પાટા પર ચડી ભારતની પ્રથમ એન્જિનવિહોણી ટ્રેન

ભારતની સૌપ્રથમ એન્જિનવિહોણી ટ્રેનને 29 ઓક્ટોબરના સોમવારે અજમાયશ માટે પાટા પર દોડાવવામાં આવશે.

આ સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવેલી છે. એની ડિઝાઈન તથા ઉત્પાદન સંપૂર્ણપણે દેશી ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે. આ ટ્રેન દેખાવે બુલેટ ટ્રેન જેવી છે.

આ ટ્રેનની વિશેષતા એ છે કે એમાં એન્જિન નહીં હોય. ‘ટ્રેન-18’ નામની આ ટ્રેનનું ડિઝાઈન વર્ક તેમજ ઉત્પાદન ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા કરવામાં આવ્યું છે.

આ ટ્રેન બનાવવા પાછળ રૂ. 100 કરોડનો ખર્ચ થયો છે. આવી બીજી ટ્રેન આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે. વધુ ટ્રેન બનતી જશે એમ ઉત્પાદન ખર્ચ ઘટતો જશે.

(વિડિયો સૌજન્યઃ રેલવે મંત્રાલય, ભારત સરકાર)

મુંબઈ-અમદાવાદ, દિલ્હી-ભોપાલ, ચેન્નાઈ-બેંગલુરુ જેવા શતાબ્દી એક્સપ્રેસના રૂટ પર ક્વિક ઈન્ટ્રા-ડે પ્રવાસ માટે જ ખાસ આ ટ્રેન તૈયાર કરવામાં આવી છે.

આ ટ્રેન 16-ડબ્બાવાળી હશે. એમાં પ્રવાસીઓને લેટેસ્ટ સુવિધાઓ આપવામાં આવશે. વળી, અન્ય ટ્રેનની સરખામણીમાં આ ટ્રેનનો ટ્રાવેલ-ટાઈમ 10-15 ટકા ઘટી જશે.

પરંપરાગત ટ્રેનોની સરખામણીમાં આ ટ્રેનમાં વધારે સારું એક્સેલરેશન છે, કારણ કે એમાં 50 ટકા વધુ વીજપુરવઠો છે. વળી, એમાં સ્માર્ટ બ્રેકિંગ સિસ્ટમ અને ઈલેક્ટ્રો-ન્યુમેટિક બ્રેકિંગ સિસ્ટમ છે, જે ખાસ હંગેરીમાંથી આયાત કરવામાં આવી છે.

આ છે, Train-18ની વિશેષતા…

  • 16 એરકન્ડિશન્ડ ડબ્બા છે. એમાં બે એક્ઝિક્યૂટિવ કોચ છે. ડ્રાઈવિંગવાળા કોચમાં 44 સીટ છે.
  • ટ્રેલર કોચમાં 78 સીટ છે અને એક્ઝિક્યૂટિવ ચેર કારમાં 52 સીટ છે.
  • ટ્રેનની મહત્તમ સ્પીડ 220 કિલોમીટર પ્રતિ કલાકની છે, જે 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારી શકાશે.
  • દિવ્યાંગ પ્રવાસીઓ માટે બે વિશેષ શૌચાલ છે અને શિશુસંભાળ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
  • પ્રવાસીઓ માટે આરામદાયક ચેર આપવામાં આવી છે.
  • સ્પેશિયલ પેન્ટ્રી યુનિટ્સ છે.
  • દરેક કોચમાં 6 સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. એક સીસીટીવી કેમેરા ડ્રાઈવરના કોચની બહાર મૂકવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓની હિલચાલ પર દેખરેખ રાખી શકાય.
  • ડ્રાઈવર માટે ટોલ-બેક સુવિધા અપાઈ છે.
  • દરેક કોચમાં ઈમરજન્સી સ્વિચ અપાઈ છે.
  • યાત્રી સૂચના માટે દરેક કોચમાં એલઈડી સ્ક્રીન્સ મૂકવામાં આવ્યા છે.
  • સીટ રોટેટિંગ છે.
  • ટ્રેનની મધ્યમાં બે એક્ઝિક્યૂટિવ ક્લાસ કોચમાં બેઠકો રોટેટિંગ ટેક્નોલોજીવાળી છે, જેમાં સીટ 360 ડિગ્રી સુધી ફરી શકે છે જેથી પ્રવાસીઓ ટ્રેનની બહારનાં દ્રશ્યોનો પૂરો આનંદ માણી શકે છે.
  • આ સીટ્સની સ્પેનમાંથી આયાત કરવામાં આવી છે.
  • કોકપિટમાં પ્રવેશ કરી શકાશે.
  • આ સેમી-હાઈસ્પીડ ટ્રેનમાં પ્રવાસીઓ માટે વાઈ-ફાઈ, ઈન્ફોટેનમેન્ટ, જીપીએસ, બાયો વેક્યૂમ સિસ્ટમ છે.
  • ટ્રેનની બંને તરફ ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા છે.
    ટ્રેનના બંને છેડે ડ્રાઈવરો માટે કેબિન છે.
  • ભારતમાં પહેલી જ વાર, પ્રવાસીઓ ડ્રાઈવરની કેબિનના દરવાજા પર ટકોરો મારી શકશે અને પેનલ નિહાળી શકશે.