવવા માટે પોતાનાં પરિવારને, ઘર અને બાળકોને પણ છોડી દેવા પડે.’

31 વર્ષીય અભિનેત્રી કંગનાએ વધુમાં કહ્યું કે, ‘હાલને તબક્કે હું ફિલ્મોમાં એટલી બધી સફળ સ્થિતિમાં છું કે હું કોઈ અન્ય ક્ષેત્રમાં મારી કારકિર્દી બનાવવા ઈચ્છતી જ નથી. પરંતુ જો અન્ય ક્ષેત્રોમાં મારાં સ્થાપિત હિતો હોય તો હું માતૃભૂમિની સેવા બજાવી શકું નહીં. એમ કરવાથી ઘર્ષણ ઊભું થાય. તેથી જો કોઈને રાજકારણમાં જોડાવું હોય તો જોડાઈ શકે છે, પણ એણે પહેલાં કેટલોક ત્યાગ કરવો પડે.’

ઉલ્લેખનીય છે કે, કંગનાએ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં બાળપણ પર આધારિત એક ટૂંકી ફિલ્મના વિશેષ શોમાં હાજરી આપી હતી અને એમાં એણે મોદીને દેશનાં ઉત્તમ નેતા તરીકે ઓળખાવ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]