સીતારામનનું બજેટઃ નાના દુકાનદારો માટે પેન્શન સુવિધા

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે લોકસભામાં એમનું પ્રથમ કેન્દ્રીય બજેટ રજૂ કરીને એવા દુકાનદારો અને વેપારીઓ માટે રાહતની જાહેરાત કરી છે જેમનું ટર્નઓવર રૂ. દોઢ કરોડથી ઓછું હશે. એવા નાના ધંધાદારીઓ માટે પેન્શનની જાહેરાત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી કર્મયોગી માનધન યોજના અંતર્ગત એવા દુકાનદારો, વેપારીઓને પેન્શન પૂરું પાડવામાં આવશે જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. દોઢ કરોડથી ઓછું હોય.

સીતારામને વધુમાં જણાવ્યું કે તમામ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) રજિસ્ટર્ડ માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝીસ માટે બે ટકા ઈન્ટરેસ્ટ સબવેન્શન માટે રૂ. 350 કરોડનું ભંડોળ ઊભું કરાશે.

દુકાનદારોને લોનની સુવિધા

તમામ નાના દુકાનદારોને લોન આપવાની જાહેરાત કરાઈ છે. આનો લાભ દેશના 3 કરોડથી વધારે નાના દુકાનદારોને મળશે.

60 વર્ષની વય બાદ પેન્શન મળશે

નાના દુકાનદાર, વેપારીઓ તેમજ સ્વરોજગાર કરનારી વ્યક્તિઓને 60 વર્ષની વય બાદ લઘુત્તમ 3000 રૂપિયાનું માસિક પેન્શન મળશે.

ભારતીય જનતા પાર્ટીએ તેના ચૂંટણી ઘોષણાપત્રમાં આ વચન આપ્યું હતું અને હવે સરકાર એ વચન પૂરું કરશે.