રોકાણકારે નોમિનેશન, વસિયતનામું કરાવવું કેમ જરૂરી હોય છે?

આપણાં નાણાકીય રોકાણો પોતાનાં અનેક સ્વપ્નોને સાકાર કરવા માટે થયેલાં હોય છે. આથી એકેએક રોકાણ મહત્ત્વનું હોય છે. તમે નાણાં સૅવિંગ્સ ખાતામાં રાખો કે ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખો કે પછી બીજા કોઈ સ્વરૂપમાં રાખો, સૌથી પહેલાં તમારે સ્વજનોને વીમાની સુરક્ષા આપવી જરૂરી છે. ઈક્વિટીમાં પ્રત્યક્ષ રીતે કે મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કરો અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે અન્ય સાધનમાં રોકાણ કરો ત્યારે સૌથી પહેલાં તેની પાછળનું નાણાકીય લક્ષ્ય સ્પષ્ટ હોવું ઘટે. એ સ્પષ્ટતા હોવા ઉપરાંત બીજી એક સ્પષ્ટતા ઘણી જરૂરી છે. એ છે નોમિનેશન.

આજે આપણે નોમિનેશનના મહત્ત્વ વિશે વાત કરવાની છે. તમારાં નાણાં જ્યાં પણ રોકાયેલાં હોય ત્યાં નોમિનેશન કરાવી લેવાનું અગત્યનું છે. રોકાણ કરો ત્યારે એ જ ફોર્મમાં એટલે કે એ જ વખતે નોમિનેશનની વિગતો પણ નક્કી કરીને જણાવી દેવી જોઈએ. જો કે, સવાલ એ છે કે શું ફક્ત નોમિનેશન કરાવી લેવાથી એ નાણાં તમારા સ્વજનોને મળી જશે?

નોમિનેશન બાબતે જણાવવાનું કે તેનાથી નોમિનીને એ નાણાં સંભાળનાર વ્યક્તિ એટલે કે ટ્રસ્ટી તરીકેનો જ અધિકાર મળે છે. એ નાણાં મેળવવાનો ખરો અધિકાર તો રોકાણકારના કાનૂની વારસદારને હોય છે.

હું જ્યારે પણ મારા ક્લાયન્ટ્સ સાથે કે સામાન્ય જનતા સાથે વાતચીત કરતી હોઉં છું ત્યારે એમની એક જ માન્યતા ધ્યાનમાં આવે છે કે નોમિનેશન કરાવી દીધું એટલે પત્યું. આ ગેરમાન્યતાને કારણે જ લોકો કાનૂની વસિયતનામું (વિલ) કરાવતા નથી.

અહીં ખાસ જણાવવાનું કે નોમિનેશન અને વસિયતનામું (વિલ) બન્ને અલગ અલગ વસ્તુ છે.

વસિયતનામું કાનૂની દસ્તાવેજ છે, પરંતુ એ જરૂરી નથી કે તેનું લખાણ સ્ટૅમ્પ પૅપર પર જ લખવું જોઈએ. સાદા કાગળ પર હાથેથી લખેલું કે ટાઇપ કરાવાયેલું લખાણ પણ ચાલે છે. ખરું પૂછો તો હાથે લખેલું વિલ વધારે સારું, કારણ કે તેમાં કાનૂની દાવપેચ થવાનું મુશ્કેલ હોય છે. 1925ના ભારતીય વારસા ધારા મુજબ સ્થિર મગજની અને પ્રૌઢ વયની કોઈ પણ વ્યક્તિ પોતાનું વિલ બનાવી શકે છે.

વિલ બાબતે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટતા કરીએ. ધારો કે રામભાઈએ જીવન વીમો કઢાવ્યો હતો અને એમાં એમણે પોતાના ભાઈ રમેશને નોમિની બનાવ્યા હતા. રામભાઈના અવસાન પછી જ્યારે એમનું વસિયતનામું જોવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે એમણે એ પોલિસીની રકમ પોતાનાં પત્ની (કાનૂની વારસદાર) પ્રીતિબેનને મળે એવું લખ્યું હતું.

આ કિસ્સામાં વીમાકંપનીએ રકમ નોમિનીને આપવી પડે, કારણ કે કાયદો નોમિનીને રકમ આપવા માટેનો છે. જો રામભાઈ પોતાનાં પત્નીને જ બધું આપવા માગતા હતા તો એમણે નોમિની તરીકે પ્રીતિબેનનું જ નામ લખવું જોઈતું હતું. જો એમણે એમ કર્યું હોત તો રકમ સીધેસીધી પ્રીતિબેનને મળી ગઈ હોત.

આ કિસ્સામાં ધારો કે રામભાઈએ કોઈ વસિયતનામું બનાવ્યું ન હોત તો એમનાં નાણાંની ફાળવણી ભારતીય વારસા ધારા મુજબ કરવામાં આવી હોત.

હવે કોઈને સવાલ થશે કે જો નોમિનેશન કરતાં વસિયતનામું વધારે મહત્ત્વનું હોય તો નોમિનેશન કરાવવાની જરૂર જ શું છે?  આ સવાલના જવાબમાં કહેવાનું કે બન્ને વસ્તુ મહત્ત્વની છે. નાણાં કે ઍસેટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાનાં બે પાસાં હોય છે.

1: નોમિનેશન કરાવેલું હોય તો બૅન્ક કે નાણાકીય સંસ્થા મૃતક વ્યક્તિના નોમિનીને કોઈ પણ પ્રકારની ઝંઝટ કે વિલંબ વગર નાણાં ટ્રાન્સફર કરી શકે છે.

2: વસિયતનામું કરેલું હોય તો એ નાણાં કોને કેટલા પ્રમાણમાં આપવાનાં છે એ સ્પષ્ટ થાય છે. આ રીતે કાનૂની વારસદારોને સહેલાઈથી તેમનો હિસ્સો આપી શકાય છે.

કોરોના વાઇરસને પગલે લોકો જ્યારે મોટી સંખ્યામાં મારી પાસે સલાહ લેવા લાગ્યા ત્યારે એમની સંખ્યાબંધ નાણાકીય ત્રુટિઓ કે ભૂલો જોવા મળી છે. આથી સૌને કહેવાનું કે લોકડાઉનના આ સમયગાળાનો સદુપયોગ કરીને સૌથી પહેલાં બધાં રોકાણોની યાદી બનાવો, તેમાં નોમિનેશન કોનું કરાવ્યું છે એ જોઈ લો અને આ કામ પરિવાર સાથે બેસીને કરો, જેથી દરેક સભ્યને તેના વિશે સ્પષ્ટ ખયાલ આવે. વસિયતનામું બનાવવું હોય તો નાણાકીય સલાહકારની મદદ લઈ શકાય છે.

ઉપર કહ્યું એમ, જો નોમિની અને કાનૂની વારસદાર સમાન હોય તો નાણાં સહેલાઈથી વારસદારને મળી જાય છે, અન્યથા એમણે મૃત્યુનું પ્રમાણપત્ર, સંબંધનો પુરાવો, પ્રોબેટ, વગેરે પૂરાં પાડવાની ઝંઝટમાંથી પસાર થવું પડે છે.

  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)