કલ્યાણજી આણંદજીનો સંગીત દરબાર

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે, નવેમ્બર, ૧૯૭૪ના દીપોત્સવી અંકનો.


અનોખું વાજિંત્ર મેળવવાની ધૂનમાંથી ફિલ્મ ઉદ્યોગને એક અનોખો સંગીતકાર સાંપડ્યો અને ફિલ્મ-સંગીતને અનેક યાદગાર ધૂનો મળી.

(મુલાકાત: વેણીભાઈ પુરોહિત)

અનેક વાજિંત્રોના સુર આપતું આ સાજ કલ્યાણજીભાઈની ઉજ્જવળ સંગીત કારકિર્દીનું નિમિત્ત બન્યું

સાત રંગની મનોહર મિલાવટથી મેઘધનુષ આકાશને શણગારી દે છે, અને ધરતીને પુલકિત કરી દે છે. સંગીતમાં સાત સ્વરોની મનોહર મિલાવટ માનવીના હૃદયના આકાશને શણગારી દે છે અને જીવનની ધરતીને પુલકિત કરી દે છે. જાણકારો જાણે છે કે મેઘધનુષની રોમાંચક રંગરમણીયતા પાછળ સુર્યકિરણની માયા છે, પણ જે જાણકારો નથી તેઓ પણ મેઘધનુષ જોઈને મુગ્ધ બની જાય છે. એવી જ રીતે સાત સુરોની ભાતીગળ મિલાવટમાંથી જે અદ્રષ્ય માધુર્ય પ્રગટે છે, એ કેમ પ્રગટે છે એ વાત માત્ર જાણકારો જ જાણે છે, પણ એ મિલાવટની કર્ણમધુરતાને અદના શ્રોતાજન પણ મન ભરીને માણે છે. સાત રંગ અને સાત સ્વરમાં જે કુદરતની અને સંગીતકલાની લીલા છે એ આવી અદભુત છે.

‘જી’ને મુલાકાત આપતા કલ્યાણજીભાઈ કવિ વેણીભાઈ પુરોહિતને કહી રહ્યા છેઃ ત્રણ મિનિટના ગીતની તરજ બનાવતા ત્રણ જ મિનિટ લાગવી જોઈએ

ભારતનું શાસ્ત્રીય સંગીત એ તો એક અખુટ ખજાનો છે. એ ખજાનામાં રહેલા સોના મહોર, હીરા, મોતી, માણેક પ્રસંગના રંગ પ્રમાણે ઉપયોગમાં લઈને સુગમ સંગીત રેલાય છે. ફિલ્મ સંગીત પણ એક સુગમ સંગીત જ છે. જે જનતાજનાર્દનને સ્વરમાધુર્ય ઝીલવામાં મજા આવે છે તેને ફિલ્મનું સુગમ સંગીત આહલાદ આપી જાય છે, ફિલ્મો પહેલા નાટકનું સંગીત હતું. નાટક પહેલા ભજન સંગીત હતું. ભજન સંગીત પહેલાં લોકસંગીત હતું. પણ આજે ફિલ્મમાં નાટકનું, ભજનનું અને લોકસંગીત… અને એ ઉપરાંત શાસ્ત્રીય સંગીત એ બધું હાજર છે. આપણ ફિલ્મ સંગીતના કસબીઓએ આ બધાના મિશ્રણમાંથી ગલીએ ગલીએ અને ઘેર ઘેર સ્વરમાધુર્યનાં મધુર મિશ્રણો પહોંચાડ્યા છે.

મૂળ કરિયાણાના વેપારી કલ્યાણજી-આણંદજી સંગીતકાર થયા પછી પણ દિવાળીના દિવસે શ્રદ્ધાપૂર્વક લક્ષ્મીપૂજન કરવાનું ચુકતા નથી

એવા સંગીતકારોમાં કલ્યાણજી આણંદજીની બાંધવબેલડીએ પણ પોતાની ખુબીઓનો ખજાનો ખેરાત કર્યો છે. પહાડોના પથ્થરોની વચ્ચે વહેતી સરવાણી, એ સરવાણીમાંથી જન્મતાં ઝરણાં… એ ઝરણાંમાંથી વહેતી નદી એમ નાના પ્રવાહમાંથી મોટો પ્રવાહ પ્રગટે છે અને તૃષા છીપાવે છે, લીલુંછમ રાખે છે, ભીનાશનો આનંદ આપે છે. તેમ સંગીતના આ સાધકોની સરવાણીથી માંડીને આજની સરિતા સુધીની સંજોગલીલા જાણવા જેવી છે.

કલ્યાણજીભાઈ લતા મંગેશકર સાથે

કવિતા, ચિત્રકલા, સંગીત વગેરે એવી વિશિષ્ટ સ્ફુરણા છે કે જન્મજાત સંસ્કારો વિના એની માયા લાગી શકતી નથી. કલ્યાણજીભાઈમાં સંગીત પ્રત્યેની લગની નાનપણથી હતી. વિદ્યાર્થી અવસ્થાથી જ સંગીત પ્રત્યે તેઓ આકર્ષાયા હતા. જાત જાતનાં વાદ્યો પ્રત્યે તેમને આકર્ષણ હતું. એક વાર એમના વિદ્યાર્થીકાળ દરમિયાન કલ્યાણજીભાઈએ છાપામાં જાહેરાત વાંચી કે એક એવું વાજિંત્ર છે જેમાંથી પચાસ વાજિંત્રોની લીલા પ્રગટી શકે છે. અને ચોવીસસો રૂપિયા ભરવાથી એ મળી શકે છે. સંગીતની ધુન જેમનામાં ધબકતા હતી એવા કલ્યાણજીભાઈને ત્યારે એ ચમત્કારિક વાજિંત્ર ખરીદવાની ધુન જાગી. પણ એ જમાનામાં ૨૪૦૦ રૂપિયા ઘણી મોટી રકમ હતી. આટલા બધા રૂપિયા વાણિયાના દીકરાને વાજિંત્ર ખરીદવા મા-બાપ આપે? આ સવાલ પોતે જ સવાલાખનો હતો.

પણ કલ્યાણજીભાઈના પિતા વીરજીભાઈ વત્સલ સ્વભાવના છે. તેમણે પિતાજી આગળ પ્રસ્તાવ મુક્યો. પિતા કહે કે ભાઈ, બહુબહુ તો તને એકાદ હજાર રૂપિયા આપું પણ આવડી મોટી રકમ એક વાજું ખરીદવા પાછળ ખરચાય? વાતની વિગત લાંબી છે, પણ એ વખતે અહીંતહીંથી તેમણે ૨૪૦૦ રૂપિયા એકઠા કર્યા અને એક કંપનીવાળા પાસે જઈને કહ્યું કે આ વાજિંત્ર અમને મંગાવી આપો. કંપનીવાળાએ ૨૪૦૦ રૂપિયા લઈ લીધા અને કહ્યું કે હવે તમે પંદર પંદર દિવસે તપાસ કરતા રહેજો. અમે વાજિંત્ર મંગાવવાની તજવીજ કરીએ છીએ.

ગીતની તરજ માટે તલ્લીન

આ વાજિંત્રનું નામ હતું સોલોવોક્સ… પંદરને બદલે દસ-દસ દિવસે કલ્યાણજીભાઈ અને મિત્રો પૃછા કરવા જતા કે ભાઈ આમારું સોલોવોક્સ આવ્યું? પણ કંપનીવાળો જવાબ આપે કે નથી આવ્યું. એક કંઈ ઝટ લઈને આવે નહિ. અને આમ ને આમ છ એક મહિના નીકળી ગયા. એટલે લાગ્યું કે આ તો વાજિંત્ર પણ ગયું અને પૈસા પણ ગયા… ગયા નહિ તો સલવાઈ તો ગયા જ! સંગીત પ્રત્યેની આ ધુન માટે ઘરનાં માણસો કલ્યાણજીભાઈને ચક્રમ કે પાગલ જ સમજતાં હતાં. જો કે આજે એ ધુન સફળ થઈ છે ત્યારે ય કલ્યાણજીભાઈના કહેવા મુજબ પાગલની છાપ ગઈ નથી, પણ હવે તેઓ સમજદાર પાગલ તરીકે ઓળખાય છે.

સોલોવોક્સ આવ્યું નહિ, ૨૪૦૦ રૂપિયા સલવાઈ ગયા…એવામાં કોઈએ કહ્યું કે યુરોપિયન પાસે એક વાજિંત્ર છે, અને તે આવી જ જાતનું છે. તેમાંથી પણ અનેક વાજિંત્રોના સ્વરો નીકળે છે. લગની એવી ચીજ છે કે તેને બીજા કોઈ વિચાર જ આવતા નથી. કલ્યાણજીભાઈની મિત્ર મંડળી એ વાજિંત્ર ધરાવનાર યુરોપિયન પાસે પહોંચી ગઈ. ત્યારે પેલાએ કહ્યું કે આ રહ્યું એ વાજિંત્ર… જુઓ હું તમને વગાડી બતાવું…પછી આ છોકરાઓએ તો પૂછ્યું કે આ વેચવું છે? અમે લેવા તૈયાર છીએ. પેલો કહે કે ભાઈ, આ તો મારાં બાળકોને રમવા માટે મેં રાખ્યું છે. એ વેચવાનું નથી. કલ્યાણજીભાઈએ પોતાની અકલ હોશિયારી પ્રમાણે એ વાજિંત્ર જરા વગાડી જોયું …અજમાવી જોયું. ભારે મજા પડી પણ… આકાશનો ચાંદો રામચંદ્રજીએ રમવા માગ્યો પણ સાચો ચાંદો તેમના હાથમાં આવ્યો નહોતો ત્યારે કલ્યાણજીભાઈના હાથમાં ક્યાંથી આવે? એટલે પાછા આ બધા પેલું સોલોવોક્સ મંગાવવાની ત્રેવડમાં પડ્યા અને પેલી કંપનીવાળા પાસે ધક્કા ખાવા શરૂ કર્યા. આમ કરતાં એક વરસ નીકળી ગયું. ભગવાનનું કરવું ને કે એક દિવસ કલ્યાણજીભાઈની મંડળી પેલા કંપનીવાળા પાસે પહોંચી હતી ત્યારે એક માણસ એક વાજિન્ત્ર લઈને આવ્યો અને કંપનીવાળાને કહે કે મારે આ વાજિંત્ર વેચવું છે. કલ્યાણજીભાઈએ જોયું કે આ તો પેલા યુરોપિયનવાળું જ વાજિંત્ર !!! એટલે તેમણે પેલા કંપનીવાળાને કહ્યું કે ભાઈ, સોલોવોક્સને બદલે અમને આ વાજિન્ત્ર અપાવી દો… તમે સોદો પાર પાડો તોય ચાલશે. કંપનીવાળો તો વેપારી હતો. થોડીક વાટાઘાટ કરીને નેવે પેલા સાથે સોદો પતાવ્યો અને સોલોવોક્સ માટે ભરેલાં નાણાંના બદલામાં આ સેકન્ડહેન્ડ વાજિંત્ર કલ્યાણજીભાઈને વેચાતું આપ્યું.

એનું નામ ક્લેવાયોલીન… એમાં જાત જાતની ક્લિપ જેવી કળ હતી. એને દાબવાથી જુદા જુદા વાજિંત્રના સ્વરો લહેરાતા હતા. આ વાજિંત્ર ઘેર લાવીને જાતે વગાડવાની ઘણી કોશિશ કરી પણ ક્લિપ દબાવવા છતાં કંઈ બરાબર વાગે નહિ…! ત્યારે લાગ્યું કે એક તો જુનું વાજિંત્ર લીધું અને પૈસા પડી ગયા…ચાર પાંચ દિવસ પ્રયત્નો કર્યા પણ બરાબર વાગે જ નહિ. એકવાર ઘરના નોકરે એ વાજિંત્રને ઉંચે મુક્યું. તેમાં પેલી ક્લિપો ઉંધી દબાઈ ગયેલી, આની કોઈને કંઈ ખબર નહિ. બીજે દિવસે સવારે ઉઠીને કલ્યાણજીભાઈએ ફરી એકવાર ક્લિપ દબાવીને બજાવવાનો પ્રયત્ન કર્યો તો… અદભુત… અદભુત…! વાજું બરાબર વાગવા લાગ્યું. અને આનંદનો પાર રહ્યો નહિ.

પછી તો લોકોને ભેગા કરીને અને જુદા જુદા કાર્યક્રમમાં આ વાજિંત્ર વગાડીને લોકોને હેરત પમાડવાનું કામકાજ ચાલ્યું. તેમાં થોડાક નમુના મહેનત કરીને બેસાડ્યા હતા. એ નમુનામાં પાંચ પાંચ મિનિટના ટુકડા પાડ્યા અને તેમાં બિસ્મીલ્લાની શરણાઈ… પન્નાલાલ ઘોષનું બંસીવાદન… રવિશંકરની સિતારની ઝંકાર… બધું બેસાડ્યું અને વાજિંત્રની કી દબાવીને ચલાવવા માડ્યું. લોકોને રોમાંચક ચમત્કાર લાગ્યો.

પછી તો એકવાર એક સ્ટુડિયોમાં પહોંચ્યા… પણ આ વાજિંત્રના વાદક તરીકે ફિલ્મોમાં કસબ દેખાડવાની હોશ હતી. સ્ટુડિયોમાં સીન જામતો નહોતો… બધા માથાકુટ કરતા હતા. ત્યાં કલ્યાણજીભાઈએ પોતાના વાજિંત્રમાંથી બીનના સુર છેડ્યા… બધાનું ધ્યાન ગયું. …સીન જામી ગયો…વાહ વાહ! આ છોકરાઓએ તો કમાલ કરી… ‘નાગીન’ ચિત્ર માટે તેમણે બીન વગાડ્યું હતું.

‘રામચંદ્ર કહ ગયે સિયા સે’ (ગોપી)ના ગીતના ગાયક મહેન્દ્ર કપૂર, અભિનેતા દિલીપ કુમાર સાથે

એ વખતે નિર્માતા સુભાષ દેસાઈ આ છોકરા પર ખુશ થયા અને કહ્યું કે બોલો મારી હવે પછીની અગિયાર ફિલ્મો માટે તમારે સંગીત આપવું. બોલો શું લેશો? કલ્યાણજીભાઈ તો આનંદથી સ્તબ્ધ થઈ ગયા. તેમણે કહ્યું કે કોઈ પણ ફિલ્મનું સંગીત દિગ્દર્શન અમે કદી કર્યું નથી ત્યાં એક નહિ પણ અગિયાર ફિલ્મોનું સંગીત આપવાનું તો… ત્યારે સુભાષ દેસાઈ કહે છે કે એ અમારૂં કામ છે. તમે તૈયાર છો? કલ્યાણજીભાઈએ બે દિવસ વિચારવાના માગ્યા… અને છેવટે ઝંપલાવ્યું …પહેલી ફિલ્મ ‘ચેકબુક’ હતી, પણ બે ગાયન ગયા પછી ચેક પાસ થયો ન હોય તેમ એ ફિલ્મ જ અધ્ધર રહી ગઈ.

‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ નામની ફિલ્મથી કલ્યાણજીભાઈનું સંગીત દિગ્દર્શન વ્યવસ્થિત શરૂ થયું. …પણ એ પહેલા‘ ‘નાગીન’ ચિત્ર જેવું બીનવાદન કરવાની વાત જાણવા જેવી છે. ૧૯૫૪ની સાલની વાત… એક નિર્માતાએ કહ્યું કે તમે બીન વગાડશો? કલ્યાણજીભાઈ મુંઝાયા કે આ બીન વળી શી ચીજ છે? પણ તેમણે બીજાં ઘણાં વાજિંત્રો બજાવ્યાં. તર્જો બાંધીને બતાવી પણ પેલો ખુશ થાય નહિ. છેવટે કહે કે ‘નાગીન’મા‘ હતું એવું વગાડતા આવડે છે, ત્યારે કલ્યાણજીભાઈને બત્તી થઈ કે ઓહોહો આ તો જેને અમે પુંગી કહીએ છીએ તેને આ બીન કહે છે. કલ્યાણજીભાઈએ પછી પુંગી બજાવી અને પેલો ખુશ થઈ ગયો.

મ્યુઝિક શબ્દ સાંભળ્યો હતો પણ તર્જો બાંધી નહોતી એવા સમયમાં સંજોગોએ સહાય કરી અને કલ્યાણજીભાઈએ પુરૂષાર્થ આદર્યો… કહેવાય છે કે કામ કામને શીખવે. કલ્યાણજીભાઈએ ત્યાર પછી જ ખરી સાધના શરૂ કરી.

આરોહણ કરનારા બધા જ શરૂઆતમાં તળેટીમાં હોય છે અને પછી જ ધીમે ધીમે શિખર પર પહોંચે છે. કલ્યાણજીભાઈએ પણ મુંબઈના સુંદરબાઈ હોલમાં એક સમારંભમાં દસ મિનિટ બીન બજાવવાનો કાર્યક્રમ આપ્યો અને લોકોને મુગ્ધ કરી દીધા. સંગીત દિગ્દર્શક અવિનાશ વ્યાસની સંગીત નાટિકામાં પણ બીન બજાવ્યું હતું અને એમ કરતાં સંગીત દિગ્દર્શક ચિત્રગુપ્તની નજરે ચડ્યા. ‘નાગપંચમી’માં એક ગીત માટે તેમણે બીન બજાવીને બધાને ડોલાવી દીધા. એ ગીતનું બીન આજે ય બધાને ડોલાવે છે. ‘નાગ કહીં જા બસિયો રે, મેરે પિયા કોના ડસિયો રે…’ બીજાનાં ગાયનો બીન પર બજાવતાં આજે પોતાની તર્જોને તરતી મૂકી છે ત્યાં સુધીનો રસ્તો સાહસ, પ્રયોગ અને સિદ્ધિનો છે. કલ્યાણજીભાઈ રમુજી માણસ છે. શરૂઆતના દિવસોની વાત કરતાં તેમણે કહ્યું કે અરે ભાઈ અમને કોઈ સાંભળે એ માટે અમે સામેથી લોકો પાસે જતા, મફત વગાડતા, એટલું જ નહિ અમારા બીજા સજિંદાઓને અમે અમારા ગાંઠના પૈસા આપતા…

‘નાગીન’નું બીન ‘ચંદ્રગુપ્ત’ ‘નાગ પંચમી’ ફિલ્મોથી સંગીત-દિગ્દર્શન સરાણે ચડી ગયું. ‘છલિયા’ ફિલ્મમાં તો છોળ ઉડી…અને એ ફિલ્મથી કલ્યાણજીભાઈ સંગીત દિગ્દર્શક તરીકે સ્થાપિત થયા…


એવૉર્ડ મેળવવામાં મોખરે!

સંગીતકાર બંધુઓ – કલ્યાણજી-આણંદજી પૃથ્વીરાજ કપૂરની સાથે

કલ્યાણજી આણંદજીને ઘણા પૂછે છે કે સંગીત-દિગ્દર્શકો તરીકે તમારૂં સ્થાન પહેલું કેમ નથી આવતું? ત્યારે એ નિખાલસપણે કહે છે કે પ્રથમ પ્રાપ્ત કરવાથી હંમેશાં એ સ્થાન ગુમાવવાનો ભય સતાવ્યા કરે છે તેને બદલે બીજાં સ્થાને રહેવામાં શાંતિ મળે છે.

છતા‘ એવૉર્ડ અને જ્યુબીલીની બાબતમાં કલ્યાણજી-આણંદજી અન્ય સંગીતકારોથી મોખરે રહ્યા છે. સિને-મ્યુઝિક ડાયરેક્ટર્સ ઍસોસિયેશન વર્ષના શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શકને એવૉર્ડ આપવાનું શરૂ કર્યુ. ત્યારે ૧૯૬૫નો પ્રથમ એવૉર્ડ ‘હીમાલય કી ગોદ મેં’ ફિલ્મ માટે કલ્યાણજી આણંદજીને ફાળે આવ્યો હતો.

એવી જ રીતે ભારત સરકાર તરફથી વર્ષના શ્રેષ્ઠ ફિલ્મસંગીત માટે એવૉર્ડ આપવાનો પ્રારંભ પણ કલ્યાણજી આણંદજીથી જ થયો. ૧૯૬૮માં ‘સરસ્વતીચંદ્ર’ના સંગીત બદલ એમને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો.

એક વર્ષમાં જેમના સંગીતની વધુમાં વધુ (સાત કરતાં વધુ) ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી કરી હોય એવા સંગીત-દિગ્દર્શકોમાં કલ્યાણજી આણંદજી હજુ સુધી મોખરે રહ્યા છે. લોકપ્રિય સંગીત દિગ્દર્શકોની નાઈટ ઉજવાય છે તેમાં ય કલ્યાણજી આણંદજી નાઈટની સંખ્યા વધારે રહી છે.

છતાં એક વિચિત્ર વાત એ બની છે કે હજુ સુધી એમને ફિલ્મફેર એવૉર્ડ મળ્યો નથી. એ એવૉર્ડ ન મેળવવામાં ય એ મોખરે રહ્યા છે એમ કહેવું જોઈએ.


ગીતકાર ભરત વ્યાસને જ્યારે પાઠ ભણાવ્યો…

‘છલિયા’ ચિત્રની વાત કરતાં કરતાં કલ્યાણજીભાઈએ ગીતકાર ભરત વ્યાસનો એક રમુજી કિસ્સો સંભળાવ્યો… ત્યારે કલ્યાણજીભાઈની તો શરૂઆત હતી અને ભરત વ્યાસનાં ગીતોએ વાવટો ફરકાવ્યો હતો. ‘છલિયા’માં ભરત વ્યાસ કહે કે પઠ્ઠે! તુમ ક્યા સમજો. મારાં ગીતો તો ફલાણાં ફલાણાં પિક્ચરોમાં હીટ ગયાં છે. વારંવારની આ ટકોરથી કલ્યાણજીભાઈએ ભરત વ્યાસનેય પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો અને પોતાના સાગરિતને કહ્યું કે ભરત વ્યાસનાં ગીતોવાળાં કેટલા ચિત્રો નિષ્ફળ ગયાં છે તેની યાદી તૈયાર કર… પછી ફરીથી જ્યારે ભરત વ્યાસને મુખેથી ‘પઠ્ઠે તુમ…’ની તકિયા કલમ આવી કે કલ્યાણજીભાઈએ કાગળ પર લખેલી ભરત વ્યાસને તેમનાં નિષ્ફળ ચિત્રોની યાદી હાથોહાથ સુપરત કરી અને તે ચૂપ થઈ ગયા.

નૂતનનાં કંઠે ‘છલિયા’ ફિલ્મનું ગીત રેકોર્ડ કરાવ્યું હતું

આમે ય કલ્યાણજીભાઈ ખાસ ગુસ્સો કરતા નથી, પણ ગુસ્સાને ગમ્મતથી રજૂ કરે છે. આ ફિલ્મ લાઈનમાં જાતજાતની ખોપરીઓ સાથે કામ પાર પાડવાનું હોય છે. દરેક ખોપરી પાસે પોતાના ખ્યાલ હોય, ખુમારી હોય અને અહમ્ પણ હોય. નવા ગીતકાર કે નવા પ્રોડ્યુસરને સહાય કરવા કલ્યાણજીભાઈ હંમેશાં તત્પર… સ્વમાન તેઓ જાળવે છે પણ અભિમાનની અણી કોઈને ખુંચાડતા નથી. ઘેર આવનાર માણસનું તેઓ અપમાન નથી કરતા. પણ વિચિત્ર માણસો તેમની પાસે પહોંચી જાય છે. એકવાર એક તબલચી તેમની પાસે પહોંચ્યો ને કહે કે તમે મારાં તબલાં સાંભળો, એ એકલો નહોતો, તેની સાથે બીજા છ જણા હતા. કલ્યાણજીભાઈએ તેનાં તબલાં સાંભળ્યાં. તેમાં કશી જ નવીનતા નહોતી છતાં સમય આપ્યો. અને વિવેકથી વિદાય કર્યો.


કલ્યાણજીએ જ્યારે મનમોહન દેસાઈને પ્રભાવિત કર્યા…

આજના મોંઘા દિગ્દર્શક મનમોહન દેસાઈ સાથેનો એક કિસ્સો કલ્યાણજીભાઈએ કહી સંભળાવ્યો. એક ચિત્ર માટે કલ્યાણજીભાઈ એક ગાયનની બે-ત્રણ ધૂનો બનાવીને લઈ ગયા. એ ધૂનો પાછળ ભારે મહેનત લીધી હતી. મનમોહન દેસાઈએ એ ધૂનો સાંભળી અને કહે કે એ અચ્છા… હૈ… ઠીક હે… મગર પાસ પડી નહીં… જો કે ત્યારે મનમોહન દેસાઈ દિગ્દર્શક નહોતા… ચિત્ર-નિર્માણના સુપર્વાઈઝર જેવા હતા. ધૂન પાસ થઈ નહીં ત્યારે ચર્ચા કરતાં કરતાં મનમોહન દેસાઈ બોલ્યાં કે ધૂન સારી છે પણ શંકર જયકિસનની જેવી નહીં… અને કલ્યાણજીભાઈને ચાવી મળી ગઈ… તેઓ શંકર-જયકિસનની શૈલીની ધૂનો બનાવીને એકવાર ગયા… ધૂનો સાંભળાવી… મનમોહન દેસાઈ ખુશ થઈ ગયા. અને બોલ્યા કે આવી ધૂન બનાવો ત્યારે ખરા… પછી કલ્યાણજીભાઈએ સ્પષ્ટતા કરી કે આ ધૂનો અમે બનાવી છે, શંકર-જયકિસનની નકલ નથી, શૈલી તો તમને જોઈએ છે એટલે અપનાવી છે.

નોંધઃ ફિલ્મ સંગીતમાં કલ્યાણજી-આણંદજી બંધુઓ અવિસ્મરણીય બની ગયા છે. ‘સરસ્વતીચંદ્ર’, ‘જબ-જબ ફૂલ ખીલે’, ‘જોહર મેહમૂદ ઇન ગોવા’, ‘પૂરબ ઔર પશ્ચિમ, ‘સફર’, ‘ડૉન’, ‘મુકદ્દર કા સિકંદર’ જેવી અનેક ફિલ્મોમાં કલ્યાણજી-આણંદજીએ તૈયાર કરેલા ગીતો લોકપ્રિય થયાં છે. આ સંગીતબેલડીએ ટીવી દર્શકોને પણ લિટલ વન્ડર્સ, ટૅલેન્ટ બિયૉન્ડ બિલિફ જેવા મ્યુઝિકલ શૉ આપ્યા છે. આ શૉએ નાનાં બાળકોથી માંડીને વયોવૄદ્ધને પણ અભિપ્રેત કરી દીધાં હતાં. એ મેગા શો કલ્યાણજીભાઈના સપનાં જેવો હતો. આ બેલડીમાંના કલ્યાણજીભાઈ હયાત નથી અને આણંદજીભાઈ નિવૃત્ત થઈ ગયા છે.