સલામત રોકાણઃ સોનાચાંદીના ભાવ કેટલા વધશે?

શેરબજાર તૂટ્યાં પછી સોનાચાંદીમાં ચમક પાછી આવી છે. હાલ શેરબજાર દરરોજ ઘટી રહ્યું છે, તો સોનુંચાંદી રોજ વધી રહ્યા છે. તેના કારણો અનેક છે. પણ શેરબજાર અને સોનાચાંદી એ બન્ને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ચાલતા હોય છે. શેરબજારમાં કમાવાનું કઈ રહ્યું નહી તો હવે રોકાણકારો સોનાચાંદી તરફ વળ્યા છે. અને હવે રોકાણકારોને ફરીથી સોનુંચાંદી સલામત રોકાણ લાગવા માંડ્યું છે. હવે બધા સોનાચાંદીમાં તેજીની વાતો કરતા થયા છે. સોનાચાંદીમાં કેટલી તેજી થશે, તે તો આવનાર સમય બતાવશે, પણ હાલ સોનાચાંદીમાં ખરીદી વધી છે, અને આયાત પણ વધી છે. જે બતાવે છે કે રોકાણકારો ડાયવર્ટ થયા છે. સોનુંચાંદી આ ભાવે ખરીદવા જોઈએ કે નહી તેનું વિશ્લેષણ આપણે જાણીશું.આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર સામે રૂપિયો તૂટયો છે. ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે, સ્થાનિક ઓઈલ બજારમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી વિગેરેના ભાવ વધ્યા છે. જેને કારણે મોંઘવારી પણ વધી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ચરમસીમાએ છે. ભારતમાં 2018માં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. કેન્દ્રમાં ભાજપની સરકાર સત્તામાં આવશે કે નહી તે અસમંજશની સ્થિતી છે. વિદેશી રોકાણકારો(એફઆઈઆઈ) ભારતીય સ્ટોક માર્કેટમાં નેટ સેલર છે. આ બધા નેગેટિવ ફેકટર શેરબજાર માટે છે, પણ સોનાચાંદી બજાર માટે આ જ ફેકટર તેજીના છે.

જ્યારે અસમંજસની સ્થિતી આવે, દેશમાં આર્થિક રીતે અંધાધૂંધી ફેલાય, મોંઘવારી માઝા મુકે, કરન્સી માર્કેટમાં રૂપિયો તૂટે, ત્યારે રોકાણ કરવા માટે માત્ર એક જ સાધન છે. તે છે ગોલ્ડ અને સિલ્વર… શાણા રોકાણકારો શેરબજારમાંથી નીકળીને સલામત રોકાણ તરફ વળતાં હોય છે, ત્યારે સોનાંચાંદીમાં શ્રેષ્ઠ વળતર મળી રહે છે.આમ જોવા જઈએ તો સ્ટોક માર્કેટ લાંબાગાળાના ટ્રેન્ડની રીતે જોઈએ તો તેજીમાં(બૂલ રન) પડેલ છે. હાલ આવ્યું છે તે એકતરફી તેજી પછીનું રીએક્શન છે. નિફટીમાં 9850-9950નો ખુબ જ મજબૂત સપોર્ટ આવે છે, જો નિફટી 9850 ન તૂટે તો શેરબજાર ફરીથી તેજીના તબક્કામાં પ્રવેશી શકે છે. ખુબ જ ધ્યાન રાખીને કામ(ટ્રેડ) કરવું. સ્ટોપલોસ ખુબ અગત્યનો રહેશે. એક વસ્તુ યાદ રાખવી હંમેશા મંદી સીધી લીટીમાં થાય છે, અને તેજી ખચકાતી ખચકાતી થાય છે.

પણ હવે સવાલ એ છે કે સોનુંચાંદીમાં તેજી કેટલી થશે?

 • આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ ડૉલરમાં 1226 છે.
 • સિલ્વરનો ભાવ 14.58-14.69 ડૉલર છે.
 • ભારતમાં 999 ટચ સોનાનો ભાવ રૂપિયા 32,200-32,800 અને હૉલમાર્કે દાગીના રૂપિયા 32,145નો ભાવ બોલાય છે
 • ચાંદી ચોરસા 38,500-39,000 રહ્યો છે
 • ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 1250 ડૉલરનું અતિમહત્વનું રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જો આ લેવલ પાર કરી જશે તો ગોલ્ડમાં તેજી થશે.
 • ગોલ્ડમાં નીચામાં 1200 ડૉલરનો અતિમજબૂત કહી શકાય તેવું સપોર્ટ લેવલ આવે છે. આ સપોર્ટ લેવલ આસપાસ નવી ખરીદી કરી શકાય
 • ગોલ્ડ 1200 ડૉલરનું લેવલ તોડશે તો જ ગોલ્ડનો ભાવ ઘટશે
 • ટેકનિકલી સિલ્વરમાં 14.90 ડૉલર રિઝસ્ટન્સ લેવલ છે, અને નીચામાં 12.10 સપોર્ટ લેવલ છે
 • ભારતમાં નવરાત્રિ પછી હવે દિવાળીના તહેવારો છે, અને ભારતમાં સોનાચાંદીની સૌથી વધુ ખરીદી દિવાળીના દિવસોમાં થતી હોય છે
 • સોનાચાંદીના ભાવ વધવા તરફી થતાં નવી ખરીદી આવી છે
 • સાથે દિવાળી પછીના એક મહિના પછી તુરંત જ લગ્નગાળો આવે છે. આને કારણે લગ્નવાળા પણ નવી ખરીદી આ દિવસોમાં કરે છે. અને નવી ડિમાન્ડ પણ નીકળે છે
 • વર્ષ 2018-19ના પ્રથમ છ મહિનામાં ગોલ્ડની આયાત 4 ટકા વધીને 17.63 અબજ ડૉલર રહી છે
 • ભારત દર વર્ષે સરેરાશ 850-900 ટન સોનું આયાત કરે છે
 • ચાલુ ખાતાની ખાદ્ય ન વધે તે માટે સોનાની આયાત પર અકુંશ લાદેલા છે, તેમ છતાં પ્રથમ છ મહિનામાં આયાત વધી છે
 • દિવાળીના તહેવારોની ડિમાન્ડને કારણે સોનાચાંદીના ભાવ ઊંચા રહેશે
 • ધારણા મુજબ ડિમાન્ડ નહી રહે તો સોનાચાંદીના ભાવ ઘટશે
 • દરવર્ષે ગ્રામ્ય વિસ્તારોની ડિમાન્ડ વધુ રહે છે
 • વિશ્લેષણકારોના મતે ભારતમાં સોનાનો ભાવ રૂપિયા 33,000 વટાવી જશે, અને ચાંદી રૂપિયા 40,000 થઈ જશે