‘મિસ્ટર માર્કેટ’ ગમે તેટલા પડકારો અને ઉતાર-ચડાવને સહન કરી લેવા સક્ષમ છે

બદલાતા સમયની સાથે નાણાકીય તંત્રમાં કેવા કેવા ફેરફારો આવ્યા છે અને ભૂતકાળમાં કયા પ્રકારનાં વલણ જોવા મળ્યા હતાં એ સમજવાનું ઘણું મહત્ત્વ છે.

ચાલો, આજે આપણે એવી કેટલીક ઘટનાઓ વિશે વાત કરીએ.

વર્ષ ૧૯૮૨ના ઓગસ્ટ મહિનામાં ડેટ ક્રાઇસિસ અર્થાત્ ઋણસંબંધી કટોકટી દેખાવા લાગી હતી. એ કટોકટીમાં મેક્સિકો પોતાની વિદેશી કરજની જવાબદારીઓ પૂરી કરવા સક્ષમ રહ્યું ન હતું. પરિણામે, ડેટ ક્રાઇસિસ ઊભી થઈ હતી. મેક્સિકોએ સતત વર્ષો સુધી વિદેશી કરજ વધારે રાખ્યું. વિદેશી કરજ પરના વ્યાજના દરો પણ વધતા ગયા. બીજી બાજુ, વિશ્વમાં મંદી આવી અને મેક્સિકોના ચલણ પેસોનું ઓચિંતું અવમૂલ્યન થયું. આ બધા સંજોગોને લીધે દેશ પર કરજ પુષ્કળ વધી ગયું. એ જ રીતે કરજના બોજ હેઠળ દબાયેલું લેટિન અમેરિકા તથા અન્ય વિકાસશીલ દેશો પોતાનાં કરજ ચૂકવી ન શક્યા. તેથી તેમણે બીજાઓની મદદ માગી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે આ કટોકટીનો મુકાબલો કરવા માટે વૈશ્વિક સહયોગની હાકલ કરી અને કેન્દ્રીય બેંકોની સાથે સાથે કોમર્શિયલ બેન્કોની પણ મદદ લીધી. જો એક પછી એક દેશ પોતાના કરજ ચૂકવવામાં નિષ્ફળ જશે તો છેવટે બધાને જ નુકસાન થશે એવું તેને સમજાઈ ગયું હતું.

નોંધનીય છે કે થોડા જ સમય બાદ એટલે કે ૧૯૮૩માં શેરબજારમાં નવી ઊંચી સપાટી રચાઈ. અમેરિકાના ઇન્ડેક્સ એસએન્ડપીમાં ૨૨.૫૧ ટકાની વૃદ્ધિ થઈ. ૧૯૮૪માં અમેરિકામાં રાજકોષીય ખાધ સર્જાઈ. ૧૯૮૫માં ડોલરનું અવમૂલ્યન થવા લાગ્યું અને શેરબજારમાં આગઝરતી તેજી ચાલુ રહી.

૧૯૮૬માં ઈન્ડેક્સ ડાઉ જોન્સ ૨૦૦૦ની વિક્રમી સપાટીએ પહોંચ્યો પરંતુ એના બીજા જ વર્ષે ઓક્ટોબર માસમાં બજારમાં જોરદાર કડાકો બોલાયો, જેને ‘બ્લેક મંડે’ તરીકે ઓળખાવાય છે. ૧૯૮૮માં અમેરિકામાં ચૂંટણીનું વર્ષ હતું અને લોકોમાં આશા બંધાઈ હતી, પરંતુ નબળા બોન્ડને કારણે મોટી ગરબડ સર્જાઈ અને તેને પગલે બીજો નાનકડો કડાકો બોલાયો.

૧૯૯૦માં અખાતી યુદ્ધને પગલે ૧૬ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો. ૧૯૯૧માં સોવિયેત સંઘનું વિસર્જન થયું અને એના બીજા વર્ષે વૈશ્વિક આર્થિક મંદીને કારણે બજારો ફ્લેટ રહ્યાં. 1993 દરમિયાન વૈશ્વિક સ્તરે બિઝનેસમાં સુધારો જોવા મળ્યો અને તેની સાથે સાથે વ્યાજના દરો પણ વધતા ગયા. 1995માં બજારમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી અને ફુગાવાનું જોખમ સર્જાયું. સરકારી કરજનું પ્રમાણ વધી ગયું અને કંપનીઓએ વૃદ્ધિ કરવા માટે મોટાં જોખમો માથે લઈ લીધાં. આવા સમયે બજારમાં સેન્ટિમેન્ટ બદલાયું બજારમાં માનસિકતા બદલાઈ અને વિદેશી રોકાણકારોએ એશિયન દેશોમાં કરેલું રોકાણ પાછું ખેંચવાની શરૂઆત કરી. તેને પગલે બજારોમાં વિશ્વાસનો અભાવ સર્જાયો. એશિયન દેશોમાં મોટા પાયે મેક્રોઇકોનોમિક સમસ્યાઓ સર્જાઈ, જેને આજે લોકો 1997ની એશિયન આર્થિક કટોકટી તરીકે ઓળખે છે. આ કટોકટી મુખ્યત્વે થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, મલયેશિયા, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયામાં સર્જાઇ હતી. આ દેશોમાં સ્થાનિક ચલણનું ઝડપથી અવમૂલ્યન થયું હતું અને વિદેશી રોકાણકારોએ રોકાણ પાછું ખેંચી લેતાં સમગ્ર અર્થતંત્રમાં નિરાશાવાદ છવાઈ ગયો હતો.

૧૯૯૭થી ૨૦૦૦ની સાલના પ્રારંભિક ગાળા સુધી લોકોએ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઘણું રોકાણ કર્યું અને કદાચ એ જ કારણસર આ ગાળામાં રિયલ એસ્ટેટના ભાવ ઉંચકાયા હતા.

90ના દશકામાં ઇન્ટરનેટ ક્રાંતિને કારણે એના ઉપયોગ પર આધારિત કંપનીઓની સંખ્યામાં પ્રચંડ વધારો થયો. આ ઇન્ટરનેટ સંબંધિત કંપનીઓના શેરોમાં મોટાપાયે સટ્ટો ખેલાયો હતો. આખરે પરપોટો ફૂટ્યો ત્યારે શેરબજારમાં કડાકો બોલાયો. વર્ષ ૨૦૦૦ પછી ૨૦૦૧ની મંદી અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો, ૨૦૦૨માં કોર્પોરેટ એકાઉન્ટિંગ કૌભાંડો, ૨૦૦૩માં ઇરાકમાં યુદ્ધ, ૨૦૦૪માં અમેરિકાની વેપાર અને બજેટની પ્રચંડ ખાધ, ૨૦૦૫માં ઓઇલ અને ગેસના અતિશય વધી ગયેલા ભાવ, ૨૦૦૬માં રિયલ એસ્ટેટનો પરપોટો ફૂટવાની ઘટના, ૨૦૦૭માં સબપ્રાઈમ મોર્ગેજ કટોકટી, ૨૦૦૮માં બેન્કિંગ અને ક્રેડિટની ક્રાઇસિસ, ૨૦૦૯માં વૈશ્વિક આર્થિક કટોકટી, 2010માં ગ્રીન ડેટની કટોકટી, ૨૦૧૧માં યુરો ઝોનની કટોકટી, ૨૦૧૨માં અમેરિકાની રાજકોષીય સમસ્યાઓ, ૨૦૧૩માં આર્થિક રાહત પાછી ખેંચી લેવાની ફેડરલ રિઝર્વની જાહેરાત, ૨૦૧૪માં ક્રૂડના ભાવમાં કડાકો, ૨૦૧૫માં ચીની શેરબજારમાં થયેલી વેચવાલી, ૨૦૧૬માં બ્રેક્ઝિટ અને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીઓ, ૨૦૧૭માં આ સ્ટોક્સમાં અતિશય વૃદ્ધિ અને બિટકોઈન પ્રત્યેની ઘેલછામાં થયેલો વધારો, ૨૦૧૮માં વેપાર યુદ્ધ અને વધેલા વ્યાજદરની સમસ્યા, ૨૦૧૯માં ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશમાં થયેલો ઘટાડો, એમ એક પછી એક કેટલીય સમસ્યાઓ આવતી ગઈ.

આજકાલ ચાલી રહેલી કોરોનાની કટોકટી વિશે તો આપણે રોજેરોજ જાતજાતના અનુભવ કરી રહ્યા છીએ. ઉપરોક્ત વાતો પરથી સ્પષ્ટ થાય છે કે શેરબજારમાં હંમેશાં વિવિધ લાગણીઓની અસર જોવા મળતી હોય છે. ક્યારેય વર્ષો સુધી એકસામટી ચાલતી વૃદ્ધિ કે વર્ષો સુધી એકસામટી મંદી રહેતી નથી. ટૂંકમાં, એમાં ચડ-ઊતરનું ચક્ર ચાલ્યા કરતું હોય છે. મંદી અને તેજી એ બંને શેરબજારના સિક્કાની બે બાજુઓ છે. આમ ઇતિહાસના આધારે કહી શકાય કે રાત ગમે તેટલી અંધારી હોય બીજા દિવસે સવારનું અજવાળું એ અંધારાને ઉલેચી દેતું હોય છે. શેરબજારને એક વ્યક્તિ ગણીએ, તો કહી શકાય કે ‘મિસ્ટર માર્કેટ’ ગમે તેટલા પડકારો અને ઉતાર-ચડાવને સહન કરી લેવા સક્ષમ છે.

  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]