સપનાં તો સપનાં કહેવાય, ઠોસ પગલાંનો અભાવ

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને મોદી સરકારની સેકન્ડ ઈનિંગનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે, લોકસભા ચૂંટણીમાં દેશની જનતાએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા પછી જનતાની અપેક્ષા મોદી સરકાર પાસે વધે તે સ્વાભાવિક છે. મહિલા નાણાપ્રધાન નિર્મલા સીતારમને જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે બજેટને બ્રીફકેસમાં લાવવાને બદલે લાલ કપડામાં વીંટીને લાવ્યાં હતાં, અને તેને ‘વહીખાતા’ કહ્યું હતું. પહેલા એમ કહેવાતું હતું કે બજેટ એટલે બોજો. પણ હવે બજેટની વ્યાખ્યા બદલાઈ અને તેને વહીખાતા નામ અપાયું. હિન્દીમાં વહીખાતા અને ગુજરાતીમાં આપણે તેને ખાતાવહી કહીએ. આ ખાતાવહી મોદી સરકારનું આગામી 10 વર્ષનું વીઝન અને પાંચ વર્ષનો રોડમેપ રજૂ કરે છે. જો કે પ્રથમ નજરે બજેટ સ્વપ્નશીલ છે. ઠોસ કહી શકાય તેવા નક્કર પગલાનો અભાવ છે.

હાલ ભારતની ઈકોનોમી ખરાબ સ્થિતીમાંથી પસાર થઈ રહી છે. જીડીપી ગ્રોથ ઘટીને 7 ટકાની નીચે જતો રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું છે, બેરોજગારીનો દર વધ્યો છે, ફિસ્કલ ડેફિસીટ વધી છે, મોંઘવારી વધી છે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે, છેલ્લા કવાર્ટરમાં વિદેશી રોકાણ પણ ઘટ્યું છે, જીએસટીમાં રેવન્યૂ ઘટી છે, આમ તમામ મોરચે ઈકોનોમીના નેગેટિવ સમાચાર આવી રહ્યા છે. એવા સમયે મહિલા નાણાપ્રધાન નિર્મલા સીતારમનનું પ્રથમ બજેટ રજૂ થાય ત્યારે તે બજેટમાં ખુબ જ આશા અને અપેક્ષા હોય તે સ્વભાવિક છે. નિર્મલા સીતારમન માટે ઈકોનોમીને બેઠી કરવાનું કપરુ કામ માથે આવ્યું છે. શું આ બજેટથી ઈકોનોમી બેઠી થશે ખરી? રોજગારીમાં વધારો થશે? જીડીપી ગ્રોથ વધશે? કારણ કે બેરોજગારીના મુદ્દાને લઈને જ મોદી સરકાર પર ખુબ માછલા ધોવાયા છે.

અત્યાર સુધી બજેટ આવવાની રાહ જોવાતી હતી, તે બજેટ આવી ગયું છે. બજેટનું કદ 3 લાખ કરોડની સપાટી કૂદાવી ગયું છે, નિર્મલા સીતારમને તેને 2025માં 5 લાખ કરોડ લઈ જવાની નેમ દર્શાવી છે. નાણાપ્રધાને બજેટમાં ખુબ ફુલગુલાબી ચિત્ર હોય તે રીતે તમામ સેકટરમાં નાણાની ફાળવણી કરી છે. પણ ઈકોનોમીને બુસ્ટ મળે તે રીતે ફાળવણી તો કરી છે. પણ તે કેટલી સફળ થશે તે સવાલ છે. ન્યૂ ઈન્ડિયા બનાવવા માટેનો દસ્તાવેજ ગણાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ રજૂ થયા પછી પ્રતિક્રિયા આપી હતી, અને કહ્યું હતું કે ભારતને પાવરહાઉસ બનાવવામાં મદદરૂપ કરશે. દેશ આજે આશા અને આત્મવિશ્વાસથી ભરેલો છે.

આ બજેટમાં ઈકોનોમીને અસર કરે તેવી અતિમહત્વની દરખાસ્ત પર એક નજર કરીએ…

– ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને પ્રોત્સાહન મળે તે માટે અફોર્ડેબલ હાઉસીંગને વેગ આપવા માટે રૂપિયા 45 લાખ સુધીના મકાન માટે 31 માર્ચ, 2020 સુધીમાં લેવાયેલ લોન પરના ચુકવાયેલા વ્યાજમાં રૂપિયા 1.50 લાખ વધુ ડિડક્ટ થશે.

– હોમલોનના વ્યાજ પર કુલ 3.5 લાખ રૂપિયા સુધીની કરરાહત આપવાની જાહેરાત કરી છે. એટલે કે 45 લાખ રૂપિયા સુધીના મકાનની ખરીદી પર કુલ રૂપિયા 3.50 લાખના વ્યાજ પર કોઈ ટેક્સ લાગુ થશે નહી.

– રોડ રસ્તા માટે બજેટ પર વિશેષ ભાર અપાયો છે, જેનાથી ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને વેગ મળશે.

– આગામી પાંચ વર્ષ દરમિયાન સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચરમાં 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જેના માટે એક વિશેષ સમિતી બનાવશે, અને તે પરિવહન ક્ષેત્ર પર સીધું ધ્યાન આપશે.

– સરકારી બેંકોની સ્થિતીને વધુ મજબૂત બનાવવા માટે બેંકો માટે રૂપિયા 70,000 કરોડની ફાળવણી કરી છે, જે બેંકો માટે પોઝિટિવ છે.

– સરકારી બેંકોની નાણાકીય સ્થિતીમાં સુધારો થયો છે. ગત વર્ષે બેંકોની એનપીએમાં 1 લાખ કરોડનો ઘટાડો થયો છે. જે બેંકો માટે પોઝિટિવ ફેકટર છે.

– નેશનલ હાઈવેથી દેશની સીમાઓ અને દરિયાકાંઠાના વિસ્તારોને જોડવામાં આવશે. આ પરિયોજનાને ભારતમાલા નામ અપાયું છે.

– 2022 સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તેવી યોજના છે.

– 10 હજાર ખેડૂત ઉત્પાદન સંગઠનની રચના કરાશે, તેમજ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા તરફ સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે.

– 400 કરોડના ટર્નઓવરવાળી કંપનીઓને 25 ટકાના કોર્પોરેટ ટેક્સમાં આવરી લીધી છે, પહેલા 250 કરોડના ટર્નઓવરવાળી કંપનીઓ હતી. 400 કરોડથી વધુના ટર્નઓવરવાળી કંપનીઓએ 30 ટકાના દરે કોર્પોરેટ ટેક્સ ચુકવવો પડશે. 99.3 ટકા કંપનીઓને 25 ટકાના કોર્પોરેટ ટેક્સમાં આવરી લેવાઈ છે.

– મીડિયા, એવિએશન, ઈન્સ્યોરન્સ અને સીંગલ બ્રાન્ડ રીટેઈલમાં સીધુ વિદેશી રોકાણ વધે તેવી દરખાસ્ત કરાઈ છે.

– વિદેશી ઈન્સ્યોરન્સ કંપનીઓની શાખા માટે 100 ટકા  એફડીઆઈને મંજૂરી આપી છે.

– જાહેરક્ષેત્રના એકમોનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવા માટે સરકારે આ બજેટમાં કુલ રૂપિયા 1.05 લાખ કરોડનો લક્ષ્યાંક મુક્યો છે.

– ડિજિટલ વ્યવહારોને પોત્સાહન આપવા માટે બેંકોમાંથી એક કરોડથી વધુના રોકડ ઉપાડ પર બે ટકા ટીડીએસ કપાઈ જશે

– અમીરો પર કોરડો વીંઝાયો છેઃ વાર્ષિક આવક રૂપિયા 2થી 5 કરોડ સુધી હોય તો તેવા સુપરરીચ લોકોએ 3 ટકા વધારાનો સરચાર્જ આપવો પડશે. અને રૂપિયા 5 કરોડથી વધુની આવકવાળાઓએ 7 ટકા વધારાનો સરચાર્જ ચુકવવો પડશે.

– પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયાની એક્સાઈઝ ડયૂટી વધારી છે, જેનાથી પેટ્રોલ-ડીઝલ રૂપિયા 2.50 મોંઘા થયા છે.

– સોના પર કસ્ટમ ડયૂટી 10 ટકાથી વધારીને 12.50 ટકા કરી છે.

 

આ મહત્વની દરખાસ્તો હતી, જેના પર મોદી સરકાર હવે કામ કરશે. આમ જોવા જઈએ આ બજેટની જે દરખાસ્તો છે તે સીધી રીતે ઈકોનોમીને બુસ્ટ કરે, તેવી કોઈ દરખાસ્ત નથી. પાંચ વર્ષનો રોડમેપ રજૂ કરાયો છે, તેના પર મોદી સરકાર આગળ ઉપર કામ કરશે. પણ હાલની સ્થિતીએ ઈકોનોમીની જે હાલત છે, તેને પગલે વિદેશી રોકાણકારો(એફઆઈઆઈ)માં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા ત્રણ મહિનાથી વિદેશી રોકાણકારોનું ખાસ કમીટમેન્ટ નથી. આ બજેટ પછી શેરબજારમાં નિરાશા વ્યાપી ગઈ છે.

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવૉરનો ફાયદો ભારતને મળવો જોઈએ, પણ ભારત તે ફાયદો મેળવી શક્યું નથી. ફર્સ્ટ અમેરિકનની નીતિને પગલે અમેરિકાએ પણ ભારતથી આયાત થતી વસ્તુઓ પર ડ્યૂટી લાદી છે, અને વીઝા આપવાની નીતિ પણ કડક કરી છે. જો કે સામે ભારતે પણ અમેરિકાથી આવતી વસ્તુઓ પર ડ્યૂટી વધારીને અમેરિકાને જવાબ આપ્યો છે. હાલ ઈરાન અને અમેરિકા વચ્ચેના તંગદિલીભર્યા સંબધોને કારણે પણ વિશ્વની હાલત ડામાડોળ બની છે, ક્યારે શું થશે તે કહેવાય નહી. જેથી વિદેશી રોકાણકારો સાવચેત બની ગયા છે અને નવું રોકાણ અટકાવી દીધું છે.

બીજી તરફ બજેટ ભલે ન્યૂ ઈન્ડિયાના સ્વપ્નને લઈને આવ્યું હોય પણ હાલ તો ભારતની ઈકોનોમીની નિરાશા દૂર થાય તેમ નથી. તેના માટે યોગ્ય સમય આપવો જરૂરી થઈ પડશે. હવે બધો આધાર ચોમાસા પર છે. ચોમાસું સફળ રહ્યું તો ઈકોનોમીને વધુ વેગ મળશે તે ચોક્કસ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]