ચોકલેટ કૂકીઝ ડેઝર્ટ

ફક્ત પાંચ જ મિનિટમાં આ ડેઝર્ટ તૈયાર થાય છે!  મોંઢામાં મૂકતાં જ સ્વાદ મનને તરબતર કરી નાખે તેવો સ્ટ્રેસ બસ્ટર છે!

સામગ્રીઃ

  • કૂકીઝ 200 ગ્રા. (અથવા પારલે અથવા મારી બિસ્કિટ)
  • શેકેલા શીંગદાણા 2 કપ
  • કોકો પાઉડર 2 ટે.સ્પૂન
  • બટર 60 ગ્રા.
  • ડાર્ક ચોકલેટ અથવા સાદી ચોકલેટ 200 ગ્રા., તેમજ 150 ગ્રા.
  • ડ્રાઈફ્રુટના નાના ટુકડા
  • કિસમિસ 100 ગ્રા

રીતઃ શીંગદાણાને તેમજ બિસ્કીટને અલગ અલગ બહુ બારીક નહીં તેવા અધકચરા મિક્સીમાં ગ્રાઈન્ડ કરી લો. (રવા જેવો ભૂકો)

એક બાઉલમાં શીંગદાણા અને બિસ્કીટને મેળવી લો. તેમાં કોકો પાઉડર ચાળણીમાં ચાળીને મેળવી લો. હવે તેમાં બટર પણ મેળવી દો.

બીજા એક વાસણને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં ચોકલેટ નાખીને ગરમ થવા મૂકો. ચોકલેટ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ચોકલેટને બિસ્કીટવાળા મિશ્રણમાં સ્પેટ્યુલા વડે મેળવો. આ મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેમાંથી નાના ગોળા વાળી લો. દરેક ગોળા વાળતી વખતે તેમાં ડ્રાઈફ્રુટના થોડાં ટુકડા સાથે એક કિસમિસ મૂકીને ગોલા વાળી લો. આ તૈયાર ગોળાને ફ્રીઝમાં 1-2 કલાક માટે મૂકો.

2 કલાક બાદ ચોકલેટ કૂકીઝ બહાર કાઢી લો. હવે ચોકલેટ ઓગાળવાના વાસણમાં બાકી રાખેલી 150 ગ્રામ ચોકલેટ ઓગાળી લો અને તૈયાર કૂકીઝ ઉપર રેડી દો. સજાવટ માટે ઉપર ડ્રાઈ ફ્રુટનો ભૂકો ભભરાવી દો. ઉપર રેડેલી ચોકલેટને ફરીથી ફ્રીઝ કરવા 10 મિનિટ માટે ટ્રેને ફ્રીઝરમાં મૂકી દો. ત્યારબાદ આ ચોકલેટ કૂકીઝને ખાવાના ઉપયોગમાં લો.