અળવીના પાનના ભજીયા

અળવીના પાનના પાતરાં તો બધાંને ભાવે છે, તેમાં થોડી મહેનત છે. ત્યારે અળવીના પાનમાંથી બનતાં આ અલગ પ્રકારના ભજીયા થોડાં સહેલાઈથી બની જાય છે. સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પણ બને છે!

સામગ્રીઃ

  • અળવીના પાન 6-7
  • લીલા મરચાં 2-3,
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • આખા ધાણા 1 ટી.સ્પૂન
  • કાળા મરી 6-7
  • અજમો ¼ ટી.સ્પૂન
  • કાંદા 2 (કાંદા ન ખાતા હોય તેમણે પાતળી સમારેલી કોબી લેવી)
  • સમારેલી કોથમીર ½ કપ
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન, હીંગ 2-3 ચપટી
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • ચોખાનો લોટ ½ કપ
  • ચણાનો લોટ 1 કપ
  • તેલ તળવા માટે

રીતઃ અળવીના પાનને ધોઈને એક કપડા ઉપર સૂકવીને કોરા કરી લેવા. ત્યારબાદ ચપ્પૂ વડે પાનમાંની નસો કાઢી લઈ 2-3 પાનને એકમાં એક ગોઠવીને રોલ કરીને તેના પીસ કરી લેવા. આ પાનના નાના ટુકડા કરી લેવા.

આદુ તેમજ મરચાંને અધકચરા વાટી લેવા. તે જ રીતે આખા ધાણા, કાળા મરી અને અજમાનો પણ અલગથી અધકચરો ભૂકો વાટી લેવો.

કાંદાને લાંબી ચીરીમાં સમારી લેવા. એક બાઉલમાં સમારેલાં કાંદા (અથવા સમારેલી કોબી), અળવીના પાન, વાટેલાં આદુ-મરચાં, મસાલાનો અધકચરો ભૂકો, ધાણાજીરૂ, લાલ મરચાં પાઉડર, હળદર, હીંગ, સમારેલી કોથમીર, લીંબુનો રસ, ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું લઈ હાથેથી થોડું મસળી લેવું. 5 મિનિટ રાખવાથી તેમાંથી પાણી છૂટશે. ત્યારબાદ તેમાં ચણાનો લોટ થોડો થોડો મેળવતાં જઈ મિક્સ કરતા જાવ. આ મિશ્રણ ઢીલું ના હોવું જોઈએ. એમાંથી નાનો ગોળો લઈ વાળો તો તેમાં કાંદાની સ્લાઈસ તેમજ અળવીના પાન તેમાં છૂટાં દેખાવા જોઈએ. તેના કારણે આ ભજીયા ક્રિસ્પી લાગશે.

 

કઢાઈમાં તેલ ગરમ કરી લીધા બાદ તેમાંથી 2 ચમચી તેલ ભજીયાના મિશ્રણમાં મિક્સ કરી લેવું અને ગેસની આંચ મધ્યમ કરીને તેલમાં નાની સાઈઝના ગોળા કરીને નાખવા. કઢાઈમાં આવે તેટલા ભજીયા નાખી લીધા બાદ ગેસની આંચ ધીમી કરીને સોનેરી રંગના ભજીયા તળી લેવા. ત્યારબાદ ઝારામાં કાઢતી વખતે ગેસની આંચ ફરીથી મધ્યમ કરી લેવી. આ જ રીતે બધા ભજીયા તળી લેવા.

આ ભજીયા ચા અથવા લીલી ચટણી સાથે સારાં લાગશે.