મસાલા બાજરી રોટલો

શિયાળામાં લીલું લસણ ભરપૂર મળે અને લીલા લસણવાળી કોઈપણ વાનગી બહુ જ સ્વાદિષ્ટ બને! વળી, ઠંડી ઋતુમાં બાજરી તેમજ લસણની ગરમ તાસીર ઉપરાંત પૌષ્ટિકતા અને સ્વાદ! તો તે માટે આપણે આપણાં ઋષિમુનિઓ તેમજ પૂર્વજોનો પાડ માનવો જોઈએ. તો, આપણે આવી વાનગી ઘરે જ બનાવી, આપણા બાળકોને પણ માહિતગાર કરીને, આપણી પરંપરા જાળવી રાખવી જોઈએ, ખરૂં ને?

સામગ્રીઃ

  • બાજરીનો લોટ 1 કપ
  • લીલા લસણના પાન 1 કપ
  • લસણની કળી 10-12
  • લીલી મેથીના પાન ½ કપ
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટે.સ્પૂન
  • ઘી અથવા માખણ રોટલો શેકવા માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલાં તીખાં મરચાં 3-4 (ઓછું તીખું ખાવું હોય તો લીલાં મરચાં મોળા લેવાં)
  • હીંગ 2 ચપટી
  • આદુ-લીલા લસણ અને મરચાંની પેસ્ટ 2-3 ટે.સ્પૂન

રીતઃ લીલું લસણ ધોઈને તેના લીલાં પાન સમારીને એક વાટકીમાં રાખો. લીલી મેથીના પાન કાઢીને ધોઈને પાણી નિતારીને રફલી સમારી લો. આદુ તેમજ લીલા લસણની કળીઓને અધકચરા પીસી લો.

એક તાસમાં બાજરીનો લોટ લઈ, તેમાં સમારેલાં લીલા લસણના પાન, કોથમીર, મેથીના પાન  મેળવી દો. તેમાં હીંગ, સ્વાદ મુજબ મીઠું, આદુ-મરચાં-લસણની પેસ્ટ મેળવીને હાથેથી લોટ મસળીને જરા જરા પાણી ઉમેરતાં જઈ લોટ બાંધવો. લોટને સરખા પ્રમાણમાં મસળીને તેમાંથી મોટી સાઈઝનો લૂવો લઈ લોટમાં રગદોળી એક પાટલાની સાઈઝનું જાડું પ્લાસ્ટીક લઈ તેની ઉપર આ રોટલો થાપી લો.

તવાને સરખો ગરમ કરીને ગેસની આંચ ધીમી મધ્યમ રાખીને રોટલો બે હાથોમાં લઈને હળવેથી તવા પર મૂકો. ½ મિનિટ બાદ તવેથા વડે હળવેથી રોટલો ઉથલાવો. 1 મિનિટ બાદ જો નીચેથી શેકાવા આવ્યો હોય તો ઉથલાવીને ગેસની આંચ ધીમી કરી દો. રોટલાની ઉપર તેમજ ફરતે ઘી રેડી દો. તવેથાની ધાર વડે રોટલા ઉપર થોડાં થોડાં છેદ કરી દો. જેથી માખમ તેમજ મસાલો તેમાં પચે. હવે રોટલાની ઉપર ½ ટે.સ્પૂન આદ-મરચાં-લસણની પેસ્ટ તેમજ 1 ટે.સ્પૂન સુધારેલું લીલું લસણ તેમજ 1 ટે.સ્પૂન ઘી અથવા માખણ ફેલાવીને તેની ઉપર 1 ટે.સ્પૂન ધાણાજીરુ પાઉડર છાંટીને રોટલાને ક્રિસ્પી થવા દો. આ રોટલાને 1 મિનિટ બાદ નીચે ઉતારીને તેના ચાર ટુકડા કરીને ઉપર કોથમીર ભભરાવીને આ રોટલો જમવામાં દહીં સાથે અને નાસ્તામાં પીરસવો હોય તો ચા સાથે પીરસો.