હંમેશા શોભી ઉઠતી મોતીની જવેલરી છે ટ્રેન્ડી

હિલાઓ જ્વેલરીના ઝગમગાટથી કેવી રીતે દૂર રહી શકે?  હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે  કદાચ તમે જોયું હશે કે હાલમાં મોતીના ઘરેણાંનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દુલ્હન સેટ હોય કે  પછી  અન્ય સામાન્ય જ્વેલરી. બધે જ કુંદન અને મોતીના કોમ્બિનેશનમાં કે ફક્ત મોતી અને ગોલ્ડન કોમ્બિનેશનમાં મોતીની જવેલરી ઉપલબ્ધ છે. તેમાં હાથના સિંગલ પોચા, પગના એન્કલેટ, ઝૂમ્મર બુટ્ટી,  હાથની બંગડીઓ તેમજ કંગન અને રજવાડી સેટ ઘણાં લોકપ્રિય થઈ રહ્યાં છે. વળી સિલ્ક કે  બનારસી સાડીઓ સાથે  આ પ્રકારની મોતીની જવેલરી ખૂબ સુંદર લાગે છે. 

તો ક્રિશ્ચન વેડિંગમાં યુવતી જે ગાઉન પહેરે છે તેની સાથે વ્હાઇટ મોતી અને ડાયમંડની કલબ જ્વેલરી હોય છે. તમે રાણી એલિઝાબેથ તેમ જ તેમના પરિવારને જોયો હશે. આ પરિવારની મહિલાઓ પોતાના વેર્સ્ટન પોશાક સાથે સાચા મોતી તેમજ હીરાની લાઇટ જ્વેલરી જ પહેરતી હોય છે.

તમે  જૂના પૌરાણિક શોમાં જોયું હશે કે રાજા મહારાજાઓ મોતીના મહામૂલા હાર અને કુંડળ પહેરતાં હતાં. અને સારા સમાચારની વધામણી આપનારને તે સાચા મોતીના હાર પોતાની ડોકેથી ઉતારીને આપી દેતાં હતાં. તો વળી માનસરોવરના હંસો સાચા મોતીનો ચારો ચરે છે એ વાત પણ ઘણી જાણીતી છે. તો ઘણી વાર સાચા મોતીએ કોઈ વ્યક્તિને વધાવી લેવાની વાત પણ એટલી જ જાણીતી છે. આ બાબતો પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણાં જીવનમાં સોનાચાંદીની સાથે જ મોતીનું આગવું મહત્વ છે અને હાલ તો ઘરેણામાં મોતી લોકપ્રિય છે તો ચાલો આજે જાણીએ મોતીની જ્વેલરી વિશે.

મોતીમાં પણ  કિડિયા મોતી, પાણીદાર મોતી, કે પછી નેપાળી અને  હૈદરાબાદી પર્લ વધારે લોકપ્રિય છે જોકે મોતીની જવેલરીના નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે મોતીના ખાસ પ્રકાર છે.  તેમાં કુદરતી મોતી તેમ જ કલ્ચર્ડ પર્લ અને ઇમિટેશન પર્લ મુખ્ય છે. નેચરલ પર્લ એટલે કે કુદરતી મોતી પ્રાકૃતિક રીતે જ બને છે અને તેમાંથી બનતી જવેલરી સ્વાભાવિક રીતે જ મોંઘી હોય છે.  નેચરલ પર્લ તમને મિડલ ઇસ્ટમાં બહેરીન તેમ જ ઓસ્ટ્રેલિયામાં મળી રહે છે. તો નેપાળના મોતી પણ ઘણાં  પ્રખ્યાત છે લોકો નેપળ ફરવા જાય ત્યારે ત્યાંથી મોતી લાવીને તેની જ્વેલરી બનાવતા હોય છે

હવે વાત કરીએ કલ્ચર્ડ પર્લ જ્વેલરીની તો તેમાં શંખમાં કેલ્શિયમ મૂકીને બનાવવામાં આવે છે અને માર્કેટમાં આ મોતીની જ્વેલરી સૌથી વધુ વેચાય છે.  તો ઇમિટેશન પર્લમાં પ્લાસ્ટિકના દાણા પર શંખનો એક પ્રકારનો ભૂકો કરીને એના પાઉડરી કોટિંગની પરત બનાવવામાં આવે છે. તમે તમારા જ્વેલરી  ક્લેક્શન માટે અથવા તો ઘરમાં આવનારા પ્રસંગો માટે તમે ખાસ જ્વેલરી ડિઝાઇન કરાવવાના હો અથવા તો જ્વલેરી ખરીદવાના હો તો, તમારા જ્વેલરી વોર્ડરોબમાં મોતીની જ્વેલરી અચૂક સામેલ કરી શકો છો. મોતીના માંગટીકા અને  બંધી દુલ્હનની જ્વેલરીમાં હાલમાં હોટ ફેવરિટ છે.

મોતીની  સુંદરતા અને સૌમ્યતા હંમેશાં લૂકને રજવાડી ઠાઠ અને દમામ બક્ષે છે.  વિશિષ્ટ તરી આવવા માટે આ વખતે તમારા કલેક્શનમાં ઉમેરો પર્લ,ગોલ્ડ અને વ્હાઇડ ગોલ્ડનું કોમ્બિનેશન. પર્લમાં વ્હાઇટ તો એવરગ્રીન પસંદ છે જ પરંતુ તમે જો પર્પલ,રેડ, લાઇટ બ્લૂ જેવી પર્લ જ્વેલરી પહેરવા માગતાં હો તો પણ તમને ઘણાં વિકલ્પ મળી રહેશે. મોતીના રજવાડી હાર તો પુરુષો પણ  શેરવાની કે ઝભ્ભા પર સરળતાથી પહેરી શકે છે. લગ્નમાં વરરાજા માટે આ લૂક ઘણો ઇન ટ્રેન્ડ છે.

મોતીના ઘરેણાંની સાચવણી અને પહેરવાની ટિપ્સ

મોટાભાગના નેચરલ અને કલ્ચર્ડ મોતી પર કોઈ પણ માઇલ્ડ, સ્ટ્રોંગ કેમિકલ્સની અસર થાય છે. માટે જ્વેલરી પહેર્યા બાદ પરફ્યૂમ કે સ્પ્રે ન કરવું.

મોતીને રૂ કે મલમલના કાપડમાં સાચવીને મૂકવા. જેથી તેની ચમક જળવાઈ રહે.

મોતીને તારથી બાંધવામાં આવે છે તેથી કપડાં સાથે તે તાર ન ખેંચાય તે પણ જોવું. જો  કપડાંમાં ભરાઈ જાય તો તે કાતર વડે સાચવીને કટ કરવું નહીંતર કાપડનો તાર ખેંચાઈ જશે તેમ જ મોતી પણ તૂટી શકે છે.