પહેલી જાન્યુઆરીથી થયાં 4 ફેરફાર… કયા?

2017ના વર્ષને અલવિધા કહી દીધી છે અને આજે પહેલી જાન્યુઆરીને સોમવારથી નવા વર્ષ 2018ની શરૂઆત થઈ છે. ત્યારે નવા વર્ષ નિમિત્તે આપને પણ સરકાર તરફથી કેટલીક ભેટ મળવા જઈ રહી છે, અને કેટલાક ઝટકાઓ પણ… હકીકતમાં સરકારે 1 જાન્યુઆરી, 2018થી કેટલાક નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે આપને ફાયદા અને નુકસાન બંન્ને થશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયોની આપના પર સીધી અસર પડવાની છે. ત્યારે આવો જાણીએ કે નવા વર્ષની શરૂઆત પર સરકાર આપને શું નવું આપ્યું છે.

ઘર બેઠા મોબાઈલ સિમકાર્ડનુ આધાર સાથે લિંકિંગ

પહેલી જાન્યુઆરી, 2018થી આપને ઘરેબેઠા જ પોતાનું મોબાઈલ સીમકાર્ડ આધાર સાથે લિંક કરવાની સુવિધા પ્રાપ્ત થવાની છે. સામાન્ય રીતે આ સુવિધા 1 ડિસેમ્બરથી શરૂ થવાની હતી. પરંતુ ટેલિકોમ કંપનીઓની તૈયારીઓ પૂર્ણ ન થતાં આની સમય મર્યાદામાં એક મહિનાનો વધારો કરવામાં આયો છે. હવે આપ 1 જાન્યુઆરીથી ઓટીપી અને અન્ય માધ્યમોથી સિમકાર્ડને ઘરે બેઠા આધાર સાથે લિંક કરી શકશો.

એસબીઆઈએ ઘટાડ્યો રેટ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી જો તમે બેઝ રેટ પર લોન લીધી છે, તો આપના માટે રાહતના સમાચાર છે. એસબીઆઈએ બેઝ રેટ 8.95 ટકાથી ઘટાડીને 8.65 ટકા કરી દીધો છે. આ જ પ્રકારે બેંકે બેઝ રેટમાં 0.30 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી જ લાગુ થઈ ગયા છે. બેઝ રેટમાં ઘટાડાનો ફાયદો બેંકના જૂના હોમ, ઓટો અથવા પર્સનલ લોન કસ્ટમર્સને હશે. કારણ કે 1 એપ્રિલ 2016થી તમામ બેંક માર્જિનલ કોસ્ટ લેંડિંગ રેટ પર લોન આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે વ્યાજદર નક્કી કરવાને લઈને રિઝર્વ બેંકે MCLRની શરૂઆત કરી છે.

ડેબિટ કાર્ડથી ચૂકવણી થશે સરળ

પહેલી જાન્યુઆરી, 2018થી ડેબિટ કાર્ડથી ચૂકવણી કરવી સસ્તી થશે. કારણકે નવા વર્ષે આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા એમડીઆર ચાર્જ લાગુ થશે. એમડીઆર એટલે કે મર્ચંટ ડિસ્કાઉંટ રેટ ચાર્જ કે જે ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવાથી દુકાનદાર પર લાગે છે. આ ચાર્જ ગ્રાહકોને આપવાનો નથી હોતો પરંતુ કેટલાક દુકાનદાર ડેબિટકાર્ડથી ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકો પાસેથી 2 ટકા ચાર્જ વસુલે છે. આરબીઆઈના નિયમ અનુસાર હવે 20 લાખ રૂપિયા સુધી વાર્ષિક ટર્નઓવરવાળા લોકો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન MDR 200 રૂપિયાથી વધારે નહી હોય. તો બીજીતરફ 20 લાખથી વધારે ટર્નઓવરવાળા લોકો માટે MDR પ્રતિ ટ્રાન્ઝેક્શન 1000 રૂપિયાથી વધારે નહી હોય. તો સરકારે 2000 રૂપિયા સુધીની ખરીદી પર MDR સરકાર જ ભરશે તેવો નિર્ણય કર્યો છે.

પીપીએફના દર ઘટ્યા હવે ઈપીએફનો વારો

કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા જ પબ્લિક પ્રોવિડંડ ફંડ એટલે કે પીપીએફ પર વ્યાજદર 7.8 ટકાથી ઘટાડીને 7.6 ટકા કરી દીધા છે. પીપીએફ પર ઈન્ટરેસ્ટ રેટમાં કપાત ઈપીએફ પર ભારે પડી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન જાન્યુઆરી 2018માં જ્યારે ઈપીએફ પર વ્યાજદર નક્કી કરવા માટે બેસશે, ત્યારે તેના પર પીપીએફ પર વ્યાજદર અને ઈપીએફ પરના વ્યાજદર વચ્ચે સંતુલન બનાવી રાખવાનું દબાણ હશે. પીપીએફ અને ઈપીએફ વચ્ચે વ્યાજના દરનું અંતર વધીને 105 બેસિસ પોઈન્ટ થઈ ગયું છે. આવામાં આનું નુકસાન ઈપીએફઓને કરોડો પીએફ મેમ્બર્સને ઓછા વ્યાજદર તરીકે ઉઠાવવું પડી શકે છે. એટલે કે ઈપીએફ પર 2017-18 માટે વ્યાજદર ઓછા થઈ શકે છે. ગત વર્ષે ઈપીએફ પર 8.65 ટકા વ્યાજ જાહેર કરવામાં આવ્યું હતું.