પાપડી ગાંઠિયાનું શાક

રોજ રોજ શાક શું બનાવવું એવી કળાકૂટ તો હોય જ અને વરસાદી ઋતુમાં કંટાળો પણ આવતો હોય છે! તો પાપડી ગાંઠિયાનું શાક ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે!

સામગ્રીઃ

  • પાપડી ગાંઠિયા 100 ગ્રામ
  • મોટાં કાંદા 2
  • મોટાં ટામેટાં 2
  • તેલ 2 ટે.સ્પૂન
  • 2 ચપટી હીંગ
  • આદુ-મરચાં-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • માખણ 1 ટે.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટે.સ્પૂન
  • દહીં 3 ટે.સ્પૂન
  • ખાંડ 2-3 ચપટી
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ કાંદા તેમજ ટામેટાંને ચોપરમાં અલગ અલગ રાખી બારીક કરો અથવા ઝીણાં સમારી લો.

કઢાઈ અથવા પેનમાં તેલ ગરમ કરી જીરૂ તતડાવીને હીંગનો વઘાર કરી સમારેલાં કાંદા ઉમેરો. એકાદ મિનિટ બાદ આદુ લસણની પેસ્ટ મેળવી દો. બે મિનિટ સાંતળી લીધા બાદ બારીક સમારેલાં ટામેટાં મેળવી દો. થોડી સમારેલી કોથમીર પણ મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની આંચ ધીમી કરીને કાંદા-ટામેટાં ચઢવા દો.

એક વાટકીમાં દહીં લઈ તેમાં ધાણાજીરૂ, હળદર, મરચાં પાઉડર, સ્વાદ મુજબ મીઠું તેમજ કસૂરી મેથી મેળવી દો.

કાંદા થોડા ચઢી જાય એટલે તેમાં મસાલાવાળું દહીં મેળવીને ગેસની ધીમી આંચે થોડીવાર થવા દો. તેમાંનું તેલ છૂટું પડે તે સમયે એક વાટકી પાણી મેળવીને એક ઉકાળો આવે એટલે તેમાં પાપડી ગાંઠીયાને તોડીને તેના બારીક ટુકડા કરીને શાકની ગ્રેવીમાં મેળવી દો. ગેસની ધીમી આંચે શાક થવા દો. તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં 1 ચમચી પાઉંભાજી મસાલો મિક્સ કરી, સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.

આ ગરમાગરમ શાક ફુલકા રોટલી કે પરોઠા સાથે સારૂં લાગશે.