અમદાવાદની પ્રખ્યાત આલૂ મટર સેન્ડવિચ બનાવવા માટે કોઈ ટોસ્ટર કે તવાની જરૂર નથી પડતી. તેના વગર પણ તે ઝટપટ બની જાય છે.

સામગ્રીઃ તેલ 2 ટે.સ્પૂન, બટર 1 ટે.સ્પૂન, લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, ગરમ મસાલો 1 ટી.સ્પૂન, લીંબુનો રસ 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ખાંડ 1 ટી.સ્પૂન, બાફેલા વટાણા ½ કપ, બાફેલા બટેટા 4-5, હીંગ 2-3 ચપટી, સમારેલી કોથમીર 1 કપ, ખાંડ ¼ ટી.સ્પૂન, ચણાના લોટની ઝીણી સેવ
લીલી ચટણીઃ ધોઈને સમારેલી કોથમીર 2 કપ, આદુનો ટુકડો 1 ઈંચ, લીલા મરચાં 4-5, લીંબુનો રસ 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, બરફના ટુકડા 2-3, શીંગદાણા 2 ટે.સ્પૂન, કળીપત્તાના પાન 10-12
તીખી લસણની ચટણીઃ સૂકા લાલ મરચાં 8-10, લસણની કળી 10-12, સ્વાદ મુજબ મીઠું,
રીતઃ એક પેનમાં તેલ તેમજ બટર ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં હીંગ તેમજ બધાં સૂકા મસાલા મેળવીને તરત જ વટાણા તેમજ બટેટા છૂંદો કરીને મેળવી દો. લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, સમારેલી કોથમીર તેમજ ખાંડ પણ મેળવી દો. 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.
લીલી ચટણી માટે મિક્સીમાં ધોઈને સમારેલી કોથમીર તેમજ કળીપત્તાના પાન લો. તેમાં આદુ-મરચાં, શીંગદાણા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું તેમજ બરફના ટુકડા મેળવી ઘટ્ટ ચટણી પીસીને એક બાઉલમાં કાઢી લો.
લસણની ચટણી માટે સૂકા લાલ મરચાંને ગરમ પાણીમાં 10-15 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ મરચાંને મિક્સીમાં લઈ તેમાં લસણની કળી જીરુ, સ્વાદ પ્રમાણે મીઠું મેળવીને બારીક તેમજ ઘટ્ટ ચટણી પીસી લો.
બ્રેડની કિનારી કટ કરી લો. દરેક બ્રેડ ઉપર બટર લગાડી દો તેમજ એક બ્રેડ ઉપર લીલી ચટણી અને બીજી બ્રેડ ઉપર લસણની ચટણી લગાડી લો. એક બ્રેડની ઉપર બટેટા વટાણાનું પૂરણ ફેલાવીને લગાડી લો અને ઉપર ઉપરની બ્રેડ ઉપર થોડું માખણ તેમજ લસણની ચટણી લગાડીને બીજી બ્રેડ ગોઠવી દો. ઉપર ટોમેટો કેચ-અપ લગાડી, ઝીણી સેવ ભભરાવીને સેન્ડવિચના ચપ્પૂ વડે પીસ કરીને સેન્ડવિચ પીરસો.



