જી-20 સમિટ ભારત માટે કેટલી ફળદાયી?

જાપાનના ઓસાકામાં જી-20 સમિટ પૂર્ણ થઈ છે. જે બેઠક ભારત માટે કેટલી ફળદાયી રહી, તે ચર્ચાનો વિષય બન્યો છે. આમ જોવા જઈએ તો જી-20 સમિટ ભારત માટે ખુબ જ મહત્વની હતી. હાલ અમેરિકા, ચીન અને ભારત વચ્ચે ટ્રેડવૉર ચાલી રહ્યુ છે, આવા સંજોગોમાં જી-20 સમિટ ટ્રેડવૉરને હળવું કરવા અને બ્રિક્સ દેશોના આર્થિક વિકાસ સાંધવાનું પ્લેટફોર્મ બની રહેશે, તેવી આશા છે. પણ આપણે ભારતની જ વાત કરીએ તો હાલ ભારતની આર્થિક સ્થિતી કપરી છે, આર્થિક રીતે નબળા સંજોગોમાંથી ભારત પસાર થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી પતી, અને મોદી સરકાર ફરીથી સ્પષ્ટ બહુમતી સાથે ફરીથી સત્તામાં આવી છે. ત્રણ મહિના સુધી આર્થિક મુદ્દે સરકાર કોઈ નિર્ણય લઈ શકી નથી, પણ હવે મોદી સરકાર એક્શનમાં આવી છે.

ભારતમાં જીડીપી ગ્રોથ ઘટ્યો છે. મોંઘવારી વધી છે. ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું છે. કરન્ટ એકાઉન્ટની ડેફિસીટ વધીને આવી છે. ઓટોમોબાઈલ સેકટરમાં ડિમાન્ડ ઘટી છે. જીએસટીનું ક્લેક્શન ઘટ્યું છે. આમ આર્થિક રીતે જોઈએ તો આ આંકડા ચિંતા ઉપજાવે તેવા છે. હવે મોદી સરકાર સત્તા પર આરૂઢ થઈ છે, અને એક્શનમાં પણ આવી ગઈ છે. નવા નાણાપ્રધાન નિર્મલા સીતારમન 5 જુલાઈએ પ્રથમ બજેટ રજૂ કરશે, જેમાં આગામી પાંચ વર્ષનો આર્થિક સુધારાનો રોડમેપ હશે, વિદેશી રોકાણ ભારતમાં કેમ વધે તેના પર વિશેષ ભાર મુકાશે અને જીડીપી ગ્રોથ કેમ વધે તેવા પગલા ભરાશે, તે ચોક્કસ છે. જીએસટી અને આવકવેરાને વધુ સરળ કરાશે.

જાપાનના ઓસાકામાં 28 અને 29 જૂન દરમિયાન જી-20 સમિટ મળી હતી. જેમાં 20 દેશોના વડાઓએ દ્વિપક્ષીય વાટાઘાટો કરી, અને બ્રિક્સ દેશોની બેઠક પણ યોજાઈ. ખાસ ધ્યાન ખેંચે તેવો મુદ્દો હતો ટ્રેડવૉર… અમેરિકા, ચીન અને ભારત વચ્ચે ટ્રેડવૉર ચાલી રહ્યું છે. અમેરિકા ફર્સ્ટની નિતીને કારણે અમેરિકાએ ચીન અને ભારતની ચીજવસ્તુઓ પર આયાત ડયૂટી વધારી દીધી છે. આમ ચીન અને ભારતની નિકાસ ઘટે તે સ્વભાવિક છે. તેમજ વીઝા આપવામાં પણ તેમણે મર્યાદા નક્કી કરી છે. જેનાથી ભારતનો આર્થિક વિકાસ અટકે તે સ્વાભાવિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે, પણ અમેરિકા ફર્સ્ટની નિતીને કારણે તેઓ આમ કરી રહ્યા છે, તેની સાથે તેમણે એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે ભારત પણ અમેરિકાની ચીજ વસ્તુઓ પર વધુ ડ્યૂટી વસુલે છે.

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વેપાર સહિત અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ છે. તેમજ બન્ને દેશો બિઝનેસના કેટલાક નિયમો સરળ કરવા માટે રાજી થયા છે. બન્ને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર વિવાદો અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેની સાથે વેપાર મુદ્દે સર્જાયેલા વિવાદો અને પ્રશ્નો ઉકેલવા માટે વાણિજ્યપ્રધાનોની બેઠક માટે સહમતી દર્શાવી છે. જેથી આપણે આશા રાખવી રહી કે હવે અમેરિકા અને ચીન વચ્ચે વેપારીક સંબધો વધુ સારા બનશે. જો કે ટ્રમ્પે એમ કહ્યું હતું કે ભારત અને અમેરિકા પહેલા કરતાં વધુ નજીક આવ્યા છે, અને સંબધો વધુ મજબૂત બન્યા છે. દ્વિપક્ષીય બેઠક શરૂ થાય તે પહેલા ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકાના ઉત્પાદનો પર આયાત ડ્યૂટીને વધારે ગણાવી હતી, અને તેને પાછી લેવા માંગ કરી હતી. જી-20 સમિટ પહેલા ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે હુ વડાપ્રધાન મોદી સાથે આ મુદ્દે વાતચીત કરીશ. ભારત દ્વારા અમેરિકા પર કેટલાય વર્ષોથી વધારે ડ્યૂટી વસુલે છે અને હમણા તેમાં વધુ વધારો કર્યો છે. તે બાબત અસ્વીકાર્ય છે. ડ્યૂટીના વધારાને પાછો લેવો પડશે.

અત્રે નોંધનીય છે કે અમેરિકા દ્વારા ભારતની કેટલીક વસ્તુઓ પર વેપારીક લાભને(જીએસપી) સમાપ્ત કરી નાંખ્યો હતો, તેના જવાબમાં ભારેત 15 જૂનથી અમેરિકાથી આયાત થતી અખરોટ અને સફરજન સહિત કેટલીક વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારી દીધી છે. આ વધારેલા દર 16 જૂનથી લાગુ કરાયા છે.

પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચે 40 મિનીટ સુધી ચર્ચા થઈ હતી. જેમાં વેપાર, સંરક્ષણ સંબધો,  5-જી કોમ્યુનિકેશન અને ઈરાનના મુદ્દા પર વાતચીત થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હાલ ત્રણ મુખ્ય પડકારો પર ધ્યાન પર લાવવા માંગુ છું, અર્થવ્યવસ્થામાં મંદી અને અનિશ્રિતતા, નિયમો પર આધારિત બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય વેપાર પર એકતરફી નિર્ણયો અને હરિફાઈ હાવી થઈ રહી છે. બીજી તરફ વધતી જતી માર્કેટિંગ ઈકોનોમીમાં સંસાધનોની ખેંચ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે અંદાજે 1.3 ટ્રિલિયન ડૉલરની અછત છે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય અને વેપારી સંસ્થાઓ અને સંગઠનોએ જરૂરી સુધારા પર ભાર આપવો જોઈએ. સતત આર્થિક વિકાસ માટે આવશ્યક ઉર્જાના સંસાધન, તેલ અને ગેસ ઓછી કીમતો પર મળવા જોઈએ, વિશ્વભરમાં કુશળ કારીગરોની આવનજાવન સરળ હોવી જોઈએ. તો તેનો લાભ અન્ય દેશોને મળશે, પીએમ મોદીએ આ વાત વધુ ભાર મુક્યો હતો. કહેવાય છે કે અમેરિકા તરફથી એચબી વન વીઝાના નિયમો કડક કર્યા છે, ત્યારે તેમણે સીધો સંકેત આપ્યો છે.

જી-20 સમિટમાં ભલે કોઈ નિષ્કર્ષ ન નિકળ્યું હોય, પણ એક વાત ચોક્કસ છે કે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં પોતાની સમસ્યાઓ રજૂ કરવાનું પ્લેટફોર્મ મળ્યું છે, રજૂઆતો સાંભળી છે, તો તે સમસ્યાનો ઝડપી ઉકેલ આવશે, તેવી આપણે આશા રાખીયે. અને ભારતના આર્થિક વિકાસને વધુ વેગવાન બનાવવામાં જી-20 સમિટનું યોગદાન પણ રહેશે.