ફરાળી ભજીયા

શ્રાવણ માસના વ્રત-ઉપવાસ ચાલે છે, સાથે મેઘ પણ વરસે છે અનરાધાર! વરસાદમાં ભજીયા ખાવાનું કોને ના ગમે! તો વ્રત માટે ફરાળી ભજીયા પણ સહેલાઈથી બની શકે એમ છે!

સામગ્રીઃ

  • સાબુદાણા 1 કપ
  • બાફેલા બટેટા 2-3
  • આદુ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • શેકેલા શીંગદાણાનો અધકચરો પાઉડર ½ કપ
  • શિંગોડાનો અથવા રાજગરાનો લોટ ½ કપ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • શેકેલા જીરા પાઉડર ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1-2 ટી.સ્પૂન
  • સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું) સ્વાદ મુજબ
  • ખાંડ ½ ટી.સ્પૂન (optional)
  • તેલ તળવા માટે

રીતઃ સાબુદાણાને 2-3 પાણીએથી ધોઈને 7-8 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારીને એક બાઉલમાં સાબુદાણા લઈ તેમાં બાફેલા બટેટા છૂંદીને નાખો. તેમજ આદુ-મરચાંની પેસ્ટ, કાળાં મરી પાઉડર, શેકેલા શીંગદાણાનો ભૂકો, સમારેલી કોથમીર, શિંગોડાનો લોટ, જીરા પાઉડર, લીંબુનો રસ, સિંધવ મીઠું સ્વાદ મુજબ, ખાંડ (optional) મેળવીને ભજીયાનું ખીરું બનાવી લો. જરૂર લાગે તો એકાદ ચમચી પાણી ઉમેરો.

એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ભજીયા નાખો. ભજીયા નાખ્યા બાદ ગેસની આંચ મધ્યમ કરીને ભજીયા સોનેરી રંગના તળી લો.

આ ભજીયા કોથમીર-શીંગદાણાની લીલી ચટણી સાથે પીરસો.