પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ, અને તેને હાલ 2019માં આવનારી લોકસભાની ચૂંટણીની સેમિફાઈનલ તરીકે જોવાઈ રહી છે. આથી જ પાંચ સ્ટેટની ચૂંટણી ખુબ મહત્વની બની રહી છે. જો કે પાંચ રાજ્યોની ચૂંટણી જીતવી તે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થવાના છે. એક તરફ પેટ્રોલ-ડીઝલ-સીએનએજી-એલપીજીના ભાવો આસમાને છે. બીજી તરફ ડૉલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે. અને વધુમાં સ્ટોક માર્કેટમાં કડાકો છે. વેપાર-ધંધામાં મંદી આવી છે. જેથી આમ જનતા મોદી સરકારની નારાજ થઈ છે. પણ હવે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા અને પછી તેમજ લોકસભાની ચૂંટણી વખતે સ્ટોક માર્કેટ કેવું રહેશે, તે ખુબ જ અગત્યનો પ્રશ્ન બની રહ્યો છે.મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે, છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં, રાજસ્થાનમાં 7 ડીસેમ્બર, તેલંગાણામાં 7 ડીસેમ્બર અને મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન થશે. અને 11 ડીસેમ્બરે પરિણામ જાહેર થશે. હાલ આ પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં ભાજપની સરકાર છે, મિઝોરમમાં કોંગ્રેસ અને તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ) પાસે સત્તા છે. આ પાંચ રાજ્યોની ચૂંટણી ખુબ મહત્વની બની રહેવાની છે. અને 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાનું રિહર્સલ હશે.હાલ દેશને માથે અનેક મુંઝવતા પ્રશ્નો છે. આર્થિક રીતે જોઈએ તો પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. નો ડાઉટ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે, પણ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ખુબ વધ્યા છે. તો બીજી તરફ ડૉલર વધુ મજબૂત થયો, એટલે ક્રૂડની આયાત મોંઘી થઈ જેથી બેવડો માર પડ્યો. આથી જ પેટ્રોલ ડીઝલના ભાવ વધુ વધ્યા છે. આમ જનતા આવું કઈ વિચારતી નથી તેને તો ખિસ્સા પર માર પડે એટલે મોદી સરકારની ટીકા કરવાનું ચાલુ કરી દે છે. હવે ઈન્ટરનેશનલ બનાવો સાથે ભારત જોડાયું છે. તેની ભારત પર સારી કે નરસી અસરો પડે છે. ભારત પ્રગતિ કરી રહ્યું છે, માટે તો વિદેશી રોકાણ ભારતમાં આવ્યું છે. જો કે છેલ્લા ત્રણ મહિનાથી ઈકોનોમીના પેરામીટર્સ ખરડાયા છે. મોંઘવારી વધી રહી છે. રૂપિયો 74 થઈ જતાં ચારેકોર મોદી સરકારની ટીકા થઈ રહી છે. આર્થિક બાબતો કોઈ મોદી સરકારના અંકુશમાં રહી નથી.
હા કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂપિયા પાંચનો ઘટાડો કર્યો. તેમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કીમતમાં 1.00નો ઘટાડો કર્યો, કેન્દ્ર સરકારે રૂપિયા 1.50 અને રાજ્ય સરકારે રૂપિયા 2.50 ઘટાડ્યા. મોદી સરકારે સારુ કર્યું, તો સ્ટોક માર્કેટમાં ઓઈલ કંપનીઓના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો. ઓઈલ કંપનીઓએ રૂપિયો એક ઘટાડો કર્યો, તો સ્ટોક માર્કેટના માર્કેટ કેપિટલાઈઝેશમાં 1.50 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું. એટલે કહેવાનું કે મોદી સરકારના આર્થિક નિર્ણયો ઉલટા પડી રહ્યા છે અને તેની નેગેટિવ પરિણામ આપે છે.
રૂપિયાને તૂટતો અટકાવવા માટે આરબીઆઈ કશું જ કરી શકી નથી. કોંગ્રેસના વખતમાં તો રૂપિયાને તૂટતો અટકાવવા માટે આરબીઆઈ ઈન્ટરવેન્શન કરતી હતી. પણ કોણ જાણે ભાજપ સરકારમાં આરબીઆઈ રૂપિયાનું અવમુલ્યન થવા જ દે છે. સરકારે પણ આયાત નિકાસ નીતિ બાબતે વિચારણા કરીને રૂપિયાને ગબડતો અટકાવવો જ જોઈએ. નહી તો દેશને ખુબ આર્થિક નુકશાન થશે.
વિદેશી રોકાણકારો સ્ટોક માર્કેટમાં સતત વેચી રહ્યા છે. તેઓ છેલ્લા 3-4 મહિનાથી રોકાણ પાછુ ખેંચી રહ્યા છે. તેઓ કેમ રોકાણ પાછુ ખેચે છે, તેનું પણ પોસ્ટમોર્ટમ થવું જોઈએ. એવું તો શું થયું કે વિદેશી રોકાણકારોએ ભારતમાં રોકેલા નાણા પાછા લઈ જઈ રહ્યા છે. ભારતની આર્થિક સ્થિતી કથળી રહી છે કે પછી… આ ખુબ વિચાર માંગી લેવો સવાલ છે.
હવે 2018ના વર્ષાન્તે પાંચ રાજ્યોની ચૂંટણી આવે છે. જો ભાજપે પાંચ રાજ્યોમાં જીત હાંસલ કરવી હશે તો આર્થિક પેરામીટરને પોઝિટિવ કરવા જ પડશે. જીએસટીમાં રાહત, પેટ્રોલડીઝલના ભાવમાં ઘટાડો, મોંઘવારી ઘટાડો, રૂપિયો મજબૂત કરવો પડશે વિગેરે… તદઉપરાંત ભાજપ સરકારે પ્રજાને સીધો ફાયદો મળે તેવા પગલા જાહેર કરવા પડશે.પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને તેના પરિણામો સ્ટોક માર્કેટ માટે ટ્રેન્ડસેટરનો રોલ ભજવશે, તેમાં કોઈ મીનમેખ નથી. હવે તો મંદી અટકવી જ જોઈએ. ટેકનિકલી જોઈએ તો નિફટી 10,100 અને 9850 ખુબ જ મહત્વના સપોર્ટ લેવલ છે. ત્યાં માર્કેટ સ્ટેબલ થવું જ જોઈએ. આ લેવલ આજુબાજુ ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોકમાં રોકાણ કરવું જ જોઈએ.
છેલ્લા 27 વર્ષોના ડેટા એમ કહે છે કે ચૂંટણી અગાઉના છ મહિના પહેલા સ્થાનિક શેરબજારમાં રોકાણ કર્યું હોય તો આગામી બે વર્ષ માટે સૌથી વધુ રિટર્ન મળ્યું છે. 17મી લોકસભાની ચૂંટણી 2019મા એપ્રિલથી મે મહિનામાં થશે. જો કે હાલ તે પહેલા રોકાણકારો અને શેરદલાલો શેરબજારથી ખુબ નિરાશ છે.
એક સર્વે અનુસાર વીતેલા 27 વર્ષોમાં ચૂંટણી પહેલા અંદાજે 6 મહિના પહેલાનું રોકાણ બે વર્ષમાં સરેરાશ વાર્ષિક 15 થી 23 ટકા સુધીનું વળતર આપે છે.સૌથી વધુ વળતર 2009માં લોકસભાની ચૂંટણી પહેલા રોકાણ કરનાર રોકાણકારોને મળ્યું હતું, ત્યારે યુપીએ સરકાર ફરીથી સત્તામાં પાછી ફરી હતી. જ્યારે સૌથી ઓછુ રીટર્ન 1999માં 1.5 ટકા મળ્યું હતું, ત્યારે સત્તા ભાજપના ફાળે આવી હતી. આ રીતે મોટાભાગે એમ બન્યું છે કે ચૂંટણી અગાઉ રોકાણ કરનાર વર્ગને ચૂંટણી પછીના વર્ષોમાં સારામાં સારુ વળતર મળ્યું છે. ઉદાહરણ જોઈએ તો 2014માં લોકસભાની ચૂંટણીના 6 મહિના પહેલા નવેમ્બર-2013માં રોકાણ કરનાર વર્ગને નવેમ્બર 2015માં વાર્ષિક 14.3 ટકા વળતર મળ્યું હતું.
જોઈએ હવે આ વખતે ચૂંટણી અગાઉ કરેલ રોકાણ કેટલું લાભદાયી બની રહે છે. જો કે દર વખતે સ્થિતી અલગઅલગ હોય છે. 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તમામ વિપક્ષો એડીચોટીનું જોર લગાવશે, તે નક્કી છે.