શિયાળામાં લીલા વટાણા સારા મળે છે. વટાણાના આ પૌષ્ટિક પૂડલામાં તમે તમને ભાવતાં બીજા વેજીટેબલ્સ પણ મેળવી શકો છો!
સામગ્રીઃ
- લીલા વટાણા 1 કપ
- લસણની 5-6 કળી
- સમારેલું આદુ 1 ઈંચ
- લીલા મરચાં 1-2
- દહીં 2 ટે.સ્પૂન
- 1 કાંદો
- ધોઈને બારીક સમારેલું ગાજર 1 ટે.સ્પૂન
- બારીક રવો ½ કપ
- અધકચરા વાટેલા કાળાં મરી ½ ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- ચપટી હીંગ
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- ધોઈને ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
- ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન
રીતઃ લીલા વટાણાને ધોઈને પાણી નિતારી લો. મિક્સીમાં વટાણા, લસણ, આદુ, મરચાં તેમજ દહીં ઉમેરીને બારીક વાટી લો. આ મિશ્રણમાં રવો, કાળા મરીનો પાવડર, તેમજ બાકીની સામગ્રી મેળવીને મિશ્રણ ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.
10 મિનિટ બાદ રવાને લીધે મિશ્રણ સૂકું થઈ ગયું હોય તો તેમાં થોડું પાણી ઉમેરીને પૂડલા માટે જરૂરી ખીરું બનાવી લો. હવે પૂડલા ઉતારવાના સમયે તેમાં ખાવાનો સોડા ઉમેરીને હળવેથી મિક્સ કરો.
ફ્રાઈંગ પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં 1 ટી.સ્પૂન તેલ ઉમેરીને એક કળછી વડે પૂડલાનું ખીરું નાખીને થોડું ફેલાવીને પેનને ઢાંકી દો. ગેસની આંચ ધીમી-મધ્યમ રાખવી. 2-3 મિનિટ બાદ પૂડલાને ઉથલાવી દો. ફરીથી 2-3 મિનિટ માટે થવા દો. ત્યારબાદ પૂડલાને ઉતારી લો.
આ જ રીતે બાકીના પૂડલા બનાવી લો.
તમે અપ્પે પેનમાં પણ આ ખીરા વડે અપ્પે બનાવી શકો છો.