મેથી પાપડનું શાક

સ્વાદમાં કડવા લાગતા મેથીદાણાના ગુણનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે. તે આપણા પાચનતંત્ર માટે ઘણા ઉપયોગી છે. આથી જ ભારતીય રસોઈમાં કોઈને કોઈ રીતે મેથીનો સમાવેશ કરવામાં આવે છે. પલાળેલા મેથીદાણાનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે!

 

 

સામગ્રીઃ  

  • મેથીદાણા 1 કપ
  • અડદના પાપડ 5-6
  • રાઈ ½ ટી.સ્પૂન
  • ચપટી હીંગ
  • સ્વાદ મુજબ પણ થોડું ઓછું મીઠું લેવું(પાપડમાં મીઠું હોય છે)
  • 2-3 કાંદા ઝીણા સમારેલા
  • 2 ટમેટા ઝીણા સમારેલા
  • 4-5 લીલા મરચાં ઝીણા સમારેલા
  • આદુ-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • કોથમીર 1 ટે.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાવડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ¼ ટી.સ્પૂન

રીતઃ મેથીને 2 પાણીએથી ધોઈને 7-8 કલાક માટે પલાળી દેવી. ત્યારબાદ કૂકરમાં 2-3 સીટી કરીને બાફીને એક બાજુએ મૂકી દો.

એક કઢાઈમાં 3 ટે.સ્પૂન તેલ ગરમ કરી હીંગનો વઘાર કરવો. ત્યારબાદ તેમાં કાંદા તથા મરચાં નાખી 2-3 મિનિટ સાંતડીને ટમેટાં ઉમેરી દો. 5-7 મિનિટ બાદ ટમેટાં નરમ થઈને ઓગળવા માંડે એટલે તેમાં મરચાં તેમજ હળદર પાવડર, ધાણાજીરૂ, ગરમ મસાલો નાખીને અડધો ગ્લાસ પાણી રેડી દો. પાંચેક મિનિટ બાદ બાફેલી મેથી ઉમેરીને ફરીથી 5 મિનિટ માટે શાક ઢાંકીને ચઢવા દો.

પાપડ શેકી લો અને તેના ટુકડા કરી શાકમાં મિક્સ કરીને 1 મિનિટ બાદ ગેસ પરથી ઉતારી લો. ઉપર કોથમીર ભભરાવી દો.