વેજ બ્રેડ મન્ચુરિયન

દિવાળીનો મૂડ છે, સાથે કામ પણ ઘણું છે. કંઈક ચટપટો પણ ઝટપટ નાસ્તો બનાવવો છે. તો બ્રેડ મન્ચુરિયન સરસ રહેશે!

સામગ્રીઃ

  • બ્રેડની સ્લાઈસ 5-6 (બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો)
  • 1 કાંદો
  • 1 સિમલા મરચું
  • 1 ટમેટું
  • એક લીલું મરચું ગોળ સુધારેલું
  • 1 ટે. સ્પૂન આદુ-લસણ એકદમ ઝીણાં સુધારેલા
  • 1 ટે. સ્પૂન શેઝવાન સોસ
  • 1 ટે. સ્પૂન સોયા સોસ
  • 1 ટી. સ્પૂન વિનેગર
  • ½ ટી.સ્પૂન કાશ્મિરી લાલ મરચાં પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ટે. સ્પૂન ટમેટો કેચઅપ
  • 1 ટે.સ્પૂન તેલ
  • 1 ટે.સ્પૂન ઘી

રીતઃ બ્રેડની કિનારી કટ કરી લો અને દરેક બ્રેડને ચાર ટુકડામાં કટ કરી લો. એક નોન-સ્ટીક તવામાં થોડું તેલ અથવા ઘી નાખીને ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. એમાં બ્રેડના ટુકડા શેકવા મૂકો. બ્રેડના ટુકડાની એક સાઈડ સોનેરી રંગની ક્રિસ્પી થાય એટલે બધાને પલટાવીને બીજી સાઈડથી પણ સોનેરી રંગના શેકી લો. હવે આ ટુકડાને એક થાળીમાં કાઢી લો.

કાંદા, સિમલા મરચું તેમજ ટમેટાને લાંબી પાતળી ચીરીમાં અથવા ચોરસ સુધારી લો.

ગેસ પર એક ફ્રાઈ પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદો ઉમેરીને 2-3 મિનિટ માટે સાંતડો. ત્યારબાદ તેમાં ઝીણાં સુધારેલા આદુ-લસણ સાંતડો. 1 મિનિટ બાદ સિમલા મરચા, લીલું મરચું ઝીણું સમારેલું તેમજ ટમેટાની સ્લાઈસ પણ ઉમેરી દો. વેજીટેબલ્સને બહુ લાલ સાંતડવાની જરૂર નથી. થોડા નરમ થાય એટલે તેમાં શેઝવાન સોસ, સોયા સોસ તેમજ વિનેગર મિક્સ કરી દો. મરચું પાવડર તેમજ ટમેટો કેચઅપ મિક્સ કરીને 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને બ્રેડના ટુકડા તેમાં મિક્સ કરી લો. (તમારે કોઈપણ સોસ ન નાખવા હોય તો ફક્ત ટમેટો કેચઅપ ચાલે અને એ પણ ન નાખવું હોય તો સુધારેલા ટમેટા સાંતડીને નાખશો તો ય ચાલશે.)

બ્રેડનો આ નાસ્તો તૈયાર થાય એટલે તરત પીરસવો.