વર્ષ 1875માં સ્થપાયેલું બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ભવ્ય ભૂતકાળ અને સુદીર્ઘ વિકાસ ગાથા ધરાવે છે અને તેના વર્તમાન સીઈઓ આશિષકુમાર ચૌહાણ 2009માં જોડાયા એ પછી તો તેની વિકાસયાત્રા પૂરપાટ વેગે ચાલી રહી છે.
જોકે સ્ટોક એક્સચેન્જ ક્ષેત્રમાં આશિષ ચોહાણની યાત્રાનો પ્રારંભ દેશના નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સ્થાપના સાથે થયો. ફાઈ1990ના પ્રારંભમાં તેમણે જે કામગીરી કરી એને પરિણામે લોકો તેમને આધુનિક ફાઈનાન્સિયલ ડેરિવેટિવ્ઝના જનક તરીકે ઓળખે છે.
આશિષકુમારે એનએસઈને સ્ક્રીન આધારિત ટ્રેડિંગ શરૂ કરવામાં યોગદાન આપ્યું હતું, જે ભારત માટે જ નહિ પરંતુ દુનિયાનાં સ્ટોક અને કોમોડિટી એક્સચેન્જ ટ્રેન્ડ સેટર બની રહ્યું. “1990ના દાયકામાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ફ્લોર બેઝ્ડ ટ્રેડિંગ થતું હતું. ભારતે એક નવા સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરી જે સંપૂર્ણ સ્ક્રીન-બેઝ્ડ હતું. સોદાઓનું મેચિંગ ફોન અથવા અન્ય કોઈ માધ્યમથી માનવ દ્વારા નહિ પણ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવતું હતું. એક્સચેન્જની સ્થાપના માટેની પાંચ મેમ્બરની ટીમનો હું પણ હિસ્સો હતો અને ટીમમાં એકમાત્ર હું એન્જિનિયર હતો.
એનએસઈને એ સમયે ભારે સફળતા મળતાં બધી સંગઠિત બજારો ધીરે ધીરે ઓટોમેટેડ બનતી ગઈ. એને કારણે ભારતીય કંપનીઓનો મોટા આઈટી પ્રોજેક્ટ્સ હાથ ધરવાનો વિશ્વાસ પણ વધ્યો.”
“દેશમાં ઓટોમેટેડ એક્સચેન્જના શરૂ થયેલા ટ્રેન્ડમાં બીએસઈએ પણ ઝુકાવ્યું અને 1995માં તેણે સ્ક્રીન બેઝ્ડ ટ્રેડિંગ શરૂ કર્યું. એ પૂર્વે બીએસઈ એડવાન્સ ટેકનોલોજીમાં ખર્ચ નહોતું કરતું એને કારણે બીએસઈ દર વર્ષે બજાર હિસ્સો ગુમાવી રહ્યું હતું. એક સંસ્થા તરીકે બીએસઈએ સંખ્યાબંધ સમસ્યાઓ સાથે ટેકનોલોજી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા હતી. એક્સચેન્જે તેની ટેકનોલોજી એત્યાધુનિક બનાવવા ઉપરાંત તેની નિયામક તરીકેની પ્રતિષ્ઠા વધારવા માટે કામ કરવાનું હતું, કારણ કે લોકોના મનમાં તેના વિશેની ખરાબ છાપ ઊભી થઈ હતી,” એમ આશિષકુમારે યાદ કરતાં કહ્યું.
“આ ટેકનોલોજીકલ ફેરફાર દરમિયાન એક કંપની તરીકે બીએસઈમાં ડેરિવેટિવ્ઝ અને ટેકનો-સાવી લોકોને લાવવાનું કામ મને સોંપવામાં આવ્યું, જે એ સમયે બીએસઈની પ્રતિષ્ઠા જોતાં મુશ્કેલ હતું. અત્યારે અમને સારો સ્ટાફ મેળવવામાં કોઈ સમસ્યા નથી. અમે ઉચ્ચ બુદ્ધિધનને આકર્ષી શક્યા છીએ અને હાલમાં અમારી પાસે ફેન્ટાસ્ટિક ટીમ છે,” એમ ચૌહાણે કહ્યું.
આશિષ ચૌહાણ સાત વર્ષથી બીએસઈના સીઈઓ છે અને બીએસઈની વર્તમાન ટીમ માટે તેમને વિશેષ અભિમાન છે. “અમે અત્યારે શહેરની શ્રેષ્ઠ ટેકનોલોજી ટીમ ધરાવીએ છીએ. અત્યારે બીએસઈની સિસ્ટમનો રિસ્પોન્સ ટાઈમ છ માઈક્રો સેકંડ્સ છે અને તે ઉચ્ચ કેપેસિટી ધરાવે છે. અમારી પાસે નિયામકે મંજૂર કરેલાં બધાં પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ઉદ્યોગમાં અમારી ઊંચી પ્રતિષ્ઠા છે.”
બીએસઈ અત્યારે 50 ટકા બજાર હિસ્સો ધરાવે છે. “અમારી સફળતા અમારી ટેકનોલોજીની અસરકારકતા, વધુ સારી સર્વિસીસ અને નિયામક તરીકેની અમારી પ્રતિષ્ઠાને દર્શાવે છે.”
“અમે છેલ્લાં દસ વર્ષમાં નવાં પ્રોડક્ટસ લોન્ચ કર્યાં છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુશન અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.” હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડ્સની બજારમાં બીએસઈ 25 ટકા હિસ્સો ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડ્સને એક્સચેન્જ મારફત કામ કરવાની આવશ્યકતા નથી. તેઓ તેમનું નેટવર્ક ધરાવે છે, પરંતુ અમારી ટેકનોલોજી અને સર્વિસીસ મોટા ભાગના ડિસ્ટ્રિબ્યુટર્સ અને મ્યુચ્યુઅલ ફંડસને અમારા પ્લેટફોર્મ ભણી આકર્ષે છે. તેમને અહીં કામગીરી માટેનો બહુ ઓછો ખર્ચ આવે છે.”
આશિષકુમાર કહે છે, ટેકનોલોજી જેમ ઉચ્ચ થતી ગઈ એમ સ્ટોક માર્કેટમાં પારદર્શિતાનું પ્રમાણ વધ્યું છે જે બહુ હકારાત્મક બાબત છે. અગાઉ લોકો પાસેથી રિપોર્ટ પ્રાપ્ત કરવા મુશ્કેલ હતા. અત્યારે આપણને ક્વાર્ટલી રિઝલ્ટ્સ પ્રાપ્ત થાય છે. કંપનીઓ ઓટોમેટિકલી એ ફાઈલ કરે છે અને તેને તત્કાળ બજારમાં જાહેર કરવામાં આવે છે. કોર્પોરેટ ગવર્નન્સનાં ધોરણો ચુસ્ત બન્યાં છે અને હવે વધુ માહિતી ઉપલબ્ધ થાય છે.
“બીએસઈએ ગાંધીનગર શહેરમાં નવા એક્સચેન્જ નામે ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જની સ્થાપના દ્વારા પોતાના પ્રભાવનો વિસ્તાર કર્યો છે. આ દેશનું સૌપ્રથમ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર છે. આ એક્સચેન્જનું ઉદ્ઘાટન વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વિશ્વનું આ સૌથી ઝડપી એક્સચેન્જ છે,” એમ આશિષકુમાર ચૌહાણે કહ્યું.
બીએસઈની કામગીરીની વિસ્તરણ યોજનાઓનો અહીં અંત નથી. આશિષકુમાર કહે છે અમારો ઈરાદો માત્ર પરંપરાગત સ્ટોક એક્સચેન્જ નહિ પરંતુ ફાઈનાન્સિયલ બિઝનેસ ટેકનોલોજી સેન્ટર બનવાનો અને બીએસઈ ગ્રુપમાં કે એક્સચેન્જના પ્લેટફોર્મ પર વધુ પ્રવૃત્તિઓ શરૂ કરવાનો છે.
(સૌજન્યઃ ‘ધ સીઈઓમેગેઝિન.કોમ’, શબ્દાંકન એશટોન કોબલર)