પાલક ચીઝ કોર્ન બોલ્સ્

પાલક મોટે ભાગે કોઈ ખાવા નથી માગતું. બાળકોને તો જરા પણ ન ભાવે. ત્યારે પાલક સાથે ચીઝ મેળવીને તેના ક્રિસ્પી પાલક ચીઝ કોર્ન બોલ્સ્ બાળકો માટે યમ્મી અને હેલ્ધી ઓપ્શન રહેશે! વળી, આ હેલ્ધી પાલક ચીઝ કોર્ન બોલ્સ્ બનાવીને તમે ડીપ ફ્રીઝમાં 1-2 મહિના સુધી સ્ટોર કરી શકો છો! જ્યારે ખાવા હોય ત્યારે તાત્કાલિક તળીને ગરમાગરમ પીરસી શકો છો!

સામગ્રીઃ  

  • માખણ 3 ટે.સ્પૂન
  • મેંદો 3 ટે.સ્પૂન
  • પાલકના પાન ધોઈને સમારેલાં 2 કપ
  • દૂધ 300 ગ્રામ
  • લીલા મરચાં 2-3
  • કુમળી મકાઈના દાણા 1 કપ
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • પિઝા સિઝનિંગ 1 ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • ખમણેલું પ્રોસેસ ચીઝ 1 કપ
  • મોઝરેલા ચીઝ, બ્રેડ ક્રમ્સ 2-3 કપ

રીતઃ એક પેનને ગેસ પર ગરમ કરી તેમાં માખણ ઓગાળી તેમાં મેંદો મેળવીને એકસરખું તવેથા વડે હલાવતાં રહો. 2-3 મિનિટ બાદ તેમાં થોડું થોડું પણ દૂધ ઉમેરી દો. આ રીતે વ્હાઈટ સોસ તૈયાર કરવું. આ સોસ મધ્યમ ઘટ્ટ હોવું જોઈએ. હવે તેમાં મકાઈના દાણા, સમારેલી પાલક મેળવીને 3-4 મિનિટ બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, ઝીણાં સમારેલાં મરચાં, કાળા મરી પાઉડર, ચિલી ફ્લેક્સ, પિઝા સિઝનિંગ મેળવી દો. હવે તેમાં ખમણેલું ચીઝ મેળવીને 10 મિનિટ સુધી તવેથા વડે હલાવતા રહી, આ મિશ્રણ થોડું ઘટ્ટ થવા આવે એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો અને તેને ઠંડું થવા દો. ઠંડું થયા બાદ તે ઘટ્ટ થઈ જશે. હવે તેમાં 1 કપ જેટલાં બ્રેડ ક્રમ્સ થોડા થોડા ઉમેરતાં જઈ સ્પેટુલા વડે મિક્સ કરી લો.

મોઝરેલા ચીઝના નાના ક્યુબ્સ કટ કરી લો.

હવે આ મિશ્રણમાંથી ગોળો લઈ તેને ચપટો આકાર આપી તેમાં મોઝરેલા ચીઝનો ટુકડો ગોઠવીને બંધ કરીને ગોળો વાળી લો.

એક બાઉલમાં કોર્નફ્લોર તેમજ મેંદો લઈ તેમાં થોડું મીઠું તેમજ પાણી મેળવીને ખીરું તૈયાર કરી લો. બીજા બાઉલમાં બ્રેડ ક્રમ્સ લઈ રાખો.

પાલક ચીઝ બોલનો ગોળો લઈ તેને ખીરામાં ડૂબાડીને કાઢી લઈ બ્રેડ ક્રમ્સમાં રોળવી લો. આ રીત બે વાર  કરો. જેથી તે ફાટે નહીં. બધા પાલક ચીઝ બોલ આ રીતે તૈયાર થયા બાદ તેને અડધો કલાક માટે ડીપ ફ્રીઝમાં રાખી લીધા બાદ તળવા માટે લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. ગેસની આંચ તેજ રાખો. કઢાઈમાં પાલક ચીઝ બોલ નાખ્યા બાદ તેને તરત ફેરવવા નહીં. કારણ તે ફાટી શકે છે. ત્યારબાદ તેને ઉતારી લઈ ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

આ પાલક ચીઝ બોલ 2 મહિના સુધી ઝીપ લોક બેગમાં સ્ટોર કરીને ડીપ ફ્રીઝમાં રાખી શકો છો. જ્યારે તળવા હોય તેની પાંચેક મિનિટ પહેલાં બહાર કાઢી લેવા.