GSTના અમલ પછીનું પ્રથમ બજેટ જેટલીની કસોટી

હેલી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે. જીએસટીના અમલીકરણ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન અરુણ જેટલી માટે આ બજેટ કસોટીરૂપ હશે. એક દેશ એક ટેક્સનું માળખુ અમલી બન્યું છે. જેથી આમ તો આ બજેટમાં ટેક્સમાં ઘટાડો વધારો જેવું કાંઈ નહી હોય, બજેટ ફિક્કું હશે, પણ મોદી સરકારના આર્થિક સુધારા અને આર્થિક તુલાને કઈ રીતે સ્થિર કરી શકે છે. તે ખૂબ મહત્વનું બની રહેશે. 2019માં લોકસભા ચૂંટણી આવી રહી છે, તે અગાઉ મોદી સરકાર માટે આ બજેટ નિર્ણાયક ભૂમિકા ભજવશે. કેમ કે 2019માં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થશે, જેથી કેન્દ્ર સરકાર માટે 2018નું પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટએ આગામી પાંચ વર્ષ માટેની આર્થિક રૂપરેખા નક્કી કરનાર હશે.આમ જોવા જઈએ તો ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં જ ફિસ્કલ ડેફિસીટ ટાર્ગેટની મર્યાદાના અનુમાન કરતાં વધી 96 ટકાએ પહોંચી ગઈ છે. જે ચિંતાજનક છે. તેમજ આઈઆઈપી ગ્રોથ ઘટ્યો છે. ફુગાવાનો દર વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે, જેને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. આગામી દિવસોમાં મોંઘવારી હજી વધુ વધી શકે છે. જીએસટી પછી વેપારીઓ પર બોજો વધ્યો છે અને જીએસટી રીટર્ન ફાઈલ કરવામાં હજી પણ મુશ્કેલીઓ પડી રહી છે. આમ જનતા જીએસટી પછી નિરાશ છે, આ નારાજગી દૂર કરવા માટે નાણાંપ્રધાન અરૂણ જેટલી કેવા પગલા ભરે છે, તેના પર સૌની મીટ છે.

જીડીપી ગ્રોથ સતત ઘટી રહ્યો છે, અને તાજેતરમાં 2017-18ના વર્ષમાં જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કરાયું છે. જો કે વર્લ્ડ બેંકે 2018-19માં જીડીપી ગ્રોથ વધીને 7.3 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે. પણ જીએસટીનું કલેક્શન ઘટી રહ્યું છે, જે સરકાર માટે ચિંતાનો વિષય રહ્યો છે, જો જીએસટીનું કલેક્શન ઘટીને આવે તો મોદી સરકાર બજેટમાં જીએસટીના રેટમાં કોઈ ઘટાડો નહી કરે. ઉલ્ટાનું ટેક્સ કલેક્શન વધે તે માટે ટેક્સના માળખાનું વિસ્તરણ કરશે, અને વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવવાના પ્રયાસો કરાશે.

બજેટ રજૂ થાય તે પહેલા આશા અને અપેક્ષાઓ શરૂ થઈ ગઈ છે. આવકવેરાની મુક્તિ મર્યાદા 3 લાખ કરાશે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાશે. કરવેરાનું સરળીકરણ કરાશે. દર વર્ષની જેમ આ વર્ષે આવી જ અપેક્ષાઓ સરકાર પાસે છે. બજેટમાં વધુ પડતી આશા-અપેક્ષા નિરાશામાં જ પરિણમે છે.

બજેટ રજૂ થાય તે પહેલા મોદી સરકારે આર્થિક સુધારા કરવાના શરૂ કરી દીધા છે. સિંગલ બ્રાન્ડ રીટેઈલમાં 100 ટકા એફડીઆઈને ઓટોમેટિક રૂટથી મંજૂરી આપી દીધી છે. તે ઉપરાંત કેબિનટની બેઠકે કન્સ્ટ્રક્શન અને એવિએશન સેકટરમાં એફડીઆઈના નિયમો સરળ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે, તેનાથી એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટનો માર્ગ સરળ થઈ જશે. આ નિયમો સરળ કરવાથી આ સેકટરમાં વિદેશી રોકાણ વધશે. સાથે વિદેશી કંપનીઓ હવે ભારતમાં ખુબ આસાની રોકાણ લાવી શકશે. તેને કારણે ભારતમાં રોજગારી પણ વધશે.

બજેટ અગાઉ મોદી સરકારે કરેલા આર્થિક સુધારા

  • સિંગલ બ્રાન્ડ રીટેઈલ ઉપરાંત એવિએશન અને કન્સટ્રક્શન સેકટરમાં ઓટોમેટિક રૂટથી 100 એફડીઆઈને મંજૂરી આપી છે.
  • તે ઉપરાંત મેડિકલ ડિવાઈસમાં વિદેશી રોકાણની શરતોને સરળ કરાઈ છે, અને મેડિકલ ડિવાઈસની પરિભાષા બદલાઈ છે.
  • ભારતીય કંપનીઓ અને એલએલપીમાં મૂડી રોકાણ સાથે જોડાયેલ કંપનીઓમાં 100 ટકા સુધી એફડીઆઈ ઓટોમેટિક રૂટથી લાવવાની છૂટ અપાઈ છે.
  • એર ઈન્ડિયામાં 49 ટકા એફડીઆઈને મંજૂરી, એર ઈન્ડિયામાં 49 ટકા સુધી વિદેશી રોકાણ છતાં મેનેજમેન્ટ કન્ટ્રોલ ભારતીયના હાથમાં રહે તે જરૂરી રહેશે.

ટૂંકમાં હવે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં ભારતીય અર્થતંત્રની મંદીને દૂર કરવા માટે શું રોડમેપ રજૂ કરે છે, તે ખૂબ મહત્વનું બની રહેશે. આમ જનતાના મતે બજેટ લોકપ્રિય હશે, તો બીજી તરફ લોકપ્રિય હશે તો ફિસ્કલ ડેફિસિટને કન્ટ્રોલ કેવી રીતે કરાશે. બજેટમાં અનેક મુદ્દા છે… જેમ કે ખેડૂતોની આવક બમણી કરવાનો પ્લાન હશે, દેશ આર્થિક રીતે સધ્ધર બને તેવા પ્રયાસો કરાશે, સબસીડીમાં કાપ મુકાશે, સરકારી ખર્ચ વધારાશે, ઈન્ફ્રાસ્ટ્રકચર- રીઅલ એસ્ટેટ સેકટરને પ્રોત્સાહન મળે તેવા પગલા હશે, બેંકિંગ સેકટરની એનપીએ ઘટે તે માટે સરકાર રોકાણની જોગવાઈ કરશે, નવી રોજગારીનું સર્જન થાય તે માટે ચોક્કસ પગલા હશે, જીડીપી ગ્રોથ કેમ કરીને વધે, ઔધોગિક ઉત્પાદન વધે અને ફુગાવાનો દર કેમ ઘટે તે માટે આર્થિક જગતના નિષ્ણાતોના સૂચનો મુજબ જોગવાઈઓ કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]