મુઠિયા તળ્યા વગરના ચુરમાના લાડુ

ચુરમાના લાડુ એટલે મુઠિયા વાળો, તળો એનો ભૂકો કરીને મિક્સીમાં પીસો! ઓહો, કેટલી કળાકૂટ લાગે છે નહિં? અહીં ચુરમાના લાડુ બનાવવાની સહેલી રીત આપી છે. જેમાં લાડુ તો સ્વાદીષ્ટ જ બને છે!

સામગ્રીઃ

  • ઘઉંનો કરકરો લોટ 2 કપ
  • પાણી 1 કપ
  • તેલ 4 ટે.સ્પૂન
  • એલચી તેમજ જાયફળનો પાવડર 1 ટે.સ્પૂન
  • ગોળ ¾ કપ
  • ખસખસ 2 ટે.સ્પૂન
  • ઘી 1 ટે.સ્પૂન,

રીતઃ ઘઉંનો લોટ 2 કપ એક વાસણમાં કાઢીને એકબાજુએ મૂકી રાખો. ઘઉંનો લોટ જે કપથી માપીને લીધો હોય, તે જ કપ વડે 1 કપ પાણી એક તપેલીમાં ઉમેરો. તેમાં 4 ટે.સ્પૂન તેલ મેળવીને તપેલીને ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ-પાણી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરીને તપેલી નીચે ઉતારી લો.

આ તેલવાળા પાણીમાં ઘઉંનો લોટ ગઠ્ઠા ના પડે તે રીતે એક ચમચી વડે મિક્સ કરી લો. આ મિશ્રણ થોડું લોટ જેવું બંધાયુ હોવું જોઈએ.

એક થાળીમાં તેલ ચોપડીને લોટવાળું મિશ્રણ પાથરી દો. ઢોકળા બાફીએ તે રીતે એક કઢાઈમાં પાણી નાખીને સ્ટેન્ડ મૂક્યા બાદ તેને ગેસ પર ગરમ કરવા મૂકો. હવે સ્ટેન્ડ ઉપર લોટ પાથરેલી થાળી મૂકો. થાળીને ઢાંકી દો, જેથી વરાળમાંથી પાણીના ટીપાં તેની ઉપર ના પડે. ત્યારબાદ કઢાઈને પણ ઢાંકીને 15-20 મિનિટ સુધી આ મિશ્રણને બાફવા મૂકો. 20 મિનિટ બાદ ગેસની આંચ એકદમ ધીમી કરીને થાળીમાંથી ચપ્પૂ વડે એક ચમચી જેટલું મિશ્રણ બહાર નાની ડીશમાં કાઢો. ½ મિનિટ બાદ તેને મસળીને જોતાં જો એનો પાવડરની જેમ ભૂકો થઈ જાય તો મિશ્રણ તૈયાર છે અને ભૂકો થાય તેનો અર્થ કે લોટ પણ ચઢી ગયો છે, કાચો નથી. હવે ગેસ બંધ કરી દો.

મિશ્રણ ઠંડું થાય એટલે તેને મોટા તાસ અથવા કોઈ વાસણમાં કાઢીને હાથેથી ભૂકો કરી લો. ત્યારબાદ તેમાં એલચી-જાયફળનો પાવડર મિક્સ કરી દો.

એક ફ્રાઈ પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં 1 ટે.સ્પૂન ઘી ગરમ થાય એટલે સુધારેલો ગોળ ઉમેરીને ગરમ થવા દો. જેવો ગોળ ઓગળે એટલે તરત જ ગેસ બંધ કરીને ઓગળેલો ગોળ લોટના મિશ્રણમાં રેડી દો. આ મિશ્રણને ચમચા અથવા તવેથા વડે મિક્સ કરો. જરા ઠંડું થાય એટલે તેના લાડવા વાળી લો. આ લાડવા પર ખસખસ લગાડી દો. ત્યારબાદ આ લાડુ ખાવા માટે લઈ શકાય છે.